બીમારીએ વર્લ્ડ ફેમસ બનાવી:આ યુવતીની હાઈટ અમિતાભ બચ્ચન કરતાં 1 ફૂટ વધારે, હાડકાં મજબૂત ના હોવાથી વૉકિંગ ફ્રેમનો સહારો લે છે, કંટાળો આવે ત્યારે નેટફ્લિક્સ પર મૂવી જોઈને ચિલ કરે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈટ મામલે રુમેય્સાએ 2014માં સૌથી ઊંચી ટીનેજરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
  • 24 વર્ષીય રુમેય્સાની ઊંચાઈ 7.01 ફૂટ છે

તુર્કીની રુમેય્સા ગેલગીએ દુનિયાની સૌથી ઊંચી મહિલાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 24 વર્ષીય રુમેય્સાની ઊંચાઈ 7.01 ફૂટ છે. આ યુવતી વીવર સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાય રહી છે જેને લીધે તેની હાઈટ અમિતાભ બચ્ચન કરતાં પણ 1 ફૂટ વધારે છે. રુમેય્સાની બીમારીમાં ઊંચાઈ વધે છે પણ હાડકાં મજબૂત હોતા નથી. આથી રુમેય્સાને વ્હીલ ચેરને સહારે હરવું-ફરવું પડે છે.

રુમેય્સાએ કહ્યું, દરેક ખામીને ખૂબીમાં ફેરવી શકાય છે. આથી તમે જેબ પણ છો તેવો જ સ્વીકાર કરો. તમારી ક્ષમતાઓને પારખી લો અને જે સારું છે તે કરો.

વર્ષ 2014માં પણ રેકોર્ડ બનાવ્યો હતો
હાઈટ મામલે રુમેય્સાએ 2014માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તેણે દુનિયાની સૌથી ઊંચી ટીનેજરનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં ટીમે ફરીથી ઊંચાઈ માપી અને ફરીથી રેકોર્ડ બનાવ્યો.

રુમેય્સા પહેલાં ઊંચી મહિલાનો રેકોર્ડ ચીનની ઝેન્ગ જિલિએનના નામે હતો. તેની ઉંમર 8 ફૂટ 1 ઇંચ હતી. 1982માં તેનું મૃત્યુ થયું હતું. ઘણા સમયથી દુનિયાના સૌથી ઊંચા પુરુષનો રેકોર્ડ સુલ્તાન કોસનેના નામે છે. 2018માં તપાસ દરમિયાન તેની હાઈટ 8 ફૂટ 2 ઇંચ હતી.

વીવર સિન્ડ્રોમ એટલે શું?
આ એક રેર જેનેટિક ડિસઓર્ડર છે. તેનાથી પીડિત લોકોની હાઈટ બાળપણથી જ વધવા લાગે છે. આથી આને ઓવરગ્રોથ સિન્ડ્રોમ પણ કહેવાય છે. 2011માં પ્રથમવાર આ બીમારી વિશે ખબર પડી. વૈજ્ઞાનિકોએ કહ્યું, EZH2 જનીનમાં મ્યુટેશન પણ આ ડિસઓર્ડરનું કારણ છે.

હાડકાં મજબૂત ના હોવાને લીધે રુમેય્સા મોટાભાગનો સમય વ્હીલચેર પર પસાર કરે છે. વૉક માટે વૉકિંગ ફ્રેમની મદદ લે છે. સંશોધકની એક ટીમે કહ્યું, વીવર સિન્ડ્રોમને લીધે દર્દીમાં કેન્સરનું જોખમ વધી જાય છે.

નેટફ્લિક્સ અને સ્વિમિંગથી બોડી રિલેક્સ કરે છે
રુમેય્સાએ કહ્યું, મને ટાઈમ મળે ત્યારે હું પરિવાર સાથે બહાર જમવા જઉં છું. બોડી રિલેક્સ કરવા માટે નેટફ્લિક્સમાં મૂવી અને સિરીઝ જોવું અથવા તો સ્વિમિંગ કરું છું. રુમેય્સાના પરિવારને આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી દીકરી પર ગર્વ છે.

રુમેય્સાનો આત્મવિશ્વાસ વખાણલાયક
રુમેય્સા ઘરની બહાર નીકળે ત્યારે આજુબાજુ ચાલતા લોકો તેને જોતા જ રહી જાય છે. ઘણા તેની સાથે સેલ્ફી પડાવે છે તો ઘણા તેની હાઈટની ઠેકડી ઉડાવે છે. રુમેય્સાને કોઈની પણ નેગેટિવ કમેન્ટથી ફરક પડતો નથી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એડિટર-ઈન-ચીફ ક્રેગ ગ્લેન્ડે કહ્યું કે, રેકોર્ડબુકમાં અમે બીજીવાર રુમેય્સાનું સ્વાગત કરીએ છીએ. તેનો જોશ અને આત્મવિશ્વાસ વખાણલાયક છે.