ઠંડીની શાનદાર શરૂઆત થઇ ગઈ છે. શિયાળામાં તમે ગોળવાળી ચા પીવાનું પણ વિચારી રહ્યા છો, પરંતુ શું તમે જાણો છો કે ગોળની ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાલી ચા જ શા માટે? તમે ઠંડીમાં ગોળની મીઠાઈ અને ગોળની ખીર પણ ખાઈ શકો છો. જો તમને કંઈ ન મળે તો જમ્યા પછી માત્ર એક વાટકી ગોળ ખાઓ.
ડોક્ટરોના મતે ખાંડના બદલે ગોળનો ઉપયોગ સારો માનવામાં આવે છે. ગોળમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન-સી જેવાં પોષકતત્ત્વો હોય છે, જે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે.
તો શું તમને ખબર છે કે આજકાલ બજારોમાં ઘણો નકલી ગોળ જોવા મળે છે. ગોળને સ્વચ્છ અને મુલાયમ દેખાડવા માટે એમાં ખતરનાક કેમિકલ નાખવામાં આવે છે, જેને કારણે સ્વાસ્થ્યનો ખજાનો કહેવાતો ગોળ ઝેર જેવો બની જાય છે.
ગોળના ફાયદાની સાથે-સાથે અસલી અને નકલી ગોળની કેવી રીતે ઓળખ કરી શકાય એ જાણવું ખૂબ જ જરૂરી છે.
ખાંડનો બેસ્ટ વિકલ્પ છે ગોળ
આયુર્વેદમાં ગોળને ઔષધ માનવામાં આવે છે. દરરોજ વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.
આયુર્વેદાચાર્ય અભિષેક ઉપાધ્યાય જણાવે છે કે "હજારો વર્ષોથી ગોળનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. 19મી-20મી સદીથી લોકો ખાંડ ખાવા લાગ્યા હતા. આ પછી લોકો પણ અનેક રોગોનો ભોગ વધુ બન્યા છે. મીઠાશ માટે ગોળનો ઉપયોગ ખાંડ કરતાં સારો છે.
ગોળથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનશે
વિશેષજ્ઞોનું માનવામાં આવે તો દરરોજ રોજ ગોળ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઠંડીમાં થતા મોસમી રોગો સામે રક્ષણ આપે છે. ગોળની તાસીર ગરમ હોય છે, પરંતુ ઉનાળામાં એને ઓછી માત્રામાં પણ ખાઈ શકાય છે.
ગોળ લોહીને સાફ કરે છે અને મેટાબોલિઝમને સુધારે છે. એ પાચનક્રિયામાં પણ સુધારો કરે છે. પિરિયડ્સ દરમિયાન મહિલાઓના દુખાવામાં ગોળ પણ ફાયદાકારક છે. હાઈ બ્લડપ્રેશરના દર્દીઓને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઘણા રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગોળ પ્રદૂષણની અસરને ઓછી કરે છે.
બજારમાં બેધડક વેચાઈ રહ્યો છે ગોળ
તો બીજી તરફ આજકાલ બજારમાં નકલી ગોળ પણ ખૂબ જ જોવા મળે છે. ગોળને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માટે એમાં ઘણાં ખતરનાક કેમિકલ્સ નાખવામાં આવી રહ્યાં છે. ગોળને પીળો દેખાડવા માટે કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ થાય છે, જ્યારે સ્વાભાવિક રીતે ગોળનો રંગ કથ્થઈ કે આછો કાળો હોય છે. ઘણી જગ્યાએ ગોળમાં ચૂનો પણ ઉમેરવામાં આવે છે.
આ રીતે ગોળની ઓળખ કરો
એક ગ્લાસ પાણીમાં થોડો ગોળ ઓગાળો. કેમિકલવાળો ગોળ હશે તો ગ્લાસની નીચે સફેદ કેમિકલ મિક્સ થઇ જશે. જ્યારે અસલી ગોળ આખા પાણીમાં જોવા મળશે. એમાં સફેદ રંગ અલગથી જોવા નહીં મળે. ગોળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે એનો અસલી રંગ કથ્થઈ છે.
ગોળનાં તત્ત્વો વિશે વાત કરવામાં આવે તો સારી ગુણવત્તાના ગોળમાં 70 ટકા સુક્રોઝ હોય છે, જ્યારે સફેદ ખાંડમાં 99.7 ટકા સુક્રોઝ હોય છે. સફેદ ખાંડમાં પ્રોટીન, ચરબી, ખનિજો કે વિટામિન્સ હોતા નથી. જ્યારે ગોળમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ હોય છે.
વધુપડતો ગોળ ખાવો પણ નુકસાનકારક
વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સાબિત થયું છે કે ખાંડની સરખામણીમાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ગોળ પણ સંતુલિત માત્રામાં ખાવો જોઈએ. એક સમયે 100 ગ્રામ ગોળ ખાવાથી 340 કેલરી એનર્જી મળે છે. વધુ માત્રામાં ગોળ ખાવાથી એટલું જ નુકસાન થાય છે જેટલું વધારે ખાંડ ખાવાથી થાય છે.
આ બીમારી થઈ શકે છે
વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી સ્થૂળતા થાય છે. ડાયાબિટીસ અને હૃદય રોગ થવાની પણ શક્યતા રહે છે. વધારે પ્રમાણમાં ગોળ ખાવાથી પણ આ બીમારીઓ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.