ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતના ફેમસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ્સ રોજ કયું અને કેટલું તેલ ખાય:કેટલા વાગ્યે ઊઠે છે? રોટલી કેમ નથી ખાતા? પિત્ઝા ખાય છે કે નહીં? પહેલી જ વાર જાણો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ

આજે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 'ધ વર્લ્ડ હાર્ટ ફેડરેશન'એ વર્લ્ડ હાર્ટ ડે સેલિબ્રેટ કરવાની શરૂઆત કરી હતી. 2011 સુધી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે આ દિવસ મનાવવામાં આવતો હતો, પરંતુ પછીથી દર વર્ષે 29 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો હતો. આ દિવસે લોકોને સ્વસ્થ હૃદય કેવી રીતે રાખવું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સમજાવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ડે પર દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ જેવા કે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ધીરેન શાહ, ડૉ. અનિશ ચંદારાણા તથા ડૉ. શૈલેષ દેસાઈ સાથે ખાસ વાત કરીને તેમની લાઇફસ્ટાઇલ જાણી હતી. ડૉક્ટર્સ પોતાને કેવી રીતે ફિટ એન્ડ ફાઇન રાખે છે તે અંગે વિગતે વાત કરી હતી.

ડૉ. શૈલેષ દેસાઈ
66 વર્ષના ડૉ. શૈલેષ દેસાઈ વલસાડ, સુરતના છે. તેમણે V S મેડિકલ કોલેજમાંથી MD કર્યું છે. તેમણે અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રિવેન્શન કાર્ડિયોલૉજીમાં એક વર્ષની ફેલોશિપ કરી છે. સ્વામી વિવેકાનંદની વાતને તેમણે આત્મસાત કરી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દુનિયામાંથી શીખો ને દેશને આપો. આ જ વાતને અનુસરીને ડૉ. શૈલેષ દેસાઈએ અમેરિકાનું ગ્રીન કાર્ડ હોવા છતાં પાછું આપી દીધું અને દેશમાં આવીને લોકોને હાર્ટ પ્રિવેન્શન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ છેલ્લાં 35 વર્ષથી કાર્ડિયોલૉજીસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરે છે.

જંકફૂડ ખાય છે કે નહીં?
જંકફૂડ ખાવા અંગે ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'હું અઠવાડિયે એક કે બે વખત જ જંકફૂડ ખાતો હોઉં છું. જંકફૂડ મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવે તો વાંધો નથી. મારા મતે હોટલનું જમવાનું એટલે જંકફૂડ જ છે. હોટલમાં જાઉં ત્યારે હું સલાડ અચૂકથી લઉં છું. ફ્રૂટ પણ લેતો હોઉં છું. પ્લેન રાઇસ મગાવું. બટર લેવાનું ટાળું. બાકીના છ દિવસ હોમમેડ જ જમવાનો આગ્રહ રાખું છું. સમોસા, કચોરી પણ ખાઉં છું, પરંતુ પોર્શન સાઇઝ કંટ્રોલ કરવી એ મહત્ત્વની વાત છે. તમે બધું જ થોડું થોડું અઠવાડિયામાં એકાદ-બે વાર ખાઈ શકો પણ તમારે પોર્શન સાઇઝ કંટ્રોલમાં રાખવાની હોય છે.'

પેશન્ટને આપવામાં આવતી સલાહ માને છે?
પેશન્ટને આપવામાં આવતી કઈ સલાહ માને છે, તે અંગે વાત કરતા ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'મોટાભાગની સલાહ માનું છું. રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું, સ્ટ્રેસ લેતો નથી. આપણે મહત્ત્વકાંક્ષાને મર્યાદિત રાખવી જોઈએ. જંકફૂડ પુષ્કળ પ્રમાણમાં ખાતો નથી. જોકે, એક વાત કરું કે હું યોગ, પ્રાણાયામ, મેડિટેશન ઓછા કરું છે. 15-20 મિનિટ જો આ રોજ કરવામાં આવે તો તે સ્ટ્રેસબસ્ટરનું કામ કરે છે.'

પેશન્ટ સાથેના અનુભવ અંગે વાત કરતાં ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'મને બે જાતના અનુભવ થયા છે. એક પેશન્ટ અનિલ સ્ટાર્ચ (પૂર્વ અમદાવાદમાં)ની પાસે રહેતા હતા. તેમનું વજન વધારે હતું. પછી મને કહે કે અમારે હવામાં જ એટલો સ્ટાર્ચ છે કે વજન વધ્યા જ કરે છે. લોકો આ રીતના અવનવાં બહાનાં બતાવતા હોય છે. હાર્ટ પ્રિવેન્શનનો જ એક દાખલો કહું તો પૂર્વ હેલ્થ મિનિસ્ટર જયનારાયણ વ્યાસનાં પત્નીનું વજન વધારે હતું. તેમને ડાયાબિટીસ પણ વધારે હતો. મેં તેમને કેટલીક દવાઓ લખી આપી હતી. તેમણે છ મહિના સુધી રેગ્યુલર એક્સરસાઇઝ કરી હતી અને 10-12 કિલો વજન ઉતાર્યું હતું. ત્યારબાદ તેમના રિપોર્ટ નોર્મલ આવ્યા તો મેં દવા બંધ કરવાનું કહ્યું હતું. ત્યારે જવાબ આપ્યો કે તેમણે તો દવા શરૂ જ કરી નહોતી.'

પેશન્ટ સર્વાઇવ ના કરે ત્યારે દુઃખ થાય છે
પેશન્ટને સર્વાઇવ ના કરી શકાય તેના સ્ટ્રેસ અંગે ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'ડૉક્ટર તરીકે અમે આ પરિસ્થિતિથી ટેવાઈ જઈએ છીએ, પરંતુ બહુ જ યુવાન વ્યક્તિ હોય અથવા જે વ્યક્તિ પોતાની બૉડીનું બહુ જ ધ્યાન રાખતી હોય અને તેને કંઈક થાય અથવા તો આપણી લૅક ઓફ ફેસિલિટીને કારણે સર્વાઇવ ના કરી શકે ત્યારે બહુ જ દુઃખ થતું હોય છે. આ સમયે હું મારા પરિવાર સાથે વાત કરીને દુઃખ હળવું કરવાનો પ્રયાસ કરું છું.'

વેકેશનમાં ડાયટને ફોલો કરે છે કે નહીં તે અંગે ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'વેકેશન દરમિયાન તમને ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. તમારે પોર્શન સાઇઝ મેન્ટેઇન કરવી જરૂરી બની જાય છે. હું પણ વેકેશન દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખું છું. ફ્રૂટ્સ, વેજિટેબલ ખાસ લઉં છું. વેકેશનમાં ફિઝિકલ એક્ટિવિટી પુષ્કળ કરું છું. હોટલના જિમમાં એક્સરસાઇઝ, સ્વિમિંગ, વૉકિંગ કરતો હોઉં છું. વેકેશનમાં હું ડેઇલી આઠથી દસ હજાર સ્ટેપ ચાલવાનો આગ્રહ રાખતો હોઉં છું.'

ક્યું તેલ કેટલી માત્રામાં?
ડૉ. શૈલેષ દેસાઈએ કહ્યું હતું, 'ઘરમાં અમે સિંગતેલ, સૂર્યમુખીનું તેલ મિક્સ કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરું છું. બેઝિક રીતે તમે કયું તેલ વાપરો છો, એના કરતાં તમે કેટલું વાપરો છો, તે વાત મહત્ત્વની છે. તે તેલને કેટલીવાર ગરમ કરો છો અને તેનો વારંવાર ઉપયોગ કરો છો? આ બાબત અગત્યની છે. તમે કોઈ પણ તેલ ઓછું વાપરો, વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાનું ટાળો. બહારની તેલવાળી વસ્તુને બદલે ઘરના તેલની તળેલી વસ્તુઓ યોગ્ય માત્રામાં લેવાથી નુકસાન ઓછું થાય છે.'

ડૉ. અનિશ ચંદારાણા
51 વર્ષીય ડૉ. અનિશ ચંદારાણા ગુજરાતના ખ્યાતનામ કાર્ડિયાક સર્જન છે. તેઓ 1999થી અમદાવાદમાં પ્રૅક્ટિસ કરે છે. તેઓ મૂળ અમરેલીના છે અને તેમનો જન્મ દ્વારકામાં થયો છે. તેમણે અમરેલીમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા અને અહીંથી B J મેડિકલ કોલેજમાંથી MBBS, MD તથા U N મહેતામાંથી DM કર્યું હતું. ડૉ. અનિશ ચંદારાણાએ ઘરમાં 6 હજાર બુક્સ ધરાવતી લાઇબ્રેરી વિકસાવી છે. તેઓ ડેઇલી એક કલાક હાર્ટ રિલેટેડ બુક્સ વાંચે છે અને એક કલાક અન્ય વાંચન કરતા હોય છે.

જંકફૂડ ખાય છે?
ડૉ. અનિશ ચંદારાણાને જંકફૂડ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, 'મને જંકફૂડ ખાવાની બિલકુલ ઈચ્છા થતી નથી, પરંતુ મને મીઠાઈ ઘણી જ ભાવે છે. મારે રોજ એક સ્વીટ ખાવા જોઈએ છીએ, જેમાં ચુરમાનો લાડુ, મોહનથાળ, મગસ સામેલ છે. આમ જોવા જઈએ તો હું રોજ એટલે કે 365 દિવસ સ્વીટ ખાઉં છું. આ મીઠાઈ ઘરે બનાવેલી, ગોળ તથા દેશી ઘીની જ હોય છે. આ ઉપરાંત મેં એક નિયમ પણ રાખ્યો છે. જે દિવસે કસરત કરું, એ જ દિવસે સ્વીટ ખાતો હોઉં છું. જે દિવસે કસરત ના કરું કે તે દિવસે સ્વીટ ખાતો નથી.'

સ્ટ્રેસફુલ લાઇફ અંગે ડૉ. અનિષ ચંદારાણાએ કહ્યું હતું, '21મી સદી તાણની સદી છે. દરેક માણસ તાણમાં જીવે છે. આજે ચોથા ધોરણમાં ભણતા બાળકથી લઈ હાઇ પ્રોફાઇલ જોબ કરતી વ્યક્તિ તાણમાં છે.'

સ્ટ્રેસ દૂર કરવા શું કરવું?
સ્ટ્રેસ દૂર કરવા અંગેની વાત ડૉક્ટર અનિશે ઘણી જ સારી રીતે કરી હતી. તેમણે કહ્યું હતું, 'સ્ટ્રેસ દૂર કરવા માટે દરેક વ્યક્તિએ આધ્યાત્મિકતા તરફ વળવું પડશે. આધ્યાત્મિકતા સાદી સામાન્ય ધાર્મિકતા નથી, તેનાથી વિશેષ છે. વ્યક્તિ જો એક વાત સમજશે કે તે મનને શાંત રાખશે તો તેને વધારે શક્તિ મળશે. મેડિેટેશન, વાંચન, લાફ્ટર, સારા મિત્રો સાથે રહેવું, મુસાફરી કરવી તે બધાથી તાણ દૂર થાય છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પેશન્ટને જે સલાહ આપે છે, તે દરેક માને છે? તે અંગે ડૉ. અનિશ ચંદારાણાએ કહ્યું હતું, 'પેશન્ટને જે સલાહ આપે છે, તેનાથી બેથી ત્રણ ગણી સલાહ હું માનું છું. મારા જીવનનો નિયમ શિસ્તમાં રહેવું એ છે.'

પેશન્ટ સાથેના અનુભવ અંગે ડૉ.અનિશ ચંદારાણાએ કહ્યું હતું, 'આટલા વર્ષની પ્રૅક્ટિસમાં હું અનેક પ્રસંગોએ ખુશ થયો છું, ક્યારેક રડ્યો પણ છું. એક પ્રસંગ મને આજે પણ યાદ છે. આજથી દોઢેક વર્ષ પહેલાં 14-15 વર્ષની એક દીકરી હોસ્પિટલમાં આવી હતી. કોરોના પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. મેં દવાઓ લખી આપી હતી, પરંતુ તેના હાર્ટની કાર્યક્ષમતા 15% જ રહી હતી. તે સળંગ 15-20 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી પણ તેનું હૃદય સારું થતું નહોતું. છેવટે અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો, સર્જરી સફળ રહી. 12મા દિવસે જ હોસ્પિટલમાંથી રજા મળી. તેને પાઇલટ બનવું હતું, પરંતુ હવે તે કાર્ડિયોલૉજીસ્ટ બનવા માગે છે.'

પેશન્ટને સર્વાઇવ ના કરી શકે અને જે સ્ટ્રેસ આવે તે અંગે વાત કરતા ડૉ. અનિશ ચંદારાણાએ કહ્યું હતું, 'દરેક ડૉક્ટરના જીવનમાં પેશન્ટને સર્વાઇવ ના કરી શકવાનો પ્રસંગ બનતો જ હોય છે. પેશન્ટ સાથે અમે ઇમોશનલી જોડાયેલા હોઈએ છીએ. જોકે, આવા પ્રસંગે ડૉક્ટર તરીકે મારે દૃષ્ટાભાવ લાવવો પડે. કોઈ પણ ઘટના બની રહી છે, તો તેને દૂરથી સાક્ષી ભાવે જુઓ અને દરેક ઘટના પાછળ ઈશ્વરનો સંકેત છે, તે વાત સ્વીકારવી પડે.'

વેકેશન પર હોય ત્યારે ડાયટને ફોલો કરે છે કે નહીં, તે સવાલના જવાબમાં ડૉ. અનિશે કહ્યું હતું, 'વેકેશન પર મન મૂકીને ખાતો હોઉં છું, મીઠાઈ પણ ખાઉં છું. એક વાતનું ખાસ ધ્યાન રાખું છું કે વૉકિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ કંઈક ને કંઈક ફિઝિકલ એક્ટિવિટી થાય. સામાન્ય રીતે વેકેશન પર હોઉં ત્યારે દિવસના અંતે મેં 25000 હજાર જેટલા સ્ટેપ ચાલી લીધું હોય છે.

ઘરમાં કયું તેલ કેટલી માત્રામાં વાપરે?
ડૉક્ટર અનિશ ચંદારાણાએ કહ્યું હતું, 'તેલની મર્યાદા મહત્ત્વની છે. વિજ્ઞાને કહ્યું છે કે 20 ગ્રામ તેલ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ જરૂરી છે. આટલું તેલ વાપરવું હૃદય માટે સારું છું. ગુજરાતની જનતા માટે કહું તો 20 ગ્રામ એટલે મહિનાનું 600 ગ્રામ અને વર્ષનું 7.2 કિલો. એક તેલનો ડબ્બો (15 કિલો) પતિ-પત્ની માટે એક વર્ષ ચાલે તેને મર્યાદિત માત્રા કહેવાય. મારા ઘરે છ લોકો છે, એટલે અમે વર્ષના 3 ડબ્બા તેલ વાપરીએ છીએ. દર બે મહિને તેલ બદલીએ છીએ, જેમાં અલગ અલગ તેલ જેવું કે તલનું તેલ, રાયડાનું તેલ, સિંગતેલ, સૂરજમુખીનું તેલ, મકાઈનું તેલ સામેલ છે.

ડૉ. ધીરેન શાહ
48 વર્ષીય ડૉ. ધીરેન શાહ ગુજરાત જ નહીં, ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા છે. તેઓ કચ્છના છે. તેમણે B J મેડિકલ કોલેજમાંથી MBBS તથા MS કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી MCH કર્યું. ડૉ. ધીરેન શાહના ઘરમાં વિશાળ લાઇબ્રેરી છે અને તેમને આ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચવા ઘણાં જ ગમે છે. તેઓ 20 વર્ષથી પણ વધુ સમયથી કાર્ડિયાક સર્જન તરીકે કાર્યરત છે.

સ્ટ્રેસફુલ લાઇફ અંગે ડૉ. ધીરેન શાહે કહ્યું હતું, 'હું મારી લાઇફને હેટ્રિક લાઇફ હોવાનું ક્યારેય કહેતો નથી. આ મારા જીવનનો જ એક ભાગ છે અને મારે આટલું તો કરવાનું હોય જ છે. બધા એટલું જ કામ કરે છે. હું સતત કામ કરું છું. મારે દોડાદોડી કરવી પડે એવું બહુ ઓછું થતું હોય છે. મેન્ટલ રિલેક્સ માટે બ્રેક લેતો હોઉં છું. દિવાળી તથા ઉનાળું વેકેશન અચૂક લઉં છું અને વચ્ચે ક્યારેક બે-ત્રણ દિવસની રજા લેતો હોઉં છું.'

જંકફૂડ ખાય છે?
જંકફૂડ ખાવાની ઈચ્છા થાય કે નહીં તે સવાલના જવાબમાં ડૉ. ધીરેન શાહે કહ્યું હતું, 'મને પણ જંકફૂડ ખાવાની ઈચ્છા થાય છે. જંકફૂડનો ટેસ્ટ જ એવો છે કે તમને તરત જ જીભે ચોંટી જાય. બાળક દૂધ નહીં પીએ, પરંતુ વેફર્સ કે એવું કંઈક આપશો તો તે તરત જ લેશે, કારણ કે તેમાં પુષ્કળ માત્રામાં મીઠું ને સુગર હોય છે. તેનો ટેસ્ટ સારો જ હોય છે. હું આખા અઠવાડિયામાં ક્યારેક જ બહુ જ મર્યાદિત પ્રમાણમાં જંકફૂડ ખાતો હોઉં છું. મેં જંકફૂડ ખાવાનું બંધ કર્યું જ નથી. હું માનું છું કે બધી જ વસ્તુ લિમિટમાં ખાવામાં આવે તો તે સારી છે, પરંતુ પુષ્કળ માત્રામાં લેવામાં આવે તો તે નુકસાન કરે છે. સમોસા, કચોરી, પિત્ઝા, બધું જ ક્યારેક અને પોર્શન સાઇઝ ઓછી એ રીતે ખાઉં છું. જો તમે રોજ સાંજે દાળવડા કે સેન્ડવિચ લો તો તે ના ચાલે. તમે બે-ત્રણ મહિને આઇસક્રીમ ખાવ, મહિનામાં એકાદવાર સમોસા ખાવ તો ચાલે.

પેશન્ટને આપવામાં આવતી દરેક સલાહ માને છે કે નહીં, તે વિશે વાત કરતાં ડૉ. ધીરેન શાહે કહ્યું હતું, 'હું પેશન્ટની અપાતી દરેક સલાહ 100 ટકા માનું છું. હું બાયપાસ સર્જરી કરાવનાર પેશન્ટને પણ કહું છું કે બધું બંધ કરવાનું નથી. ઘી, તેલ, તળેલી વસ્તુ, મીઠાઈ કે સોલ્ટ (મીઠું) બંધ કરવાનું નથી, પરંતુ ઓછું કરવાનું છે. આ વાત હું પણ ફોલો કરું છું. બધું બંધ કરવાનો પ્રશ્ન રહેતો નથી. આપણી બૉડીને દરેક વસ્તુની જરૂર છે. હું ડાયાબિટીસના દર્દીને પણ મીઠાઈ ખાવાનું કહું છું. હું એમને કહેતો હોઉં છું કે જો તમારે મીઠાઈનો એક પીસ ખાવો હોય તો તમારે બે-ત્રણ રોટલી ખાવાની નહીં. તમારે આ રીતે ફૂડ બેલેન્સ કરવાનું છે. તમારે કેલરી ને સુગર બેલેન્સ કરવું જરૂરી છે.'

જીવનમાં જિજીવિષા મહત્ત્વની છે
ડૉક્ટર ધીરેન શાહે એક પેશન્ટનો કિસ્સો કહેતા કહ્યું હતું, 'એક પેશન્ટ મને આજે પણ યાદ છે. તેનામાં જીવવાની જિજીવિષા ઘણી જ હતી. આ પેશન્ટ આફ્રિકાનું હતું. તેમનું નામ જ્હોન ક્રેગ છે. પત્ની ગુજરાતી હતાં. તેઓ ગુજરાત ફરવા આવ્યાં હતાં અને તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એન્જિયોગ્રાફી કરતાં ખબર પડી કે ડાબી સાઇડની મેઇન નળીમાં બ્લોકેજ છે. બ્લોકેજ હોય એટલે બાયપાસ કરવી પડે. તેમની ઉંમર 90 વર્ષની હતી પણ તેમનામાં જે સ્પિરિટ હતો, તે મહત્ત્વનો હતો. તેમણે સર્જરી કરવાનું કહ્યું હતું. હું 100 વર્ષ જીવવાનો છું. તે નૈરોબીમાં રહેતા હતા અને તેમની એક જ ઈચ્છા હતી કે તેમને કિલિમંજારો ચઢવું હતું. આ સ્પિરિટ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જે પેશન્ટમાં જિજીવિષા, જીવવાની ઈચ્છા છે તે કોઈ પણ બીમારીમાંથી બહાર આવીને જીવી શકે છે, પરંતુ જે લોકોમાં જિજીવિષા જ નથી, તેના માટે તમે ગમે તે કરો તે સાજાં થશે જ નહીં.'

પેશન્ટ સર્વાઇવ ના થઈ શકે અને જે સ્ટ્રેસ આવે તેને કેવી રીતે હેન્ડલ કરે છે તે અંગે ડૉ. ધીરેન શાહે જણાવ્યું હતું, 'ડૉક્ટર હોવાને કારણે રોજબરોજના જીવનમાં પેશન્ટના ડેથ જોતા હોઈએ છીએ. શરૂઆતના સમયમાં ઘણું જ દુઃખ થતું હતું. પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ડૉક્ટર તરીકે આપણું કામ બેસ્ટ આપવાનું છે. અમે ભગવાન નથી. અમે પેશન્ટને સારામાં સારી દવા, સારવાર, ટીમવર્ક સાથે સાજા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અંતે તો ડેસ્ટિની નક્કી જ છે. કર્મ કર્યા કરો. બધું આપણા હાથમાં નથી એ વાતનો ખ્યાલ આવી જાય.'

ડૉ. ધીરેન શાહે કહ્યું હતું, 'વેકેશનમાં હું ડાયટ કરતો નથી. તે સમય મારા માટે ચિટ ડેઝ હોય છે. ત્યારે મને જે મળે એ ખાઈ લેતો હોઉં છું. વેકેશનથી પરત ફર્યા બાદ હું થોડા દિવસ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરું છું.'

ઘરમાં કયું તેલ કેટલી માત્રામાં વાપરે?
આ સવાલના જવાબમાં ડૉ. ધીરેન શાહે કહ્યું હતું, 'અમે ઘરમાં દર બે-ત્રણ મહિને તેલ બદલી નાખતા હોય છીએ. દરેક તેલમાં સારા અને ખરાબ ગુણ-અવગુણ હોય છે. દરેક તેલનો ફાયદો લેવા માટે દર બે-ત્રણ મહિને તેલ બદલીએ છીએ. તેલ બહુ જ ઓછી માત્રામાં વાપરીએ છીએ.'

ડૉ. તેજસ પટેલ
59 વર્ષીય ડૉ. તેજસ પટેલને ગુજરાતની ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જે ઓળખતી નહીં હોય. ડૉ. તેજસ પટેલે B J મેડિકલ કોલેજમાંથી MBBS, MD તથા U N મહેતા ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલૉજી એન્ડ રિસર્ચ સેન્ટરમાંથી DM કર્યું છે. ડૉ. તેજસ પટેલ 1991થી પ્રૅક્ટિસ કરે છે.

સ્ટ્રેસફૂલ લાઇફને કેવી રીતે મેનેજ કરે છે, તે અંગે વાત કરતા ડૉ. તેજસ પટેલે કહ્યું હતું, 'છૂટકો જ નથી. આ ફિલ્ડમાં રોજ લાઇફ ને ડેથ વચ્ચે કામ કરવાનું હોય અને હાર્ટના પેશન્ટને જોતા હોઈએ ત્યારે સ્ટ્રેસ ખૂબ જ હોય છે. હું એ વાતનો દંભ નહીં કરું કે સ્ટ્રેસ નથી. ઘણો જ સ્ટ્રેસ હોય છે. શરૂઆતમાં જે રીતે હેન્ડલ કરતો હતો, તેમાં સુધારો થયો છે. હવે જેમ ઉંમર વધી તેમ વધુ સારી રીતે હેન્ડલ કરી શકું છું. આજે પણ પેશન્ટને સારું ના હોય, ડેથ થાય, કોમ્પ્લિકેશન થાય તો તે સ્ટ્રેસ 24 કલાક સુધી બેક ઑફ ધ માઇન્ડ કૅરી ફોરવર્ડ થયા કરતો હોય છે. આ મારા હૃદય ને મારા શરીર માટે સારું નથી પણ બને તેટલું હેન્ડલ કરવા ટ્રાય કરું છું.'

જંકફૂડ ખાય છે?
જંકફૂડ ખાવા અંગે ડૉક્ટર તેજસ પટેલે કહ્યું હતું, 'મને પણ ઈચ્છા થાય છે. જે દિવસે જંકફૂડ ખાઉં એ દિવસે હું એ વાતનું ખાસ ધ્યાન રાખું કે મારી કેલરી બર્ન વધુ થાય. પછી મને એ દિવસનું ગિલ્ટ બહુ રહેતું નથી. સમોસા, કચોરીથી લઈને બધું ખાઉં છું, પરંતુ હવે બહુ જ ધ્યાન રાખું છું. હવે હું માપમાં ખાઉં છું. પોર્શન સાઇઝ નાની રાખું છું.'

પેશન્ટને આપવામાં આવતી બધી સલાહ માને છે કે નહીં તે વિશે વાત કરતાં ડૉ. તેજસ પટેલે કહ્યું હતું, 'મને હજી સુધી હાર્ટ અટેક આવ્યો નથી કે મને હૃદયનો પ્રૉબ્લેમ નથી, એટલે ઘણીવાર ગુસ્સે થઈ જવાય છે. સ્ટ્રેસ વધી જાય એવું પણ બને છે. પેશન્ટ્સને જેટલી પણ સલાહ આપું છું, તેમાંથી મોટાભાગનું માનું છું. એક્સરસાઇઝ, ખાવા-પીવામાં ધ્યાન, મસલ્સ મેઇન્ટેઈન કરવાનું એ બધું માનું છું. હું સ્ટ્રેસને હજી સારી રીતે મેનેજ કરી શકતો નથી, પરંતુ પહેલાં કરતાં એમાં ઘણો ફેર પડ્યો છે.'

પેશન્ટ અંગે વાત કરતા ડૉ. તેજસ પટેલે કહ્યું હતું, 'પેશન્ટમાં ક્યારેય ભેદભાવ કરતો નથી. પૈસાદાર હોય, મધ્યમ વર્ગીય હોય કે ગરીબ હોય. ડૉક્ટર તરીકે તમને ત્યારે સંતોષ થાય જ્યારે કોઈ પેશન્ટમાં કોમ્પ્લિકેશન હોય અને ડેથ થયું હોવા છતાં સગાઓ તમારી લગન, મહેનતને બિરદાવે અને કહે કે 'સાહેબ તમે તો મહેનત કરી, પરંતુ અમારું નસીબ, ત્યારે એક જાતની શાંતિ મળે છે.' આ સમયે પેશન્ટને સર્વાઇવ ના કરી શકવાનું દુઃખ પુષ્કળ થયું હોય છે. આપણા સમાજમાં મુશ્કેલી એ છે કે 100 ટકા રિઝલ્ટ માગતા હોય છે. અલબત્ત, ઘણીવાર પેશન્ટ પણ ગ્રેટફુલ હોય છે. પેશન્ટને કોમ્લિકેશન થાય, સ્ટ્રોક થયો હોય ને અમે કહીએ કે આવા કોમ્પ્લિકેશન છે તો પેશન્ટ પણ એમ કહેતા હોય છે કે 'સાહેબ તમે તમારી મહેનત કરી, બાકી મારું નસીબ હતું.' ત્યારે એમ થાય કે લોકો સમજે છે, અમે કેટલી મહેનત ને ખંતથી કામ કરીએ છીએ.

ફ્રી ટાઇમ અંગેના એક સવાલમાં ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું, 'ફ્રી ટાઇમ જેવું હોતું નથી, કારણ કે ઘરે ગયા પછી મારે વાંચવાનું હોય, એમાં ફિલ્ડ અને એ સિવાયનું પણ હોય. લેખન, સોશિયલ પ્રસંગો પણ હોય છે. બિલકુલ નવરો હોઉં તો મારા બહુ લિમિટેડ મિત્રો સાથે, પરિવાર સાથે બેસીને વાતો કરવી ગમે અથવા તો શાંતિથી સૂઈ જવું ગમે.'

વેકેશન અંગે વાત કરતાં ડૉ. તેજસ પટેલે કહ્યું હતું, 'આ દેશમાં અને આ દેશની બહાર અઢળક જગ્યાઓ છે. હું જ્યારે પણ વેકેશન પર હોઉં ત્યારે ટાઇમ મેનેજમેન્ટ કરતો નથી. હું મારી રીતે મારો સમય પસાર કરતો હોઉં છું. મારી એક્સરસાઇઝનું શિડ્યૂઅલ એ જ રહેતું હોય છે. આરામ કરવો ગમે છે. મને ઓછા ટાઇમમાં બહુ બધી જગ્યાએ ફરવું ગમતું નથી. વેકેશનમાં ઘણીવાર ડાયટ ફોલો કરતો નથી, પરંતુ પાછા આવીએ અને જો વજન વધી ગયું હોય તો મારી રીતે હું મેનેજ કરી લેતો હોઉં છું.'

ઘરમાં કયું તેલ કેટલી માત્રામાં વાપરે?
તેલ અંગે વાત કરતાં કહ્યું હતું, 'બહુ જ ગેરમાન્યતા છે કે આ તેલ સારું અને આ તેલ ખરાબ. દરેક તેલમાં સારી-નરસી ફેટ હોય છે. આઇડલ ઓલિવ ઓઇલ છે, પરંતુ તેને તમે તળી શકો નહીં. એ તમારે ઉપરથી નાખીને લેવું પડે. હું બ્રેડમાં બટરની જગ્યાએ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરું છું. તમારે તેલ બદલતું રહેવું જોઈએ. તમે તેલનો મોટો ડબ્બો લેવાને બદલે બે મહિના ચાલે તે રીતનું તેલ લો અને સતત બદલતા રહો.'

અન્ય સમાચારો પણ છે...