મોટાભાગનાં લોકોને બજારમાં મળતા પનીર પસંદ આવતા નથી કારણ કે, તે ભેળસેળયુક્ત હોય છે અને આ કારણોસર જ લોકો ઘરે પનીર બનાવવાનું પસંદ કરે છે. ઘણીવાર જો ભૂલથી દૂધ ફાટી જાય તો પણ લોકો તેનું પનીર બનાવી લે છે. આ ફાટેલા દૂધથી પનીર કે રસગુલ્લા બનાવીને દૂધનું જે પાણી વધ્યુ હોય તેને લોકો ફેંકી દે છે પણ શું તમને ખબર છે કે, આ ફાટેલા દૂધનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
કૂકિંગમાં તો તેનો ભરપૂર ઉપયોગ થાય છે પણ સાથે જ તેમાં સામેલ પ્રોટિન અને લેક્ટિક એસિડ જેવા પોષકતત્વો તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં પણ ઉપયોગી થાય છે. એવામાં આજે આપણે ફાટેલા દૂધનાં પાણીનાં ફાયદા અને તેના ઉપયોગની અમુક વિશેષ રીતો વિશે જાણીશું.
મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે ફાટેલુ દૂઘ
ન્યૂટ્રિશનિસ્ટ પ્રિયંકા સિંહ જણાવે છે કે, ફાટેલા દૂધનાં પાણીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, કેલ્શિયમ અને લેક્ટિક એસિડ સિવાય ભરપૂર માત્રામાં અનેક મિનરલ્સ અને વિટામિન્સ મળી રહે છે. તેમાં કેલરી ફક્ત નામ માત્રનું હોય છે. તેનો ઉપયોગ ખાવાનું બનાવવાથી લઈને પીવાનાં પાણી સુધી કરવામાં આવે છે. તે આપણી ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તે હાઈ બ્લડપ્રેશરમાં પણ લાભદાયી સાબિત થાય છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમને કિડની સાથે સંકળાયેલી કોઈપણ બીમારા થતી નથી.
દરરોજ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે
પ્રિયંકા સિંહ આગળ જણાવે છે કે, ખાંડ કે નમક ઉમેરીને જો તમે આ ફાટેલા દૂધનું પાણી નિયમિત પીવો છો તો તમારુ પાચનતંત્ર મજબૂત બને છે. તેના સેવનથી તમારુ ભોજનનું પાચન પણ જલ્દી થઈ જાય છે અને ભૂખ પણ ખુલે છે. કેલરીનું પ્રમાણ ઓછુ હોવાના કારણે વજન પણ વધતુ નથી.
આ રીતો અજમાવીને તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકાય
લોટ બાંધવામાં- જો લોટ બાંધતા સમયે તેમાં ફાટેલા દૂધનું પાણી ઉમેરવામાં આવે તો રોટલીઓ મુલાયમ બને છે.
શાકભાજીની ગ્રેવી બનાવવામાં- જો શાકભાજીની ગ્રેવી બનાવતા સમયે પાણીની જગ્યાએ ફાટેલા દૂધનું પાણી ઉમેરવામાં આવે તો ગ્રેવી વધુ ઘાટી અને ટેસ્ટી બને. તમે કોઈપણ સબ્જી બનાવતા સમયે પાણીની જગ્યાએ ફાટેલા દૂધનાં પાણીનો ઉપયોગ કરી શકો છો.
સૂપ બનાવવામાં- કોઈપણ વેજિટેબલ સૂપ બનાવતા સમયે પાણીની જગ્યાએ ફાટેલા દૂધનાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તે સૂપ ટેસ્ટી બને છે.
ભાત બનાવવામાં- ભાત કે પુલાવ બનાવતા સમયે તમે નોર્મલ પાણીની જગ્યાએ ફાટેલા દૂધનાં પાણીનો ઉપયોગ કરી શકો.
વાળ ધોવામાં- જો તમે વાળ ધોવામાં આ ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરો તો તમારા વાળ એકદમ મુલાયમ બની શકે. તેના ઉપયોગથી વાળમાં ખોળાની સમસ્યા પણ રહેતી નથી. આ સિવાય આ પાણીનો ફેસવોશ તરીકે પણ ઉપયોગ કરી શકાય.
વિશેષ નોંધ- આ આર્ટિકલમાં આપવામાં આવેલ સૂચનાઓ એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ લખવામાં આવી છે. આ સૂચનાઓનો અમલ કરતાં પહેલા એકવાર એક્સપર્ટની સલાહ જરુર લેવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.