એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ફીચર્સથી સજજ આધુનિક કાર ખરીદનારાઓની પહેલી પસંદ બની છે. આ ટેક્નોલોજી કે, જે એક સમયે વોલ્વો, ટેસ્લા અને મર્સિડીઝ-બેન્ઝ જેવા હાઈ-એન્ડ લક્ઝરી વાહનો સુધી મર્યાદિત હતી, તેણે ભારતમાં પોસાય તેવા વાહનોમાં પ્રવેશ કર્યો છે. લગભગ તમામ મધ્યમ કદની પ્રીમિયમ SUV હવે ખરીદદારોને ADASનો વિકલ્પ ઓફર કરી રહી છે. આ ફીચર્સનું મૂળભૂત કાર્ય અકસ્માતોને ઘટાડવામાં ડ્રાઇવરને મદદ કરવાનું છે પરંતુ, અન્ય ટેક્નોલોજીની જેમ કાર ખરીદદારો આ કાર્યક્ષમતાનો દુરુપયોગ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં મહિન્દ્રા XUV700માં એક વ્યક્તિ હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે તેના પાર્ટનર સાથે રમત કરતો જોવા મળી રહ્યો છે.
શું છે આ વીડિયોમાં?
આ વીડિયોમાં એવુ બતાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ પર બેસીને તેના પગને બાજુની સીટ પર લાંબા કરે છે અને તેના પાર્ટનર સાથે મસ્તી કરી રહ્યો છે, જ્યારે પાછળની સીટ પરથી એક વ્યક્તિ તેની આ હરકતનો વીડિયો બનાવી રહ્યો છે. આ બધાની વચ્ચે કાર હાઇ-વે પર એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને લેન કીપ અસિસ્ટ જેવી ADAS સુવિધાઓનો ઉપયોગ કરીને હાઇ-સ્પીડ પર દોડી રહી છે. આ વીડિયોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરપૂર ટીકા થઈ રહી છે.
આ પહેલીવાર નથી જ્યારે XUV700 યૂઝર્સે સોશિયલ મીડિયા પર અટ્રેક્શન મેળવવા માટે ADAS ટેક્નોલોજીનો દુરુપયોગ કર્યો હોય. તાજેતરમાં ડ્રાઇવિંગ સીટ પર પગ ઊંચો કરીને બાજુમાં બેઠેલા અને તેના મિત્રો સાથે પત્તા રમતા એક વ્યક્તિનો બીજો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોને ફરહાન રાજપૂત નામના યુઝરે ફેસબુક પર શેર કર્યો છે. અગાઉ, ઈન્ટરનેટ પર ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં મહિન્દ્રા XUV700 હાઈ-વે પર પોતાની જાતે જ ફરતી દર્શાવવામાં આવી છે. આ વીડિયોએ કારનાં ડ્રાઈવરની ટીકાનું મોજું શરૂ કર્યું છે.
યૂઝર્સે કપલને ભરપૂર ટ્રોલ કર્યા
એક યૂઝરે કહ્યું કે, ‘એવુ લાગે છે કે, વાંદરાનાં હાથમાં રેઝર આપી દીધુ.’ અન્ય એક યૂઝરે કહ્યું, ‘પોલીસે આ ડ્રાઈવર સામે લીગલ એક્શન લેવા જોઈએ.’ એક યૂઝરે તો ત્યાં સુધી કહ્યું કે, ‘આ વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે, શા માટે લોકો ADAS ફીચર્સને યોગ્ય નથી.’
રોડ અકસ્માતોને ઘટાડવા ઉમેરાઈ ADAS ટેક્નોલૉજી
ADAS ટેક્નોલૉજી એ સેલ્ફ ડ્રાઈવિંગની સુવિધા સાથે વાહનની ગતિ જાળવી રાખવા માટે અનુકૂલનશીલ ક્રૂઝ કંટ્રોલ, વાહનને રોકવા માટે સ્વચાલિત ઇમરજન્સી બ્રેકિંગ, વાહનને લેન વચ્ચે રાખવા માટે લેન કીપ આસિસ્ટ જેવી અન્ય ઘણી ટેકનોલોજી સહાયક સુવિધાઓ આપે છે. જો કે, ADASને અકસ્માતો અટકાવવા માટે ઊમેરાયુ છે પણ લોકો તેના મોજશોખ માટે તેનો દુરુપયોગ કરતા નજરે પડી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.