30 દિવસ 30 વાનગી:બંગાળની ફેમસ ડિશ આલુદમ સાથે કોરાઈશુતિર કચોરીની મજા માણો, જાણો સ્ટેપ-ટુ-સ્ટેપ રૅસિપિ

4 મહિનો પહેલા

તહેવાર એ પૂજા-પાઠની સાથે તમારી સમૃદ્ધ પરંપરાઓને પણ અભિવ્યક્ત કરે છે. ભાસ્કરે 12 રાજ્યનાં 27 શહેરની મહિલા પાઠકો પાસેથી મળેલાં સૂચનો મુજબ આ વખતે ખાસ તૈયારીઓ કરી છે.

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલા સૂચન પ્રમાણે ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

આ પર્વના પકવાન સિરીઝની ત્રીજી રેસિપી કોરાઈશુતિર કચોરી અને આલુદમ છે. આ બંગાળની એક ફેમસ ડિશ છે, જે તહેવાર દરમિયાન અથવા તો શિયાળામાં લીલા વટાણાના સ્ટફિંગ સાથે બનાવવામાં આવે છે. આ વાનગીની રેસિપિ શીખવાડી રહ્યા છે બાબોઝ હોમ કિચન, દિલ્હીના શેફ બાબો ( દીપયન મજુમદાર).

દુર્ગા પૂજાના સમયે દરેક ઘરમાં કચોરી ચોક્કસ બનાવવામાં આવે છે. આ કચોરીનું સ્ટફિંગ ખૂબ જ હળવું મસાલેદાર બનાવવામાં આવે છે, જેથી લીલા વટાણાનો સ્વાદ આવી શકે છે. આલુદમ અને કોરાઈશુતિર કચોરીને પ્લેટમાં સર્વ કરીને તમે એને ચટપટા સાથે ખાઈ શકો છો.

આલુદમ માટે જોઈશે આ સામગ્રી :

 • નાના બટાટા: 3 કિલો
 • તેલ: 2 ચમચી
 • આદુની પેસ્ટ : 1 ચમચી
 • ટામેટાં સોસ : જરૂર મુજબ
 • હિંગ : 1 ચપટી
 • સમારેલાં લીલાં મરચાં
 • મીઠું : સ્વાદ મુજબ.

કોરાઈશુતિર (લીલા વટાણા) કચોરી માટે જોઈશે આ સામગ્રી

 • લીલા વટાણા : 450 ગ્રામ
 • મેંદો : 500 ગ્રામ
 • ઘઉંનો લોટ : 20 ગ્રામ
 • તેલ : 1 કપ
 • આદુની પેસ્ટ : 1 ચમચી
 • ગરમ મસાલો:થોડું
 • મીઠું અને સમારેલાં લીલાં મરચાં: સ્વાદ મુજબ.

સમય : 45 મિનિટ
હિંગ આલુદમ બનાવવાની રીતઃ

 • બટાટાને બાફીને છોલી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને એમાં આદુ અને ટામેટા સોસ મિક્સ કરો.
 • હવે એમાં બટાટા, સમારેલાં લીલાં મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
 • ઉપર હિંગ નાખીને મિક્સ કરો. પાણી ઉમેરો અને 20 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. તૈયાર છે હિંગ દમઆલુ.

કચોરી બનાવવાની રીત :

 • વટાણાને બાફીને પાણી કાઢીને મેશ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો.
 • આદુને ધીમી આંચ પર શેકી લો. એમાં વટાણા, સમારેલાં લીલાં મરચાં, મીઠું નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો.
 • પછી ગરમ મસાલો ઉમેરો. બીજી બાજુ લોટ બાંધો. વટાણાના સ્ટફિંગને એક બોલમાં વાળી લો અને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

હવે હિંગ આલુદમ અને કોરાઈશુતિર કચોરીને ગરમાગરમ સર્વ કરો.

હવે આપણે જાણીએ છીએ કે ફૂડ એક્સપર્ટ પુષ્પેશ પંત આ વાનગી વિશે શું કહે છે
બંગાળની કેટલીક વાનગીઓનું દરેક તહેવારમાં અનેરું સ્થાન છે. આવી જ એક જોડી છે હિંગ આલુદમ અને કોરાઈશુતિર કચોરી. શુભ દિવસે વાનગી રાંધવાની પરંપરા છે અને વટાણાથી ભરેલી કચોરી લસણ-ડુંગળી-વગર આલુદમનો આનંદ બમણો કરે છે.