રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસથી જંગ ચાલી રહ્યો છે. ત્યારે યુક્રેનની રાજધાની કિવ નજીક એક ગામમાં બાળપણના બે મિત્રો ભણી-ગણીને સેનામાં જોડાઈ ગયા હતા. ખુબજ શાંત વિસ્તાર 'પીસ સ્ટ્રીટ' પર રહેલા ઘરો પૈકી એક ઘર તેમનું પણ હતું. પરંતુ રશિયા સાથેના યુદ્ધમાં બંનેની કરપીણ હત્યા થઇ હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પાવેલ ખોલોદેકો અને વિકટર બલાઈના મૃતદેહ વન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. બંનેની ઉંમર ફક્ત 28 વર્ષ હતી.
સાથે જ ભણ્યા, દેશ સેવા પણ સાથે કરી
પાવેલ ખોલોદેકો અને વિકટર બલાઈ બંનેએ નર્સરીથી સ્કૂલ સુધીનું ભણતર સાથે જ પૂરું કર્યું હતું. બાદમાં બંનેએ સાથે જ યુક્રેન મિલિટ્રીમાં જોડાઈ ગયા હતા. જયારે બંનેની માતાએ મૃતદેહ જોયા ત્યારે રડી પડી હતી. આ સાથે જ બંનેની માતાએ કીધું હતું કે, રશિયન સૈનિકોએ તેની સાથે હેવાનિયત કરી હતી.
સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન બંને સૈનિકોની માતાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ' અમારા બાળકો સાથે અચાનક જ સંપર્ક તૂટી ગયો હતો.' પાવેલ ખોલોદેકોની 48 વર્ષીય માતા તેતીયાંના ખોલોદેકોએ કહ્યું હતું કે, પાવેલને વધુ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેના શરીરનું એક પણ અંગ એવું ના હતું જેની કોઈ સાબીતી હોય. હાથ-પગ, આંગળીઓ બધું જ ભાંગી નાખ્યું હતું. પાવેલના મોઢામાં ગોળી મારી દઈને હત્યા કરી દીધી હતી જે ખુબ જ ભયાનક હતી. પાવેલ ખોલોદેકોના ઘરની પાસે જ વિકટર બલાઈનું ઘર હતું. વિકટર બલાઈ તેની 49 વર્ષીય માતા ઓલેના બલાઈ અને 78 વર્ષીય દાદી ઓલ્ગા ડોવોશપ સાથે રહેતો હતો. વિક્ટરના મોતના સમાચાર સાંભળતાં જ માતા અને દાદી ભાંગી પડ્યા હતા.
રશિયન સૈનિકો સાથે દીકરાના મોતનો બદલો લેવા માંગે છે માતા
વિકટરની માતા ખોળામાં તેનો ફોટો લઈને ભીની આંખે કહ્યું હતું કે,અમે તેના 29માં જન્મદિવસનો પ્લાન કરી રહ્યા હતા પરંતુ અમને શું ખબર હતી કે અમારે આટલા મોટા દુઃખનો સામનો કરવો પડશે.
બંને સૈનિકોની માતાઓ હવે યુક્રેનિયન તપાસકર્તા સમક્ષ ન્યાય માટે વિનંતી કરી રહી છે અને બંને એટલા ગુસ્સામાં છે કે તેઓ રશિયન સૈનિકો સાથે બદલો લેવા માંગે છે. પાવેલની માતાનું કહેવું છે કે અમે તેની સાથે એવું જ વર્તન કરવા માંગીએ છીએ જે અમારા પુત્રો સાથે થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.