મણિરત્નમનું માસ્ટરપીસ પોન્નીયિન સેલ્વન-I:ચોલ સામ્રાજ્ય ટેક્નોલૉજિકલ રીતે કેટલું આગળ વધ્યું હતું? તમિલનાડુના બૃહદેશ્વર મંદિર પરથી જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મણિરત્નમ ભારતના દિગ્ગજ ફિલ્મમેકર્સમાંથી એક છે. 'રોજા', 'બોમ્બે' તથા '​​​​​​​દિલ સે' જેવી ફિલ્મ બનાવી ચૂકેલા આ પીઢ ફિલ્મમેકરે કલ્કી કૃષ્ણમૂર્તિની પ્રખ્યાત નવલકથા પરથી એક ફિલ્મ બનાવી છે ‘પોન્નીયિન સેલ્વન-I’, જે આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. વિક્રમ, પ્રકાશ રાજ અને ઐશ્વર્યા રાય જેવા દિગ્ગજ કલાકારો દ્વારા અભિનિત આ ફિલ્મ મણિરત્નમની મહત્વકાંક્ષી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તમને રોમાંચ, ષડયંત્ર અને નાટકનો ભરપૂર તડકો જોવા મળશે. આ ફિલ્મની મજા તો તમે થિયેટરમાં જઈને લઈ શકશો પણ આજે અમે તમને ચોલ સામ્રાજ્ય સાથે જોડાયેલા 11મી સદીમાં બાંધવામાં આવેલ ટેકનોલોજીકલ માળખા પર આધારિત મંદિર ‘બૃહદેશ્વર મંદિર’ વિશે જણાવીશું.

બૃહદેશ્વર મંદિર તામિલનાડુના તંજાવુરમાં આવેલું હિંદુ દ્રવિડ શૈલીનું મંદિર છે અને તે ભગવાન શિવને સમર્પિત છે. યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ, આ મંદિરનું નિર્માણ રાજા રાજા ચોલા પ્રથમ દ્વારા ઈ.સ. 1010માં કરવામાં આવ્યું હતું. બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ તમિલનાડુ સ્થિત બૃહદેશ્વર મંદિર વિશે ટ્વિટર પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો હતો. 90 સેકન્ડની લાંબી આ ક્લિપમાં ડિઝાઇનર શ્રવણ્યા રાવ પિટ્ટી મંદિરની મુલાકાત લઇ રહ્યા છે, જેનું નિર્માણ ચોલ રાજવંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. 11મી સદીમાં ટેકનોલોજીકલી એડવાન્સ સ્ટ્રકચર પર આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે અને આ વીડિયોમાં મંદિરના બાંધકામને જોઈને લોકો ચકરાવે ચડ્યા છે કે, તે સમયે મંદિરનું આટલું એડવાન્સ સ્ટ્રકચર કેવી રીતે શક્ય બને? આગળ વાત કરતાં પહેલા વીડિયો જુઓ.

આ વીડિયો શેર કરતાની સાથે આનંદ મહિન્દ્રા લખે છે કે, ‘પ્રતિભાશાળી ડિઝાઇનર શ્રવણ્યા રાવ પિટ્ટીની માહિતીપ્રદ અને પ્રેરણાદાયી ક્લિપ. મને લાગે છે કે, ‘ચોલ સામ્રાજ્ય કેટલું નિપુણ હતું? કેટલું શક્તિશાળી હતું? અને ટેક્નોલૉજિકલ રીતે કેટલું આગળ વધ્યું હતું? તે આપણે ખરેખર હજુ જાણી જ શક્યા નથી. વિશ્વ હજુ આ મંદિરના ઐતિહાસિક મહત્વથી સાવ અજાણ જ છે.’

આ વીડિયો શેર થયા પછી વીડિયોને 7.6 લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 40,000 લાઇક્સ મળી છે. આ વીડિયો પર લોકોની ઢગલાબંધ કમેન્ટ્સ પણ આવી હતી. ઘણા લોકોએ મંદિરની મુલાકાત લઈને તેમને થયેલા અનુભવો પણ શેર કર્યા હતા તો અમુક લોકોએ આ વીડિયોમાં તાજમહેલને લઈને કરવામાં આવેલી એક વાતની ટીકા પણ કરી. આ વીડિયોમાં પિટ્ટીએ જણાવ્યું હતું કે, બૃહદેશ્વર મંદિર સંકુલની અંદર 200 તાજમહેલો ફિટ થઈ શકે છે પણ તાજમહેલ 42 એકરમાં ફેલાયેલો છે જ્યારે બૃહદેશ્વર મંદિર સંકુલ આશરે 44.7 એકરમાં ફેલાયેલ છે, તો આ કેવી રીતે શક્ય બને?

એક માહિતી મોટાભાગે ચૂકી જાય છીએ કે, આ મંદિરને સેન્ડ બોક્સ ફાઉન્ડેશન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેનો કોઈ પાયો નથી! અને જો તમે તેને ઝુકાવશો તો પણ તે ઊભી સ્થિતિમાં પાછો ફરશે. વજનદાર રમકડાની જેમ! અમે તે રમકડાંને તાન્જોર રમકડાં કહીએ છીએ. એક યુઝરે કોમેન્ટ કરી ‘હા, સર, આ મંદિર અદ્ભુત છે. ગયા મહિને મેં બૃહદેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. અમને એ જોઈને આશ્ચર્ય થયું કે, ચોલ રાજવંશે આ મંદિરને કેવી રીતે બનાવ્યું?’ બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘ચોલા વંશના લોકો દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં હિન્દુ સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે પણ જવાબદાર હતા. તેનું મુખ્ય ઉદાહરણ કંબોડિયામાં પૃથ્વી પરનું સૌથી મોટું મંદિર, અંગકોર વાટ છે. ’ ત્રીજાએ શેર કર્યું, ‘આ એક અજાયબી છે! અફસોસ કે ઘણાએ તો આ વિશે સાંભળ્યું પણ નથી...’ ચોથાએ શેર કર્યું, ‘સર, તમે આ મંદિરની મુલાકાત લીધી છે?’