ફાઇનલી, 27 જાન્યુઆરી, 2022થી ‘એર ઇન્ડિયા’ પછી પાછી એના મોસાળ એટલે કે ‘ટાટા ગ્રુપ’ની માલિકીની બની ગઈ છે. ઇ.સ. 1932માં ભારતીય ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટા દ્વારા ‘ટાટા એરલાઇન્સ’ તરીકે શરૂ થયેલી આ વિમાન સેવા આઝાદી વખતે ભારતની મુખ્ય એરલાઇન બની ગઈ હતી. ભારત સરકારે એમાં શરૂઆતમાં 49% અને ત્યાર બાદ 1953માં બહુમતી હિસ્સો ખરીદીને તેને સરકારી સાહસ બનાવી દીધી. દેશની આ મુખ્ય એરલાઇનને નામ અપાયું ‘એર ઇન્ડિયા’. આ રીતે હવે 69 વર્ષ બાદ એર ઇન્ડિયા ફરી તેની ઓરિજિનલ પેરન્ટ કંપની ટાટા પાસે આવી ગઈ છે. આ સમાચારની નોંધ લેતી વખતે દેશભરમાં ‘મહારાજાની ઘર વાપસી’ જેવાં મથાળાં બંધાયાં. ઇવન એર ઇન્ડિયાનો ચાર્જ સંભાળનારી ટાટા બોર્ડની નવી ટીમના સત્તાવાર ફોટોગ્રાફના બેકગ્રાઉન્ડમાં પણ એર ઇન્ડિયાના લોગો સાથે મહારાજાની તસવીર જ શોભાયમાન થતી હતી.
યસ, એર ઇન્ડિયા એટલે ‘મહારાજા’. દેશનો સૌથી જાણીતો બિઝનેસ અને ટ્રાવેલ મેસ્કોટ. પાછલાં 75 વર્ષ કરતાં પણ વધુ સમયથી મહારાજા આખી દુનિયામાં એર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. શેરવાની જેવો લાલ જાજરમાન ડગલો, ભરાવદાર ડમ્બેલ મૂછો, લાંબું અણિયાળું નાક, માથા પર રજવાડી પાઘડી, ઝૂકેલી પાંપણ અને ચહેરા પર તોફાની સ્મિત. આ છે એર ઇન્ડિયાના મહારાજાનો ટિપિકલ લુક. પાછલા સાત દાયકામાં એર ઇન્ડિયાની જેટલી મોટી એડ્સ બહાર પડી છે એમાં મહારાજાની હાજરી અનિવાર્ય રહી છે.
પરંતુ ફ્લેશબેકમાં જઇને જોઇએ તો મહારાજાને ચમકાવતી કેટલીયે એડ્સ-પોસ્ટર્સ એવાં તોફાની બારકસ જેવાં છે, જેને આજે યથાતથ રિલીઝ કર્યાં હોય તો મોટી બબાલ થઈ જાય અને દેશવ્યાપી વિવાદ ફાટી નીકળે. મહારાજાની કેટલીયે એડ્સ એના સમય કરતાં આગળ હતી, તો ઘણી એડ્સમાં આજના સમય પ્રમાણે સ્ત્રીઓને ઉપભોગના સાધન તરીકે જોવાની વૃત્તિ પણ હતી. 565 જેટલાં રજવાડાંનાં એકીકરણથી બનેલા ભારત દેશની ઓળખ એ વખતે રાજા મહારાજાઓની ભૂમિ તરીકે હતી, સાથોસાથ ભારત એટલે મદારીઓ, રોપ ટ્રિક, હઠયોગીઓ વગેરેની ક્લિશે છાપ પર પણ એર ઇન્ડિયાની એડ્સ બની છે.
પાકિસ્તાની ઉદ્યોગપતિમાંથી સર્જાયા ભારતીય ‘મહારાજા’
ભારતના સૌથી જાણીતા બ્રાન્ડ-એમ્બેસેડર એવા મહારાજા વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેનું સર્જન એક પાકિસ્તાની ઉદ્યોગપતિના દેખાવ પરથી થયું છે. વાત જાણે એવી છે કે 1946ના અરસામાં ટાટા એરલાઇન્સને ‘એર ઇન્ડિયા’ તરીકે અને દેશના નેશનલ કેરિયર તરીકે રિબ્રાન્ડ કરવાની જરૂરિયાત ઊભી થઈ. એ વખતે એસ. કે. કૂકા ઉર્ફે બોબી કૂકા તેના સેક્રેટરી હતા (તેઓ જે.આર.ડી. ટાટાના અચ્છા મિત્ર પણ હતા). તેમને લાગ્યું કે ઇન ફ્લાઇટ કમ્યુનિકેશન માટે રખાતા લિટરેચર માટે એક રમતિયાળ મેસ્કોટનું સર્જન કરવું જોઇએ. તેમણે ભારતની રજવાડાંની છાપ પ્રમાણે હવામાં ઊડતી જાદુઈ કાર્પેટ પર સવાર એક રાજાનું ચિત્ર વિચાર્યું. પછી તેમણે મુંબઈની જે. વૉલ્ટર થોમસન (JWT) નામની એડ એજન્સીના ઉમેશ રાવની મદદ લીધી. બોબી કૂકાના મગજમાં લાહોરના પોતાના ઉદ્યોગપતિ મિત્ર સૈયદ વાજિદ અલીની છબિ તરવરતી હતી. વાજિદ અલી પણ મોટા ફૂમતાવાળી ટ્રેડિશનલ પાઘડી પહેરતા. તેમને પણ ડમ્બેલ પ્રકારની ભરાવદાર મૂછો હતી. એના પરથી ઉમેશ રાવે અત્યારે જેવા દેખાય છે તેવા મહારાજાનો સ્કેચ તૈયાર કર્યો.
વાત જામી ગઈ. એનું નામકરણ પણ ‘મહારાજા’ જ કરાયું. 1946માં લૉન્ચ થનારા મહારાજા અને એર ઇન્ડિયા જોતજોતાંમાં જ એકબીજાનો પર્યાય બની ગયાં. એટલું જ નહીં, સમગ્ર ભારતીય હોસ્પિટાલિટી સેક્ટરના પણ અનઓફિશિયલ બ્રાન્ડ-એમ્બેસેડર બની ગયા. ધીમે ધીમે એર ઇન્ડિયાએ પણ પેરિસ, ન્યૂ યોર્ક, રોમ, કેન્યા, સિડની, સ્વિટ્ઝર્લેન્ડ, જીનિવા, લંડન, કૈરો (ઇજિપ્ત) વગેરે સ્થળોએ પોતાની ફ્લાઇટ શરૂ કરી. જે-તે સ્થળની આઇડેન્ટિટી જેવી કોઈ ચીજ લઇને એમાં તોફાન કરતાં મહારાજાની રમતિયાળ એડ્સ તૈયાર કરાઈ.
તોફાની મહારાજાને કારણે સંસદમાં હોબાળો મચ્યો
‘અમૂલ બટર ગર્લ’ની ટોપિકલ એડ્સ શરૂ થઈ એ પહેલાં મહારાજાની આવી તોફાની એડ્સથી ભારે તરખાટ મચ્યો હતો, કેમ કે આ એડ્સ અનેકવાર વલ્ગારિટીની બાઉન્ડરીને અડું અડું થઈ પડતી, જેમ કે એર ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની સર્વિસ શરૂ કરી, ત્યારે રિલીઝ થયેલી મહારાજાની આ એડ જુઓ. એમાં ઓસ્ટ્રેલિયાના ફેમસ સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર મહારાજા લાઇફગાર્ડ બનીને બેઠા છે, પરંતુ દૂરબીન લઇને ત્યાં સ્નાન કરી રહેલી બિકિનીધારી યુવતીઓને નિહાળી રહ્યા છે!
પેરિસની એડમાં મહારાજા રસ્તાની એક સાઇડે ઊભા રહીને પોતાનો કોટ અડધો ખોલીને લોકોને હળવેકથી પૂછી રહ્યા છે કે ‘તમારો નૉટી (ઉઘાડા) ફોટા જોવા છે?’
ભારતમાં પોતાની સર્વિસની વાત કરતી અન્ય એક એડમાં મહારાજા સનબેધિંગ કરી રહેલી એક બિકિનીધારી કન્યાની બાજુમાં પગ પર પગ ચડાવીને સૂતા છે, પરંતુ કોઈ હઠયોગીની જેમ ખીલાની પથારી પર. અલબત્ત, આ એડ ભારત પ્રત્યેની ટિપિકલ વેસ્ટર્ન માન્યતાનો એકડો જ ઘૂંટતી હતી. સિડની માટે બનાવેલી અન્ય એક એડમાં મહારાજા બીચ પર મત્સ્ય કન્યા પાસે સનસ્ક્રીન લગાવડાવી રહેલા દેખાય છે.
પેરિસમાં ‘ક્રેઝી હોર્સ ક્લબ’ નામની એક પ્રખ્યાત ડાન્સ ક્લબ આવેલી છે. તે પોતાની નગ્ન યુવતીઓના નાચને કારણે ફેમસ છે. અહીં પણ મહારાજાનો દબદબો છે એ બતાવવા માટે એર ઇન્ડિયાએ આ ક્લબની કન્યાઓના નગ્ન પગની સ્ટાઇલમાં એક પોસ્ટર બનાવ્યું હતું. એમાં કન્યાઓના ઉઘાડા પગથી ‘PARIS’ લખાયેલું હતું. ઓરિજિનલ પોસ્ટરમાં ‘i’ની ઉપરના ટપકા પર મહારાજાની પાઘડી મુકાઈ હતી. બસ, આ એડથી આપણે ત્યાં એવો હોબાળો મચ્યો કે તેના પડઘા છેક સંસદમાં પડ્યા. સંસદમાં ફરિયાદ થઈ કે સરકારી એરલાઇનની આ એડ તો ભારતનું અપમાન છે. તેને પાછી ખેંચી લેવી જોઇએ. આખરે વચગાળાનું સોલ્યુશન શોધવામાં આવ્યું. એમાં ‘i’ પરની પાઘડીની જગ્યાએ સિમ્પલ ટપકું મૂકીને વિવાદના જીનને ફરી બાટલીમાં પૂરી દેવાયો.
ન્યૂ યોર્ક માટે બનાવાયેલી એક એડમાં મહારાજા જાણીતા અશ્લીલ મેગેઝિન ‘પ્લેબોય’ની પ્લેગર્લનો બની (Bunny) બન્યા છે. તેણે સિંગલ પીસ બિકિની પહેરી છે, પાછળ બનીની પૂંછડી રૂપે ફૂમતું છે અને પાઘડીની માથે મોટા કાન પણ છે. આ સાથે તે મહેમાનોને ડ્રિંક સર્વ કરી રહ્યા છે. અત્યારે નેશનલ કેરિયર માટે આવી એડ બને એવી કલ્પના પણ ન કરી શકાય.
જપાનની ખેપ વખતે પબ્લિશ થયેલી એડમાં મહારાજા ત્યાંના સુમો પહેલવાન સાથે કુસ્તી કરતા પણ દેખાય છે.
આપણે આશા રાખીએ કે ટાટા ગ્રુપે ‘એર ઇન્ડિયા’નો કબજો સંભાળી લીધો છે, એ પછી હવે તેઓ મહારાજાની આવી ટોપિકલ અને અત્યારના સમયને અનુરૂપ મસ્તીભરી એડ્સ ફરીથી સજીવન કરે.
નીચે જુઓ મહારાજાનાં કેટલાંક લિજ્જતદાર વિન્ટેજ પોસ્ટર્સઃ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.