વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર:વર્ષ 2023માં ભારતમાં વધુ એક અજાયબી ઉમેરાશે, ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશ એ આર્કિટેક્ચરલ અજાયબીઓથી ભરેલો છે. પાષાણ મંદિરોથી માંડીને ગુફાનાં મંદિરો, પરંપરાગત ડિઝાઇનવાળા મંદિરો આ બધાં જ મંદિરો એકવાર જે પણ જોઈ લે પછી તેને લાંબા સમય સુધી ભૂલી શકતો નથી. વર્ષ 2023માં આર્કિટેક્ચરલ અજાયબીઓની આ યાદીમાં વધુ એક અજાયબીનો ઉમેરો થશે. આ અજાયબી છે 'ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટેરિયમ.' આ મંદિર પશ્ચિમ બંગાળના નડિયા જિલ્લાના માયાપુર ગામમાં આવેલું છે. માયાપુર એ ઇસ્કોનનું મુખ્ય મથક છે એટલે વૈદિક પ્લેનેટોરિયમનું મંદિર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)નું વડુમથક હશે. આ મંદિર એક ભવ્ય મહેલ જેવું જ બનેલું છે.

ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જે મંદિરના ફ્લોરનો વિસ્તાર ઉપયોગમાં લેવામાં આવશે તે 1,00,000 ચોરસ ફૂટ વિસ્તાર (2.5 એકર) હશે. આ મંદિરના દરેક ફ્લોરમાં એકસરખી જગ્યા હશે. આ મંદિરમાં એકસાથે દરેક ફ્લોરમાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને રાખી શકાશે. અહી તમામ ભક્તોને દેવની સામે ગાવા અને નૃત્ય કરવાની મંજૂરી આપવામાં આવશે. ઇસ્કોનના તમામ મંદિરોમાં આ સામાન્ય ધાર્મિક વિધિ પ્રથા છે. વિશ્વભરમાં તેમની ધાર્મિક વિધિઓ પ્રસરે તેવી પણ તેમની યોજના છે. આ મંદિર વર્ષ 2023 સુધીમાં તૈયાર થવાનું છે અને જ્યારે તે તૈયાર થશે, ત્યારે તે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે અને વિશ્વનું સૌથી ઉંચું મંદિર પણ હશે. તે કોલકાતાથી લગભગ 130 કિમી દૂર સ્થિત છે. ચાલો એક નજર કરીએ એવી વસ્તુઓ પર જે આ મંદિરને અનોખું બનાવે છે.

ખર્ચ:
આ મંદિર અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે. અંદાજે 500 કરોડ રૂપિયાનું જંગી રોકાણ આ મંદિરમાં છે. આ મંદિરનું બાંધકામ લગભગ બે દાયકાથી ચાલી રહ્યું છે અને તેમાં 2 કરોડ કિલો સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનું સ્થાપત્ય પશ્ચિમ અને પૂર્વ સંસ્કૃતિનું મિશ્રણ છે તેમ મંદિરના MD સદાભુજા દાસ જણાવે છે. આ મંદિર 380 ફૂટ ઊંચું રહેશે. ચેરમેન, આલ્ફ્રેડ ફોર્ડ (હેનરી ફોર્ડના પૌત્ર)ના જણાવ્યા પ્રમાણે આ મંદિરની અંદાજિત કિંમત 100 મિલિયન ડોલર છે. ​​​​​​​

બાંધકામ:
આ મંદિરમાં એક ફ્લોર પર 10,000થી વધુ લોકો બેસી શકશે.આ મંદિર બ્લુ બોલિવિયન માર્બલથી સજ્જ છે. આરસના પથ્થર વિયેતનામથી આયાત કરવામાં આવ્યા છે અને ભારતમાંથી પણ ખરીદવામાં આવ્યા છે. તેનાથી મંદિરને વેસ્ટર્ન લુક મળે છે. આ મંદિરના ફ્લોરમાં 20 મીટર લાંબી વૈદિક ઝુમ્મર પણ છે અને ફ્લોરનો વ્યાસ આશરે 60 મીટર છે. આ મંદિરના બાંધકામમાં વિશ્વના સૌથી મોટા ગુંબજમાંથી એકનો સમાવેશ થાય છે. ભાગવત પુરાણમાં જે લખ્યું છે તે મુજબ આ ઇમારતની રચના અને નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઇમારત ગ્રહોની પ્રણાલીની કામગીરીનું પ્રતીક બનશે.

વૈદિક જોડાણ:
મંદિરના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઇમારત સમગ્ર વૈદિક બ્રહ્માંડવિજ્ઞાનને આડકતરી રીતે પ્રદર્શિત કરશે. આવું એટલા માટે કરવામાં આવશે કે દર્શનાર્થીઓને વૈદિક બ્રહ્માંડ અને પુરાણોની કથાઓને સમજવામાં સરળતા રહેશે. આ વિશાળ મંદિર બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એક અધિકૃત મંચ અને સાકાર વિજ્ઞાન દ્વારા વૈદિક સંસ્કૃતિ વિશે વિશ્વ સમક્ષ જાગૃતિ લાવવાનો છે. વૈદિક જ્ઞાનનો પ્રસાર કરવો એ આચાર્ય પ્રભુપાદનો મુખ્ય ઉદ્દેશ હતો. તેમણે એક એવી જગ્યા બનાવવાનું સપનું જોયું કે, જે લોકોને આ ઉદ્દેશ્ય તરફ આકર્ષિત કરે. માયાપુરની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે.​​​​​​​

ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે:

જો કે, આ મંદિર ભગવાન કૃષ્ણ (ઇસ્કોનના મોટાભાગના મંદિરોની જેમ) માટે સમર્પિત છે, આ મંદિર તમામ ધર્મ, જાતિ અને સંપ્રદાયના લોકો માટે ખુલ્લું છે. આ મંદિરમાં કોઈ જાતિ આધારિત અવરોધો નહીં હોય. કોઈપણ વ્યક્તિ મંદિરની મુલાકાત લઈ શકે છે, ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકે છે અને સંત કીર્તન ચળવળનો ભાગ બની શકે છે.નવું મંદિર પહેલેથી જ લોકપ્રિય માયાપુરમાં એક ભવ્ય ઉમેરો હશે, જે ભારતના પવિત્ર સ્થળોમાંનું એક છે. ઇસ્કોનનું પહેલું મંદિર ચંદ્રોદય મંદિર પણ અહીં આવેલું છે.

રેકોર્ડો તોડી રહ્યું છે:
આ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી વૈદિક પ્લેનેટોરિયમનું મંદિર વેટિકનમાં સેન્ટ પોલ્સ કેથેડ્રલ અને આગ્રાના તાજમહેલ કરતાં પણ મોટું હશે!

ક્યારે મુલાકાત લઈ શકશો?
વૈદિક પ્લેનેટોરિયમનું મંદિર જુલાઈ-ઓગસ્ટ 2023માં મુલાકાતીઓ માટે ખુલશે.