મેટ્રિમોનિયલ સાઈટ્સની મદદથી તમે ઘણા સંબંધો બનતા જોયા અથવા સાંભળ્યા હશે પરંતુ બ્રિટનમાં એક કુંવારા વ્યક્તિએ પરફેક્ટ વાઈફ શોધવા માટે અનોખી રીત શોધી છે. મોહમ્મદ મલિક 29 વર્ષનો થઈ ગયો હોવાથી તેને પોતાના લગ્નની ચિંતા એટલી વધી ગઈ કે તેને જીવનસાથીની શોધમાં બિલબોર્ડ પર પોતાનો ફોટો લગાવીને રસ્તાની બાજુમાં લગાવી દીધો.
આ 20 ફૂટ ઊંચાં હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે- "મને અરેન્જ મેરેજથી બચાવી લો". એટલું જ નહીં મોહમ્મદે એક વેબસાઈટ પણ બનાવી છે, જેનું નામ Findmailkawife.com છે. તેમાં તેના વિશે બધી ડિટેલ આપવામાં આવી છે. અહીં સિંગલ યુવતીઓ તેનો સંપર્ક કરી શકે છે.
શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હોર્ડિંગ
વ્યવસાયે ઇનોવેશન કન્સલ્ટન્ટ અને આંત્રપ્રિન્યોર મોહમ્મદ મલિકે બર્મિંગહામમાં લગભગ 3-4 હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ હોર્ડિંગ્સ હાલમાં શહેર અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય છે. મોહમ્મદ લંડનનો છે પરંતુ બર્મિંગહામને પોતાનું બીજું ઘર માને છે. આ જ કારણ છે કે તેણે પ્રેમની શોધમાં અહીંના રસ્તાઓ પર પોસ્ટર લગાવ્યા છે.
આ એડ દ્વારા તેણે પોતાને સિંગલ હોવાનું જણાવીને ડેટ કરવામાં રસ ધરાવતા લોકોને કોન્ટેક્ટ કરવા માટે કહ્યું છે. અત્યાર સુધી તેની પાસે લગભગ 100થી વધુ એપ્લિકેશન આવી ચૂકી છે.
સુંદર, સંસ્કારી અને સુશીલ યુવતીની શોધમાં
લગ્ન કરવા માટે ઉત્સુક 5 ફૂટ 8 ઈંચની હાઈટ ધરાવતા મોહમ્મદે 20થી 30 વર્ષની વચ્ચે મુસ્લિમ યુવતી મેરેજ માટે જોઈએ છે. તેનું કહેવું છે કે તે અરેન્જ મેરેજનો વિરોધ નથી કરતો પરંતુ તેને તેની પસંદગીની કોઈ યુવતી મળી જાય તો તે લગ્ન કરવા માટે તૈયાર છે.
મોહમ્મદ પર્સનાલિટી અને વિશ્વાસને વધારે મહત્ત્વ આપે છે. તે ઘરનો એક માત્ર દીકરો છે. તેને એક સુંદર, સંસ્કારી અને સુશીલ યુવતીની શોધ છે, જે માતાપિતાનું પણ ધ્યાન પણ રાખી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.