ભાસ્કર એક્સક્લૂસિવટાઇટ કપડાં પહેરવા માટે પ્રાઇવેટ પાર્ટની સર્જરીનું ચલણ:40 વર્ષની મહિલાઓ પણ કરાવે છે ઓપરેશન, જાણો કેમ અને કેવી રીતે લેબિયાપ્લાસ્ટી કરવામાં આવે છે?

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ

આજકાલ ટાઇટ કપડાં પહેરવાનું ચલણ વધ્યું છે. જોકે ઘણી યુવતીઓ આકર્ષક ફિગર હોવા છતાંય ટાઇટ જીન્સ, લેગિંગ્સ, શોર્ટ્સ પહેરતાં શરમ અનુભવે છે, કારણ કે તેઓ જ્યારે ટાઇટ કપડાં પહેરે ત્યારે તેમના પ્રાઈવેટ પાર્ટનો ઉભાર સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હોય છે. આ સમસ્યાને કારણે તેઓ ટાઇટ કપડાં પહેરવામાં સંકોચ અનુભવતી હોય છે. પ્રાઇવેટ પાર્ટના ઉભારની આ સમસ્યાને 'કેમલ ટો' કહેવામાં આવે છે, કારણ કે જે ઉભાર દેખાય છે એ ઊંટના પગ જેવો દેખાતો હોય છે. આ સમસ્યાથી છુટાકારો મેળવવા માટે યુવતીઓ સર્જરી કરાવતી થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે ‘લેબિયાપ્લાસ્ટી’ નામની આ સર્જરી કરાવવાનું પ્રમાણ હવે અમદાવાદમાં પણ વધ્યું છે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’એ ગુજરાતનાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ્સ ડૉ. અર્ચના શાહ તથા ડૉ. ચૈતસી શાહ સાથે વાત કરી હતી, જેમાં તેમણે લેબિયાપ્લાસ્ટી અંગે વિગતે વાત કરી હતી.

લેબિયાપ્લાસ્ટી એટલે શું?
ડૉ. અર્ચના શાહ કહે છે, ‘લેબિયાપ્લાસ્ટીમાં લેબિયા એટલે લિપ્સ ઑફ વજાઇના.’ સાદા શબ્દોમાં કહીએ તો હોઠ આકારની યોનિ. ‘સ્ત્રીઓમાં લેબિયા માઇનોરા તથા લેબિયા મેજોરા નામે વજાઇનાની બહાર લિપ્સ હોય છે. આ બેમાંથી એક લિપની સર્જરી કરવામાં આવે તેને લેબિયાપ્લાસ્ટી કહેવામાં આવે. આ એક પ્રકારની પ્લાસ્ટિક સર્જરી જ છે. મજાની વાત એ છે કે આ સર્જરી બહુ નવી નથી, પરંતુ હવે કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ વધ્યું છે. ઇવન ગાયનેકોલૉજીમાં હવે ‘કોસ્મેટિક ગાયનેક’ નામે નવી સબ-બ્રાંચ શરૂ થઈ છે અને તેથી જ આ બધી સર્જરી પર વધારે ફોકસ થાય છે.’

સિનિયર ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ચૈતસી શાહે કહ્યું હતું, 'વજાઇનામાં જે ભાગ પર વાળ ઊગે છે એને લેબિયા મેજોરા કહેવામાં આવે છે. જે રીતે કાન બહાર નીકળે એ રીતે લેબિયા બહાર નીકળેલા હોય તો તેને લેબિયા માઇનોરા કહેવામાં આવે છે. જે યુવતીઓને આ સમસ્યા હોય તેમના લેબિયા મેન્યુપ્લેટ કરીને યોગ્ય કરવામાં આવે છે. ઘણીવાર યુવતીઓ લેબિયા માઇનોરા માટે સર્જરી કરાવતી હોય છે.'

સર્જરી કેમ જરૂરી છે?
ડૉ. અર્ચના શાહે આ વાત ત્રણ પોઇન્ટમાં સમજાવે છેઃ

  1. વજાઇનાના લિપ્સ કેટલીક યુવતીઓમાં વધુપડતા લાંબા હોય છે. હાલમાં છોકરીઓ ટાઇટ્સ કપડાં વધુ પહેરતી હોય છે, જેમ કે જિમનાં કપડાં, અત્યારે એથ્લિક વેર, એથ્લેઝર, એરપોર્ટ લુક એ બધાં અંગે યુવતીઓ ઘણી જ કોન્શિયસ થઈ ગઈ છે. યુવતીઓ સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેરે, ટૂંકાં ટૂંકાં કપડાં પહેરે તો વજાઇનાનો આકાર દેખાતો હોય છે અને યુવતીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે, એટલે જ હવે આ સર્જરીનો ટ્રેન્ડ વધ્યો છે. ભારતમાં પહેલાં આ રીતનાં કપડાં પહેરવામાં આવતાં નહોતાં અને તેથી જ આ સર્જરી પણ થતી નહોતી, પરંતુ ભારતમાં પણ કપડાંનો ટ્રેન્ડ બદલાયો છે. હવે લેગિંગ્સ, ટ્રેક પેન્ટ્સ ને એ બધાં કપડાં પહેરવામાં આવે છે. આ કપડાંમાં વજાઇનાનો ભાગ દેખાય તો એ ઘણું જ ખરાબ લાગતું હોય છે.
  2. મેડિકલી પેશન્ટના લિપ્સ લાંબા હોય તો તેમને ત્યાં ઇરિટેશન, ફ્રિકશન-ઇન્ફેક્શન વારંવાર થતું હોય તોપણ સર્જરીની સલાહ આપવામાં આવતી હોય છે.
  3. જો નોર્મલ ડિલિવરી થઈ હોય ત્યારે કોઈક વખત વજાઇનાના લિપ્સ પર વાગી ગયું હોય તો લિપ્સનો શૅપ ડિસફિગર થયો હોય, એટલે કે લિપ્સમાં ટ્રોમા થયું અથવા છોકરીઓ સાઇકલ પરથી પડી જાય અને તેમને ત્યાં વાગ્યું હોય તથા એને લીધે લિપ્સના શૅપમાં ફેરફાર થયો હોય ત્યારે પણ લેબિયાપ્લાસ્ટીની જરૂર પડતી હોય છે.

જ્યારે ડૉ. ચૈતસીએ કહ્યું હતું, મારા મતે લેબિયાપ્લાસ્ટી માત્ર કોસ્મેટિક સર્જરી નથી, એ જરૂરિયાત છે. જો કોઈની વજાઇનાનો ભાગ બહાર દેખાતો હોય તો એ સેલ્ફ કોન્શિયસ થઈ જાય એ સ્વાભાવિક છે. તેનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. આ સર્જરી સેલ્ફ એન્હાન્સમેન્ટ તથા સેલ્ફ એસ્ટીમ વધારવા માટે છે. ઘણીવાર ફિઝિકલ રિલેશનમાં ઇન્ટરકોર્સ દરમિયાન લાંબા લેબિયાને કારણે મહિલા-યુવતીને વાગતું હોય છે અને ક્યારેક દુખાવો પણ થતો હોય છે. આ જ કારણે તેઓ લેબિયાપ્લાસ્ટી કરાવતા હોય છે. આ સર્જરીથી સેક્સ્યૂઅલ પ્લેઝર વધતું નથી, પરંતુ યુવતી-મહિલાઓની તકલીફ જરૂર ઓછી થઈ શકે છે.

કોણ આ સર્જરી કરાવે છે?
ડૉ. અર્ચના શાહે ઉમેર્યું હતું, સામાન્ય રીતે હાયર ક્લાસ હોય અને જે આ બધાં કપડાં, સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેરે તે આવતાં હોય છે. આમ જોવા જઈએ તો આ રીતનાં કપડાં પહેરતાં હોય તે લોકોને આ અવેરનેસ હોય છે, પણ જો મેડિકલ કન્ડિશન એ રીતની હોય તો લૉઅર મિડલ ક્લાસની યુવતી પણ આવતી હોય છે. આજકાલ યુવતીઓને બૉડી સ્ટ્રક્ચર, પાતળા થવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. આ પણ તમારા બૉડીનો જ એક હિસ્સો છે. એ જન્મથી હોય છે, જેમ કે ઘણા લોકોને એક હાથ નાનો હોય છે તો કેટલાકને એક પગ નાનો હોય છે, એક હાથ જાડો તો એક હાથ થોડો પાતળો હોય છે. 19-20નો ફરક જોવા મળતો હોય છે. એ જ રીતે વજાઇનાના બંને લિપ્સ ઘણીવાર સરખા હોતા નથી અને યુવતીઓ આ સર્જરી કરાવતી હોય છે. ગામડામાં આ સર્જરી અંગે એટલી અવેરનેસ નથી. ગામડાંમાં આમ પણ આ રીતને ટાઇટ્સ કપડાં પહેરવામાં આવતી નથી એટલે તેઓ આ સર્જરી મોટા ભાગે કરાવતા નથી.

કઈ ઉંમરની યુવતીઓ આ સર્જરી કરાવી શકે?
તેમણે આગળ કહ્યું હતું, છોકરીઓનું શરીર ગ્રો થતું હોય છે, એટલે અમે નાની છોકરીઓને ક્યારેય આ સર્જરી કરાવવાનું કહેતા નથી. 18-20 વર્ષની ઉંમર બાદ ગમે ત્યારે આ યુવતીઓ આ સર્જરી કરાવી શકે છે. મોટી ઉંમરે આ સર્જરી ના થાય એવું કંઈ નથી.

આ અંગે ડૉ. ચૈતસીએ કહ્યું હતું, એજ ગ્રુપની વાત કરીએ તો 18-30 વર્ષની ઉંમરની યુવતીઓ આ સર્જરી વધુ કરાવતી હોય છે. આ ઉંમરની યુવતીઓ પાસે નોલેજ હોય છે અને તેથી જ આ વર્ગની સંખ્યા વધારે હોય છે.

અમદાવાદમાં કેટલી સર્જરી થાય છે?
ડૉ. ચૈતસી શાહે કહ્યું હતું, દર મહિને 2-3 પેશન્ટ લેબિયાપ્લાસ્ટી માટે આવતા હોય છે અને તેમાંથી 1-2 પેશન્ટ આ સર્જરી કરાવતા હોય છે. જ્યારે ડૉ. અર્ચના શાહે જણાવ્યું હતું, બે-ત્રણ મહિનામાં એક સર્જરી કરતી હોઉં છું. અમે ઘણા કિસ્સામાં આ સર્જરીની એડવાઇઝ આપતા હોઈએ છીએ, પણ તેઓ તરત જ આ સર્જરી ના પણ કરાવે. પ્રમાણની વાત કરીએ તો 100માંથી એક પેશન્ટ આ સર્જરી કરાવે છે. અમદાવાદ બહારના લોકો પણ સર્જરી માટે આવતા હોય છે. અમદાવાદ કરતાં મેટ્રોસિટી જેવા કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુમાં આ સર્જરી કરાવવાનું પ્રમાણ વધુ છે.

કેવી રીતે સર્જરી થતી હોય છે?
તેમણે વધુમાં કહ્યું હતું, આ સર્જરી માટે પેશન્ટને માઇલ્ડ એનેસ્થેસિયા આપવામાં આવે છે. સર્જરીમાં અમે સાદો કટ પણ મૂકીએ છીએ અને હવે લેસરથી પણ કરીએ છીએ. જે રીતે ચહેરા પર મસો હોય અને તેને લેસરથી જે રીતે દૂર કરવામાં આવે છે, એ જ રીતે અમે લેસરથી કટ કરીને ડિસોલ્વ થનારા સ્ટીચ કરીએ છીએ. સ્ટીચ પણ ઘણા જ પાતળા ને ઝીણા હોય છે, જે બૉડીની અંદર જ ઓગળી જાય છે. સામાન્ય રીતે આ સર્જરી 25-30 મિનિટની અંદર થઈ જતી હોય છે.

કેટલા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે?
ડૉ. અર્ચના શાહે આ સવાલના જવાબમાં જણાવ્યું હતું, આ સર્જરી લાઇફ થ્રેટનિંગ નથી. આ સર્જરી તમારા શરીરની બહાર કરવામાં આવે છે, શરીરની અંદર કોઈ કાપકૂપી કરવામાં આવતી નથી. આ સર્જરીમાં પેશન્ટ સવારે આવે છે અને ચાર કલાક બાદ ઘરે જઈ શકે છે. રૂટિન એક્ટિવિટી ઘરે ગયા બાદ તરત જ કરી શકે છે. થોડો સમય એક્સર્સાઇઝ કરવાની ના પાડીએ છીએ. મહિલા કે યુવતી સેક્સ્યૂઅલી એક્ટિવ હોય તેને તો ચાર અઠવાડિયાં સુધી રિલેશન રાખવાની ના પાડવામાં આવે છે.

ડૉ. ચૈતસી શાહે આ અંગે કહ્યું હતું, આ ભાગ વાસ્ક્યુલર તથા ઘણો જ સેન્સિટિવ હોય છે. ઘણીવાર સર્જરી બાદ સોજો આવી જતો હોય છે. સર્જરીના બે દિવસ બાદ સોજો મટી જતો હોય છે. હાયમનોપ્લાસ્ટીની તુલનામાં લેબિયાપ્લાસ્ટીમાં દુખાવો થોડો વધારે થતો હોય છે, પરંતુ તેના માટે પૂરતી સાવચેતી લેવામાં આવે છે. સર્જરીના સાત કે દસ દિવસ બાદ ફોલોઅપ હોય છે. હું સર્જરી બાદ પેશન્ટને એક-બે વાર ફોલોઅપ માટે બોલાવતી હોઉં છું.

આડઅસર કે સર્જરી ફેલ થવાના ચાન્સ ખરા?
ડૉ. અર્ચના શાહે કહ્યું હતું, સામાન્ય રીતે આ સર્જરીની કોઈ આડઅસર નથી. કોસ્મેટિક સર્જરીમાં ઘણીવાર પેશન્ટને એવું લાગતું હોય છે કે ડૉક્ટર્સે બરોબર કર્યું નથી. પેશન્ટને ઘણીવાર એવું થાય કે તમે ચરબી બરોબર કાઢી નથી, મને રિઝલ્ટ દેખાતું નથી. તો આ બધી બાબતો ક્યારેક બનતી હોય છે. બાકી કોઈ મોટી આડઅસર જોવા મળતી નથી. સર્જરી ફેલ થાય કે નહીં તે સવાલના જવાબમાં તેમણે એમ કહ્યું હતું કે જો વજાઇનાનો એક લિપ્સ બે સેમી છે ને બીજો એક સેમી છે, મારે બંને સરખા કરવા છે, હું કટ કરું છું. બની શકે કે એક્ઝેટ એક સેમી ના થાય હોય તો પેશન્ટને લાગે કે સર્જરી બરોબર થઈ નથી. એરર ઑફ જજમેન્ટ થઈ શકે છે. કોસ્મેટિક સર્જરીમાં મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

ડૉ. ચૈતસી શાહે સર્જરી ફેલ્યોર અંગે કહ્યું હતું, ઘણીવાર મારી પાસે બીજે ક્યાંક સર્જરી કરાવીને આવ્યા હોય અને મારી પાસે બીજીવાર કરાવી હોય એવું પણ બન્યું છે. કોઈપણ સર્જરીમાં 1% આવો ચાન્સ રહેવાનો જ હોય છે, પરંતુ આ સર્જરીમાં ફેલ્યોર રેશિયો ઘણો જ ઓછો છે. આ સર્જરીમાં બેડરેસ્ટની કે એવી કોઈ જરૂર હોતી નથી. પ્રેગ્નન્સી તથા નોર્મલ ડિલિવરીને લેબિયાપ્લાસ્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

આ સર્જરી કોણ કરી શકે?
ડૉ. અર્ચના શાહના મતે, આ સર્જરી કોઈપણ ગાયનેકોલૉજિસ્ટ કરી શકે છે. પ્લાસ્ટિક સર્જન પણ કરી શકે છે. કોસ્મેટિક ગાયનેકોલૉજિસ્ટ પણ આ સર્જરી કરતાં હોય છે.

સર્જરી કેટલી જરૂરી છે?
ડૉ. અર્ચના શાહે સર્જરીના મહત્ત્વ અંગે વાત કરતાં કહ્યું હતું, તમારે વજાઇનાના લિપ્સની સાઇઝનો ફેર હોય તો આ તમારી બૉડી માટે નુકસાન નથી અને આ કોઈ બીમારી નથી. તમે એવા કપડાં પહેરવાનાં છો અને તમે શરમ કે સંકોચ અનુભવતા હો તો આ સર્જરી તમે કરાવી શકો. વારંવાર ઇન્ફેક્શન થતું હોય અને લિપ્સ નાના-મોટા હોય તો હું સર્જરીનું ઓપ્શન આપતી હોઉં છું. બાકી આ સર્જરી 'જરૂરી સર્જરી'ના લિસ્ટમાં આવતી નથી.

ડૉ. ચૈતસી શાહના મતે, આ સર્જરી નીડ (જરૂરિયાત) છે, જાગૃતિ ઓછી હોવાને લીધે લોકો આ અંગે જાણતા નથી. કેટલાકને રિયલમાં આ સર્જરીની જરૂર છે, પરંતુ નોલેજના અભાવે તે કરાવી શકતા નથી. આ સર્જરીથી ક્વોલિટી ઑફ લાઇફ તથા સેલ્ફી એસ્ટીમ બદલાઈ શકે છે.

16-17 વર્ષની યુવતીથી લઈ 40થી વધુ વયની મહિલાઓ આવે છે
ડૉ. અર્ચના શાહે એક કિસ્સો શૅર કરતાં કહ્યું હતું, થોડા સમય પહેલાં મારે ત્યાં 22-23 વર્ષની યુવતી આવી હતી. તેનો વજાઇનાનો એક લિપ્સ નાનો હતો અને એક મોટો હતો. ઘણો બધો ફરક હતો. તેના લગ્ન થવાના હતા અને આથી જ તેને થોડો ડર હતો કે હવે ખરાબ લાગશે અને તેણે લેબિયાપ્લાસ્ટી કરાવી હતી. અન્ય એક કિસ્સાની વાત કરું તો થોડા સમય પહેલાં 16-17 વર્ષની દીકરી પોતાની મમ્મી સાથે આવી હતી. તેને વારંવાર ત્યાં ઇન્ફેક્શન થતું હતું. ચેકઅપ દરમિયાન મારા ધ્યાનમાં એ વાત આવી કે તેના વજાઇનાનો એક લિપ નાનો અને એક મોટો હતો. આ જ કારણે તેને વારંવાર ઇન્ફેક્શન થયા કરતું હતું. મેં તેની માતાને કે ભવિષ્યમાં સર્જરી કરાવવી પડશે, પરંતુ હાલમાં આપણે કરતા નથી.

તેમણે વધુમાં કહ્યું હતું, મોટી ઉંમરની મહિલાએ જો વજન ઘટાડ્યું હોય તો લેબિયા માઇનોરાની બાજુમાં લેબિયા મેજોરા પણ હોય છે, એમાં ચરબીનું પ્રમાણ ઘટે તો તે મોટા દેખાઈ શકે છે. આવા કિસ્સામાં મોટી ઉંમરની મહિલાઓ પણ આ સર્જરી માટે આવતી હોય છે.

ડૉ. ચૈતસી શાહે નેશનલ લેવલની સ્વિમરનો કિસ્સો કહ્યો હતો. તેમના મતે, નેશનલ લેવલની સ્વિમ ચેમ્પિયન પોતાની મમ્મી સાથે આવી હતી. તેને આ સમસ્યા હતી અને તે લેબિયાપ્લાસ્ટી કરાવવા માગતી હતી. સ્વિમર હોવાને કારણે તે ટાઇટ સ્વિમસૂટ પહેરતી હોય એ સ્વાભાવિક છે અને એ ભાગ ખરાબ ના લાગે એ માટે સર્જરી કરાવવા ઈચ્છતી હતી. આ સમસ્યા એવી છે કે તે કોઈ બીજાને કહી શકે નહીં. એના ધ્યાનમાં આવે કે આનો કોઈ ઉપાય છે, ત્યારે જ મહિલા આ પ્રકારે ગાયનેકને મળવા જતી હોય છે. તે પોતાની સમસ્યા કહેવામાં ઘણી જ શરમ અનુવતી હોય છે. ઘણા ડૉક્ટર્સને પણ આ અંગે જાણકારી હોતી નથી. ઘણા લોકો એવી સલાહ આપતા હોય છે કે આ તો નોર્મલ છે અને તમારી પ્રકૃતિ છે, આની સાથે જીવવાનું હોય.

ડૉ. ચૈતસી શાહે પણ મોટી ઉંમરની મહિલા આ સર્જરી કરાવતી હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું, છોકરાઓ મોટા થાય પછી મહિલાની સેક્સ્યૂઅલ લાઇફ એક્ચ્યુઅલમાં શરૂ થતી હોય છે. ઉંમર વધતાં લેબિયાની સ્કીન ઢીલી પડી જતી હોય છે અને તેના એન્હાસન્મેન્ટ માટે પણ મહિલાઓ આવતી હોય છે, જેથી તેને ફિઝિકલ રિલેશન દરમિયાન દુખાવો ના થાય. આ પ્રકારની સર્જરી મોટી ઉંમરની એટલે કે 40થી વધુ વયની મહિલાઓ કરાવતી હોય છે.

કેટલો ખર્ચ આવે છે?
ડૉ. અર્ચના શાહે કહ્યું હતું, આ સર્જરી બહુ મોંઘી પણ નથી. સામાન્ય રીતે 25-30 હજારની વચ્ચે આ સર્જરી થઈ જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...