ઘણીવાર માતાઓ તેમના કિશોરવયના બાળકોથી નારાજ હોય છે, જેઓ તેમની વાત સાંભળતા નથી. માતા વિચારે છે કે જે બાળક બાળપણથી જ તેની દરેક વાતને 'પથ્થરની લકીર' સમજતું હતું, અચાનક તેની સાથે શું થયું કે, તે તેની એકપણ વાત નથી માનતું. જો તમે પણ એવું જ વિચારો છો, તો તેના માટે તમારા બાળકને દોષ ના આપો. તાજેતરમાં સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ કિશોરોના મગજ પર એક સંશોધન કર્યું છે, જે દર્શાવે છે કે અમુક અવાજો પ્રત્યેનો આપણો પ્રતિભાવ સમય જતાં સ્વાભાવિક રીતે બદલાય છે. આ કારણે જ અમુક સમય જતાં ટીનેજર્સના મગજમાં માતાના અવાજનું મહત્વ ઘટવા લાગે છે.
13 વર્ષની ઉંમર પછી મગજમાં આવે છે અઢળક પરિવર્તન
સંશોધન દરમિયાન 12 અને તેથી ઓછી વયના બાળકોના મગજને સ્કેન કરવામાં આવ્યા હતા અને તેમાં માતાના અવાજ પર સારો એવો ન્યુરોલોજિકલ રિસ્પોન્સ દર્શાવાયો હતો. આ ઉંમરે મગજમાં લાગણીઓ વધારતું કેન્દ્ર સક્રિય બને છે. જોકે, 13 વર્ષની ઉંમર બાદ તેમાં ફેરફાર થાય છે. આ ઉંમરે, માતાના અવાજ પર મગજમાં આવી કોઈ ન્યુરોલોજીકલ રિસ્પોન્સ મળી નહીં, પરંતુ તેના બદલે કિશોરોના મગજ અન્ય તમામ અવાજોને વધુ પ્રતિસાદ આપે છે, પછી ભલે તે નવો હોય કે સાંભળેલો. આ ફેરફારો એટલા સ્પષ્ટ હતા કે, સંશોધકો માત્ર આ આધારે જ બાળકની ઉંમરનો અંદાજ લગાવી શક્યા હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાઇકિયાટ્રિસ્ટ ડેનિયલ અબ્રામ્સ કહે છે, 'જેમ નાના બાળક માતાના અવાજ સાથે લય બેસાડી લે છે, તેવી જ રીતે ટીનેજર્સ પણ યુનિક અવાજ સાથે લય બેસાડી લે છે. કિશોરવયે તમે જાણતા નથી કે, તમે આવું કરી રહ્યા છો. તમને મિત્રો અને નવા ભાગીદારો મળે છે અને તમે તેમની સાથે સમય પસાર કરવા માંગો છો. તમારું મન અજાણ્યા અવાજો તરફ વધુ સંવેદનશીલ બને છે અને આકર્ષિત થાય છે.'
પરિવારથી અલગ થવામાં કિશોરોનો કોઈ વાંક નથી
બીજા શબ્દોમાં કહીએ તો, કિશોરો ઇરાદાપૂર્વક તેમના પરિવારથી અલગ નથી હોતા, પરંતુ તેમના મગજ પરિપક્વ થાય છે. નાના બાળક માટે તેના સ્વાસ્થ્ય અને વિકાસમાં માતાનો અવાજ મહત્વનો ભાગ ભજવે છે. તે તેના તણાવ, સામાજિક જોડાણ અને વાતચીતની પ્રક્રિયાને અસર કરે છે. ન્યુરોસાયન્ટિસ્ટ વિનોદ મેનન કહે છે, "ટીનેજર્સ તેમના માતા-પિતાની વાત ના સાંભળીને બળવો કરતાં જોવા મળે છે. આવું એટલા માટે થાય છે, કારણકે તેમનું મગજ ઘરની બહારના અવાજો પર વધુ ધ્યાન આપવા માટે ટેવાઈ ગયું છે.
બાળક ઉંમરના એક તબક્કે સ્વતંત્ર બને છે
ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ સંશોધનના પરિણામો સૂચવે છે કે, જેમ-જેમ આપણે મોટા થઈએ છીએ તેમ-તેમ આપણે માતાના અવાજ પર ઓછું ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ. મેનન કહે છે, "બાળક ઉંમરના એક તબક્કે સ્વતંત્ર થઈ જાય છે. આ જૈવિક સંકેતોને કારણે થાય છે. ટીનએજ સ્ટેજમાં તે પરિવારની બહાર સામાજિક રીતે જોડાવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.