જીવનસંગિની માટે 28 કિમીની પગપાળા સફર કરી:અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, ડ્રાઇવરોની હડતાલનાં કારણે કોઈ પરિવહન સેવા ઉપલબ્ધ નહોતી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડ્રાઈવરોની હડતાળનાં કારણે વરરાજા અને તેના પરિવારને લગ્ન માટે ઓડિશાનાં રાયગડા જિલ્લાનાં કન્યાનાં ગામમાં જવા માટે 28 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું. તેઓએ ગુરુવારનાં આખી રાત કલ્યાણસિંહપુર બ્લોકનાં સુનાખંડી પંચાયતથી ચાલીને દિબાલાપાડુ ગામ પહોંચ્યા હતા, જ્યાં શુક્રવારનાં રોજ તેમના લગ્ન થયા હતા.

અમે આખી રાત ચાલીને ગામ પહોંચ્યા
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં વરરાજા, તેનો પરિવાર અને તેની સાથે મહિલાઓ રસ્તા પર ચાલતી જતી જોવા મળી રહી છે. વરરાજાનાં પરિવારનાં એક સભ્યએ જણાવ્યું હતું કે, ‘અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ડ્રાઇવરોની હડતાલનાં કારણે કોઈ પરિવહન સેવા ઉપલબ્ધ નહોતી. અમે આખી રાત ચાલીને ગામ પહોંચ્યા.’

લગ્ન પછી નવવધૂનાં ઘરે જ રોકાઈ ગયા
શુક્રવારની સવારે લગ્ન સંપન્ન થયા હતા પરંતુ, વરરાજા અને તેનો પરિવાર 28 કિ.મીની લાંબી સફર પગપાળા કાપીને આવ્યો હોવાથી તે દિવસે નવવધૂનાં ઘરે જ રોકાઈ ગયા હતા અને ડ્રાઇવરોનાં સંગઠન હડતાલ પાછી ખેંચી લે તેની રાહ જોતા હતા, જેથી તેઓ ઘરે પાછા ફરી શકે.

શુક્રવારે 90 દિવસ માટે હડતાલ પર રોક લગાવી
ડ્રાઈવર એકતા મહાસંઘે વીમા, પેન્શન જેવા મુદ્દાઓ માટે સોશિયલ વેલ્ફેર બોર્ડની રચનાની માગણી સાથે બુધવારથી રાજ્યભરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. ઓડિશામાં વ્યાપારી વાહનોનાં ડ્રાઇવરો દ્વારા તેમની તમામ માગણીઓ પૂરી કરવામાં આવશે તેવી રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવ્યા બાદ શુક્રવારે 90 દિવસ માટે હડતાલ પર રોક લગાવવામાં આવી હતી.

ડ્રાઈવર્સ યુનિયન એકતા મહાસંઘ દ્વારા મુખ્ય સચિવ પી કે જેના અને ડીજીપી એસ કે બંસાકે હડતાલ પર ઉતરેલા ડ્રાઇવરોને તેમનો વિરોધ પાછો ખેંચવાની અપીલ કર્યાનાં થોડા કલાકો બાદ જ આ જાહેરાત કરવામાં આવી હતી.

બે લાખથી વધુ વાહનચાલકોની હડતાળથી લોકોનું રોજિંદા જીવન ખોરવાયું
‘અમે આદિવાસી છીએ અને લાંબા સમય સુધી ચાલવાથી પરિચિત છીએ. અમે રસ્તાઓથી પણ પરિચિત છીએ અને લગ્ન માટે ચાલવું એ સામાન્ય વાત હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક અહેવાલમાં કન્યાનાં કાકાએ જણાવ્યું હતું. બે લાખથી વધુ વાહન ચાલકોની હડતાળથી કામ પર જતા લોકો અને એક જ જગ્યાએ રહેતા પ્રવાસીઓ સહિત તમામના રોજિંદા જીવનમાં વિધ્ન આવી ગયું છે. આના પરિણામે આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવમાં પણ વધારો થયો છે.