આજે લગભગ ઘણી મહિલાઓ અને યુવતીઓમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. વાળ ખરવાને કારણે પહેલાં પુરુષોમાં જ ટાલ પડવાની સમસ્યા રહેતી હતી. પરંતુ હવે મહિલાઓમાં પણ વાળ ખરવાની સમસ્યામાં વધારો થયો છે. મહિલાઓમાં વાળ ખરવાનું એક કારણ કેમિકલયુક્ત પાણી પણ હોઈ શકે છે. કેમિકલયુક્ત પાણી વાળ માટે કેટલું નુકસાનકારક છે અને આ નુકસાનથી કેવી રીતે બચી શકાય તે અંગે હેર એક્સપર્ટ આનંદી ઉપાય બતાવી રહ્યા છે.
પાણી પણ છે વાળ માટે નુકસાનકારક
કડક પાણીમાં (હાર્ડ વોટર) કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ હોય છે. આ પાણીથી વાળ ધોવાથી વાળ પર મિનરલ્સનું લેયર થઈ જાય છે. જેના કારણે વાળના મૂળ સુધી ભેજ નથી પહોંચતો. તેથી વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય અને તૂટવા લાગે છે. જેના કારણે સમય જતા ટાલ પણ પડી શકે છે.
હાર્ડ વોટર વાળ અને ત્વચા બંને માટે નુકસાનકારક છે. 2016માં જે મહિલાઓના વાળ ખરી રહ્યા હોય તેવી 15 મહિલાઓ પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓના બે ગ્રુપ કરવામાં આવ્યા હતા અને તેમને 30 દિવસ સુધી ડિસ્ટિલ અને હાર્ડ વોટરથી તેમના વાળ ધોવા માટે કહેવામાં આવ્યું હતું.
આ અભ્યાસમાં સામે આવ્યું હતું કે, જે મહિલાઓ પોતાના વાળને હાર્ડ વોટરથી ધોતી હતી, તેમના વાળ ખૂબ જ પાતળા અને ખૂબ જ રુક્ષ થયા હતા. હાર્ડ વોટરથી વાળ ધોવાથી બે મોઢાવાળા વાળ, રુક્ષ, ઓઈલી અને ઝડપી તૂટે છે. આ સાથે જ હાર્ડ વોટરથી ડ્રાય સ્કૅલ્પની સમસ્યા પણ થઈ શકે છે.
હેર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો આ સમસ્યા પર પહેલાથી જ ધ્યાન આપવામાં ન આવે તો વાળ ઉપર ખરાબ અસર પડી શકે છે. હાર્ડ વોટરથી સ્કેલ્પ ઉપર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે વાળ ઝડપથી ખરે છે. જે લોકોને એક્જિમાંની સમસ્યા હોય છે, તે લોકો હાર્ડ વોટરથી વાળ ધોવાનું ટાળવું જોઈએ.
રુક્ષ વાળથી બચવા માટે કરો આ ઉપાય
હેર માસ્કનો ઉપયોગ કરો
ઈંડાની સફેદ જરદી અને એલોવેરા જેલમાંથી બનાવવામાં આવેલું હેર માસ્ક બનાવો અથવા મુલતાની માટીથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરો. આ માસ્ક અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવાથી વાળ હેલ્ધી બનશે.
એપલ વિનેગર ફાયદાકારક છે
ખરતા વાળ અટકાવવા માટે એપલ વિનેગર એક બેસ્ટ ઓપ્શન છે. વિનેગરમાંથી પ્રાપ્ત થતું વિટામિન B અને C વાળ માટે સારું છે. આ વાળના પીએચને સંતુલિત કરે છે અને તેમને સ્વસ્થ રાખે છે. અડધો લીટર પાણીમાં 1 કપ એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. આ પાણીથી વાળમાં 5 મિનિટ સુધી મસાજ કરો અને આ પાણીથી વાળ ધોઈ લો.
માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો
સલ્ફેટ ફ્રી અને પેરાબેન્સ ફ્રી શેમ્પૂથી વાળ ધોવા. વાળ માટે આયુર્વેદિક કુદરતી શેમ્પૂ પણ ફાયદાકારક છે. શેમ્પૂને કયારે પણ સીધું માથામાં ન લગાવો. શેમ્પૂને હંમેશા પાણી સાથે મિક્સ કરીને જ ભીના વાળ પર લગાવો.
કંડીશનરનો ઉપયોગ કરો વાળને થતા નુકસાનને રોકવા માટે અને ચમક જાળવી રાખવા માટે લીવ-ઇન કંડિશનર લગાવો. વાળ ધોયા પછી અને ટુવાલ વડે લૂછીને લીવ-ઇન કંડિશનર લગાવવામાં આવે છે. હેર એક્સપર્ટની સલાહ લીધા પછી જ લીવ-ઇન કન્ડિશનરનો ઉપયોગ કરો.
વાળ ધોતા પહેલાં તેલ નાખો
તેલથી માલિશ કર્યા પછી પણ વાળને પોષણ મળે છે અને તૂટવાનું ઓછું થાય છે. પરંતુ જો તે યોગ્ય રીતે કરવામાં ન આવે તો વાળ પણ સફેદ થઈ શકે છે. ડબલ બોઈલરમાં તેલ ગરમ કરો. જો ડબલ બોઈલર ન હોય તો એક તપેલીમાં પાણી ઉકાળો. 5 મિનિટ માટે તેમાં એક બાઉલ તેલ મૂકો. આ હૂંફાળા તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો. એરંડાનું તેલ, નાળિયેરનું તેલ અને ઓલિવ તેલ વાળ માટે સારું છે. પરંતુ હંમેશા કોઈપણ તેલ સાથે ઓલિવ ઓઈલ અથવા એરંડાનું તેલ મિક્સ કરો. હેર એક્સપર્ટની સલાહ જરૂર લો.
પ્રોટીનયુક્ત આહારને ડાયટમાં સામેલ કરો
તંદુરસ્ત વાળ માટે તમારા ડાયટમાં દાળ, ઈંડા, દૂધ, બદામ અને બીજ જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આ સિવાય વિટામિન E વાળને પોષણ પણ આપે છે. માછલી અને બદામમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.