દુનિયાનું પહેલું ફ્લોટિંગ સિટી:આ દેશમાં તૈયાર થઇ રહ્યું છે પાણીમાં તરતું શહેર, 1530 કરોડનો ખર્ચ થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં ટેક્નોલોજીનો હરણફાળ વિકાસ થઇ રહ્યો છે. માણસ જેની ઈચ્છા રાખે તેને મેળવે છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે દુનિયામાં તરતું શહેર પણ હશે. ફ્લોટિંગ સિટી એટલે કે તરતા શહેરનો વિચાર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગે છે. પરંતુ દક્ષિણ કોરિયામાં ફ્લોટિંગ સિટી બનાવવામાં આવી રહ્યું છે.

દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં વૈજ્ઞાનિકે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની મદદથી ફ્લોટિંગ સિટી બનાવવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કે, જલ્દી જ દેશના તટીય ક્ષેત્રો સમુદ્રમાં સમાઈ જશે. જેથી લોકોને બેઘર થવાનો વારો આવી શકે છે. જેના કારણે તરતા શહેરનો વિચાર આવ્યો છે. OCEANIX બુસાન નામનો આ પ્રોજેક્ટ ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આ પ્રોજેક્ટની 3D ડિઝાઇન તસ્વીર લોન્ચ કરી છે.

1530 કરોડમાં બનશે ફ્લોટિંગ સિટી
ફ્લોટિંગ સિટીનું નિર્માણ 1530 કરોડમાં થશે જયારે 2025 સુધીમાં આ શહેર તૈયાર થઇ જશે. આ શહેર કુલ 15.5 એકર એરિયામાં તૈયાર કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં 12 હજાર લોકો અહીં રહી શકશે, આ બાદ 1 લાખ લોકો રહી શકશે. અમેરિકાની કંપની OCEANIXના CEO ફિલિપ હોફમેને જણાવ્યું હતું કે, સમુદ્રમાં પાણીનું લેવલ વધવા છતાં કેવી રીતે રહી શકીએ તેનું ઉદાહરણ આ ફ્લોટિંગ સિટી બનશે.

7 માળ સુધીની હશે ઇમારતો
ફ્લોટિંગ સિટી બ્લુ પાણીની ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ શહેરમાં પ્લેટફોર્મ અથવા તો પુલની મદદથી જઈ શકાશે. ફ્લોટિંગ સિટી બનાવનાર કંપનીએ જણાવ્યું છે કે, આ શહેરમાં ઘણા વિસ્તાર હશે. જેમાં રહેવા માટે અલગ વિસ્તાર, સંશોધન કરવા માટે પણ અલગ વિસ્તાર હશે. શહેરની બધી જ ઇમારતો સાત માળ સુધી જ સીમિત રહેશે.

વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જનું રાખ્યું છે ધ્યાન
બિઝનેસ ઇનસાઈડરના રિપોર્ટ અનુસાર, શહેરના દરેક આઇલેન્ડને ચુનાથી કોટિંગ કરવામાં આવશે. તો પ્લેટફોર્મ નીચે જાળીઓ રાખવામાં આવશે જે સી-ફુડ રાખવા માટે મદદરૂપ થઇ શકશે. માછલીના વેસ્ટથી વૃક્ષો અને છોડને ફળદ્રુપ કરવામાં આવશે.

OCEANIX જણાવે છે કે, અહી જે લોકો રહેશે તે લોકો પ્લાન્ટ બેઝડ ડાઈટ જ લેશે. જેમાં સ્પેસ, એનર્જી અને પાણીના સંશોધનો પરનું દબાણ ઓછું રહેશે. આ સિવાય વૈજ્ઞાનિકોએ અહીંની લાઈફસ્ટાઈલમાં જીરો વેસ્ટ અને નેટ જીરો એનર્જી સિસ્ટમને સામેલ કરવામાં આવશે. આ શહેરમાં પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ખરીદી માટે માર્કેટ પણ બનાવવામાં આવશે. આ શહેરમાં રહેવા માટે કેટલા પૈસા આપવા પડશે તે અંગે હજુ સુધી જાણકારી મળી નથી.

OCEANIXના જણાવ્યા અનુસાર, આજે દુનિયામાં દર પાંચ પૈકી બે લોકો સમુદ્ર તટથી સો કિલોમીટર દૂર રહે છે. ત્યારે આ લોકો પર જળસ્તર વધવાને કારણે પૂર આવવું અને બેઘર હોવાનું જોખમ રહે છે. આ પ્રોજેક્ટમાં સામેલ આર્કિટેક્ટ કહે છે કે, OCEANIXના ફ્લોટિંગ સિટીમાં એવા લોકોને પહેલા જગ્યા આપવામાં આવશે જે લોકોમાં ક્લાઇમેન્ટ ચેન્જની અસર પહેલા જોવા મળશે.