ઉત્તર પ્રદેશ:દુલ્હનને વરરાજાનો દેખાવ ના ગમતા છ ફેરાં ફર્યા પછી કહ્યું,‘હું લગ્ન નહીં કરું’, મિત્રો અને મહેમાનોએ સમજાવ્યા છતાં દુલ્હન ટસની મસ ના થઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હાનાં પિતાએ કહ્યું, જો તને છોકરો ગમતો જ નહોતો તો 6 ફેરાં સુધી કેમ કઈ ના બોલી?
  • દુલ્હનનાં નિર્ણયથી જાને ખાલી હાથે પાછા જવું પડ્યું

છેલ્લા ઘણા સમયથી દેશમાં લગ્ન તૂટ્યા હોવાના વિચિત્ર કિસ્સા આવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવા કેસમાં વધારો થઈ ગયો છે. મહોબામાં એક દુલ્હને લગ્નનાં મંડપમાં 6 ફેરાં ફર્યા પછી મેરેજ કરવાની ના પાડી દીધી. આ યુવતીને છોકરો ના ગમતા જાન ખાલી હાથે પાછી ફરી.

6 ફેરાં ફર્યા પછી ના પાડી
આ ઘટના મહોબા શહેરમાં આવેલા કુલપહાડ તેહસિલ ગામની છે. લગ્નની વિધિમાં અડધે સુધી પહોંચી ગયા પછી દુલ્હને આ રીતે ના પાડી દેતા મહેમાનોને નવાઈ લાગી હતી. બંને પક્ષે દુલ્હનને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તે એકની બે ના થઈ.

‘મને વરરાજો નથી ગમતો’
બંને પરિવાર વચ્ચે ઝઘડો શરુ થઈ જતા અડધી રાતે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો. ગ્રામ પંચાયતે લગ્ન ના કરવાનું કારણ પૂછતા દુલ્હને કહ્યું, તેને વરરાજો ગમતો નથી. તેની સાથે આખી જિંદગી નહીં રહી શકે.

જાન ઉદાસ થઈને પાછી ફરી
દુલ્હને મનથી જ નક્કી કરી લીધું હતું તો તેને સમજાવવાનો પણ કોઈ અર્થ નહોતો પણ દુલ્હાનાં પિતાએ કહ્યું, જો તને છોકરો ગમતો જ નહોતો તો 6 ફેરાં સુધી કેમ કઈ ના બોલી? દુલ્હાનાં પિતાને તેમના પ્રશ્નનો જવાબ તો ના મળ્યો અને ખાલી હાથે પાછા જવાનો વારો આવ્યો.

ઉત્તરપ્રદેશમાં મેરેજ કેન્સલ થવાના કેસ વધી ગયા
આની પહેલાં જોનપુરમાં રવિવારે યોજાયેલા એક લગ્નમાં દુલ્હનને તેના પતિનું પ્રેમ પ્રકરણ ખબર પડતા સાસરે પહોંચતાની સાથે જ બધા વચ્ચે લાફો ઝીંકી દીધો હતો. દુલ્હન કપડા બદલીને સીધી તેના ઘરે આવી ગઈ હતી.

આજકાલ ઉત્તર પ્રદેશમાં મેરેજ કેન્સલ કર્યાનાં કેસ ઘણા વધી ગયા છે. આ જ અઠવાડિયાંમાં દુલ્હાને ચશ્માં પહેર્યા વગર વાંચવામાં તકલીફ પડતા દુલ્હને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તો બીજી બાજુ લગ્નમાં જાનને ભોજનમાં મટન ના મળતા દુલ્હો મંડપ છોડીને ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...