હવાઈ ​​મુસાફરો માટે ખુશખબરી:ઈન્ડિગો આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી રદ થયેલી ફ્લાઇટ્સના તમામ મુસાફરોને ટિકિટના પૈસા પાછા આપશે

2 વર્ષ પહેલા

ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ (IndiGo)તેની રદ થયેલી ફ્લાઈટના તમામ મુસાફરોને ટિકિટના પૈસા 31 જાન્યુઆરી 2021 સુધી પરત આપવાની જાહેરાત કરી છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈન કંપનીએ કહ્યું કે, તેને લગભગ એક હજાર કરોડ રૂપિયાના રિફંડ સંબંધિત કામ પૂર્ણ કરી દીધા છે. તે મુસાફરોને રિફંડ કરવામાં આવતી કુલ રકમના લગભગ 90% છે. કંપનીના આ પગલાને એરલાઈન સેક્ટરમાં રિકવરીના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ઓપરેશનમાં રિકવરીના કારણે ક્રેડિટ સેલની ચૂકવણી શક્ય છે
ઈન્ડિગોના CEO રોન્જોય દત્તાએએ એન્જસીને જણાવ્યું કે, લોકડાઉનના કારણે માર્ચના અંતમાં એરલાઈનનું સંચાલન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું હતું. તેથી અમારી પાસે કેશ ફ્લો અટકી ગયો હતો, તેથી અમે મુસાફરોને પૈસા પાછા આપી શક્યા નહીં. તેમણે કહ્યું કે, હવે ઓપરેશન શરૂ થઈ ગયું છે. તે ઉપરાંત હવાઈ મુસાફરીની માગમાં ધીમે ધીમે સુધારા બાદ અમારી પ્રાથમિકતા કેન્સલ થયેલી ફ્લાઈટના મુસાફરોને પૈસા પાછા આપવાની છે. તેમણે કહ્યું કે અમે 31 જાન્યુઆરી 2021 સુધીમાં 100% ક્રેડિટ સેલની ચૂકવણી પૂર્ણ કરીશું.

લોકડાઉનના કારણે ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી
અગાઉ કોરોના મહામારીને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. જો કે, 25મેથી 30% ફ્લાઈટ કેપેસિટીની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણી ફ્લાઈટ કેન્સલ થઈ. તે અંગે મુસાફરોએ ટિકિટ રિફંડ માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ એરલાઈન કંપનીઓ રિફંડ આપવામાં આનાકાની કરવા લાગી અને પૈસા રિફંડ કરવાની જગ્યાએ ક્રેડિટ સેલ એટલે કે કેન્સલ થયેલી ટિકિટની રકમમાં ટિકિટ આપવાની ઓફર આપવા લાગી હતી.

સુપ્રીમ કોર્ટે DGCAની દરખાસ્તને મંજૂરી આપી
આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા DGCAના ક્રેડિટ સેલ દ્વારા મુસાફરોના ટિકિટ રિફંડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ક્રેડિટ સેલ ટ્રાન્સફરેબલ હશે અને વ્યાજ ક્રેડિટ સેલમાં જમા થશે, જે 30 જૂન સુધી કેન્સલેશન પર 0.5% અને ત્યારબાદ 31 માર્ચ 2021 સુધી 0.75 ટકા હશે. ક્રેડિટ સેલ એક પ્રકારની ક્રેડિટ નોટ છે, તે કેન્સલ PNRનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુક કરવા માટે થાય છે.