ફેસ્ટિવલ / લદ્દાખ જાઓ છો? 11-12 જુલાઈએ હેમિસ ફેસ્ટિવલ માણવાનું ચૂકશો નહીં

Go to Ladakh? Do not miss the Hamish Festival on July 11-12

Divyabhaskar.com

Jul 11, 2019, 08:29 PM IST

ટ્રાવેલ ડેસ્ક. આમ તો લદ્દાખ જવા માટે કોઈ પ્રસંગ, સેલિબ્રેશન કે ઉત્સવની રાહ જોવાની જરૂર હોતી નથી, કેમ કે લદ્દાખ જવું એ પોતે જ એક ઉત્સવ છે, સેલિબ્રેશન છે. લેકિન લદ્દાખ જવાનું પ્લાનિંગ કરેલું હોય અને તેમાં ત્યાંના સ્થાનિક ફેસ્ટિવલની પણ મજા માણવા મળે તો? સોનામાં સુગંધ ભળે, રાઈટ? અત્યારે લેહ-લદ્દાખ ફરવા જવાની સીઝન ચાલી રહી છે. બીજી ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે 11 અને 12 જુલાઈએ ત્યાં પ્રખ્યાત હેમિસ ફેસ્ટિવલ ઉજવાય છે. આ ફેસ્ટિવલ માણવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. લેહ-લદ્દાખનો આ તહેવાર વિશ્વાસનો ઉત્સવ છે,જેમાં તમને લદ્દાખનો દરેક રંગ જોવા મળે છે.

લદ્દાખ હેમિસ ફેસ્ટિવલ કેમ મનાવવામાં આવે છે

લદ્દાખને મિનિ તિબેટ પણ કહેવામાં આવે છે. આ ઐતિહાસિક ફેસ્ટિવલનાં મૂળિયાં ખૂબ ઊંડાં છે. આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ છે અસત્ય પર સત્યની જીત. ઈસવીસન આઠમી સદીમાં બૌદ્ધ ધર્મના મહાન ધર્મગુરુ પદ્મસંભવ દેવ થઈ ગયા. તેમને બૌદ્ધ ધર્મના સ્થાપક એવા ગૌતમ બુદ્ધ પછીના ગુરુ માનવામાં આવે છે. લદ્દાખમાં એમની વિશાળ પ્રતિમા પણ જોઈ શકાય છે. એવી માન્યતા છે કે લદ્દાખની ખરાબ આત્માઓને તેમણે દૂર કરી હતી. તેના સેલિબ્રેશન રૂપે જ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

લેહથી 45 કિલોમીટરના અંતરે આવેલી હેમિસ મોનેસ્ટરીમાં બે દિવસ માટે આ ‘હેમિસ ફેસ્ટિવલ’ મનાવવામાં આવે છે. તિબેટિન કેલેન્ડર પ્રમાણે પાંચમા મહિનાના દસમા દિવસને પદ્મસંભવ દેવની જન્મજયંતી તરીકે આ ઉજવવામાં આવે છે, અને એટલે જ આ ઉત્સવ પણ આ જ દિવસોમાં સેલિબ્રેટ કરાય છે. આ વખતે આ તહેવાર 11 અને 12 જુલાઈએ મનાવાઈ રહ્યો છે.

આ ફેસ્ટિવલમાં મૂળ તિબેટિયન એવા લદ્દાખના લોકો રંગબેરંગી પોશાક, પરંપરાગત વેશભૂષા ધારણ કરીને નૃત્ય સાથે ઉજવણી કરે છે. અહીં તમે પરંપરાગત લદ્દાખી વાજિંત્રો પણ જોવા મળે છે. અનિષ્ટ પર ઈષ્ટના વિજયના પ્રતીક રૂપે વિવિધ પ્રકારના માસ્ક પહેરીને કરાતું ‘છામ’ નૃત્ય આ ઉજવણીનું મોટું આકર્ષણ હોય છે. અનિષ્ટનો નાશ કરવાના પ્રતીક રૂપે લોટની બનેલી મૂર્તિઓનો નાશ કરવામાં આવે છે અને તેના ટૂકડા ચારેય દિશાઓમાં ફેંકી દેવાય છે. આ અનોખા ઉત્સવને માણવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ત્યાં ઉપસ્થિત લોકોને ‘ચાંગ’ નામનો સ્થાનિક શરાબ પણ પીરસવામાં આવે છે. પ્લસ લદ્દાખી વાનગીઓનો જલસો પણ ખરો.
લદ્દાખ પહોંચવા માટે દિલ્હીથી વહેલી સવારે સીધી ફ્લાઈટ મળે છે. તમે દિલ્હી-મનાલી-લદ્દાખ અને શ્રીનગરના રસ્તેથી પણ લેહ (લદ્દાખ) પહોંચી શકો છો. આ ફેસ્ટિવલની મજાની સાથે તમે લદ્દાખની સ્વર્ગીય સુંદરતા પણ માણી શકો છો.

X
Go to Ladakh? Do not miss the Hamish Festival on July 11-12
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી