બ્યૂટી ટિપ્સ:તમારા વાળ માટે ક્યુ તેલ બેસ્ટ છે, એક્સપર્ટ પાસેથી શીખીએ વાળમાં તેલ લગાવવાની સાચી રીત

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના જમાનામાં લોકો પાસે બિલકુલ સમય નથી. લોકોની જિંદગીમાં ભાગદોડને કારણે લોકોનાં જંકફૂડને કારણે સ્વાસ્થ્યમાં પણ કથડી રહ્યાં છે. દરેક મહિલાને વાળની કોઈ ને કોઈ સમસ્યા રહે છે. ફ્કત વાળમાં તેલ લગાવવાથી જ ફાયદો નથી થતો, પરંતુ એની સંભાળ પણ લેવી પડે છે. વાળના ​​પ્રકાર અનુસાર યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે યોગ્ય તેલ લગાવવાથી અઢળક ફાયદો થાય છે. બ્યૂટી-એક્સપર્ટ શહનાઝ હુસૈન નારિયેળ, બદામ, સૂર્યમુખી અને એરંડાનાં તેલના ફાયદા અને એને વાળમાં લગાવવાની રીત વિશે માહિતી આપી રહ્યા છે.

બદામ તેલ
રુક્ષ અને કરમાયેલા વાળ માટે બદામનું તેલ ફાયદાકારક સાબિત થાય છે. બદામના તેલમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી એનું તેલ વાળ માટે પૌષ્ટિક માનવામાં આવે છે. આ તેલથી વાળને પોષણ મળે છે ને મજબૂત પણ બને છે. આ સાથે જ વાળની ચમક પણ વધે છે. જો તમે વારંવાર કેમિકલવાળા હેર કલર અને લોશનનો ઉપયોગ કરો છો તો વાળને નુકસાન થાય છે. એ સમયે વાળમાં બદામનું તેલ લગાવવાથી ચમકમાં વધારો કરી શકાય છે. બદામના તેલમાં લિનોલિક એસિડ હોય છે, જે વાળને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. હંમેશાં વાળને શેમ્પૂ કરતાં પહેલાં રાત્રે ગરમ બદામનું તેલ લગાવો.

નારિયેળ તેલ (કોપરેલ)
ઘણા લોકો વાળમાં નારિયેળ તેલ જ લગાવતા હોય છે. એનું તેલ વાળને સોફ્ટ, હેલ્ધી ને શાઇની બનાવે છે, તેથી વાળ માટે આ તેલને બેસ્ટ માનવામાં આવે છે. નાળિયેર તેલને હળવા મસાજ સાથે વાળમાં લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને એ સોફ્ટ બને છે. આ તેલને વાળમાં આખી રાત રહેવા દો. બીજા દિવસે હળવા હર્બલ શેમ્પૂથી વાળને ધોઈ લો. અઠવાડિયામાં બેવાર વાળમાં ગરમ ​​નારિયેળનું તેલ રાખવાથી અનેક રીતે ફાયદાકારક રહે છે. આ પછી ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને પાણી નિચોવીને એને માથાની આસપાસ પાઘડીની જેમ લપેટી લો. એને 5 મિનિટ માટે રહેવા દો. ગરમ ટુવાલ વીંટાળવાની આ પ્રક્રિયાને 3થી 4 વાર કરો. આ ઉપાયથી વાળ અને માથાની ચામડી તેલને સારી રીતે શોષી લે છે.

એરંડિયાનું તેલ
જે લોકોના વાળ રુક્ષ અને ખરાબ હોય તે લોકો માટે એરંડિયાનું તેલ ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ ઘાટું અને ચીકણું હોવાથી માથામાં તેલ નાખ્યા બાદ વાળને સારી રીતે શેમ્પૂ કરો અને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી એ સ્કેલ્પ ચીકણા ન રહે. જો વાળ ખૂબ જ ખરાબ હોય તો એક ચમચી એરંડાના તેલમાં એક ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો. આ બાદ તેલને ગરમ કરીને વાળ અને એના સ્કેલ્પમાં આંગળીઓથી થોડીવાર માલિશ કરો. આ તેલને આખી રાત રહેવા દો અને બીજા દિવસે હળવા હર્બલ શેમ્પૂથી વાળને ધોઈ લો.

તલનું તેલ
તલના તેલમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તલનું તેલ વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી એ દૂર રાખવામાં મદદ કરે છે. આ તેલ લગાવવાથી વાળ વધે છે અને એના ખરવાનું પણ બંધ થાય છે. વાળમાં ગરમ ​​કરેલું તલનું તેલ લગાવવાથી ચમક વધી જાય છે ને એને પોષણ આપે છે અને નરમ બનાવે છે. આ સાથે જ સ્પ્લિટ એન્ડ્સને અટકાવે છે અને વાળની ચમકમાં વધારો કરે છે.

ભૃંગરાજ તેલ
આયુર્વેદમાં દ્વારા ભૃંગરાજને જડી-બુટ્ટીઓ પૈકી એક ગણવામાં આવી છે. ભૃંગરાજના તેલથી વાળ વધવાની સાથે-સાથે મૂળ પણ મજબૂત થાય છે. ભૃંગરાજ તેલને તલ, નારિયેળ, આમળાં, બ્રાહ્મી પૈકી કોઈ એક તેલ સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

જોજોબા ઓઇલ
જો વાળમાં ડેન્ડ્રફ હોય અને વાળ ખરતા હોય તો જોજોબા તેલ લગાવો. શિયાળામાં વાળમાં ડેન્ડ્રફ થાય છે, આ સ્થિતિમાં જોજોબા તેલ લગાવવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે. આ સાથે શુષ્ક સ્કેલ્પ પર લગાવવાથી પણ ફાયદો થાય છે. આ તેલને હળવા હાથે મસાજ કરીને લગાવો અને એક કલાક પછી વાળ ધોઈ લો.