કેબ ડ્રાઈવરની જોબ ઇઝી નથી હોતી, તહેવાર હોય કે પછી કોઈ નોર્મલ દિવસ તેઓ રજા પાડતા નથી. જોબ દરમિયાન દરેક પ્રકારના પેસેન્જર સાથે ડીલ પણ કરવી પડે છે. અમેરિકામાં ઉબર ડ્રાઈવરે 5 વર્ષમાં 24 હજાર રાઈડ કરી અને અચાનક એક દિવસ નસીબ ચમકી ગયું. મહેનત કરીને ગુજરાન ચલાવતો ડ્રાઈવર એક જ દિવસમાં લાખોપતિ બની ગયો.
મેરીલેન્ડ રાજ્યમાં રહેતા 69 વર્ષીય ડ્રાઈવરે જોબ દરમિયાન બ્રેક ટાઈમમાં 750 રૂપિયા ખર્ચીને જીવનમાં પહેલીવાર લોટરી ટિકિટ ખરીદી. ટિકિટ ખરીદી ત્યારે ડ્રાઈવરે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે જેકપોટ જીતી જશે. રાતોરાત તે 1 લાખ ડોલર એટલે કે 75 લાખ રૂપિયાનો માલિક બની ગયો. મેરીલેન્ડ લોટરીએ વિજેતા ડ્રાઈવરનો કોન્ટેક્ટ કર્યો અને આ ખુશખબરી કહી. શરૂઆતમાં તો ડ્રાઈવરને વિશ્વાસ ના આવ્યો. તેણે 5 વર્ષ ટેક્સી ચલાવીને ક્યારેય આટલી મોટી રકમ જોઈ નહોતી. વૃદ્ધ ડ્રાઈવર આ રૂપિયાથી પોતાની કાર રીપેર કરાવશે અને બાકીના રૂપિયામાંથી પોતાની જરૂરિયાતો પૂરી કરશે.
લોટરીના રૂપિયા જરૂરિયાતમંદ લોકોને વહેંચી દીધા
આની પહેલાં ઓસ્ટ્રેલિયામાં 47 વર્ષીય પીટર ચાર્લે વર્ષ 2020માં 6 કરોડ રૂપિયાની લોટરી જીત્યો હતો. લોટરી જીતવાનો ફાયદો પીટર નહીં પણ તેની ફેમિલી અને મિત્રોને ફાયદો થયો હતો. આ વ્યક્તિએ લોટરીના રૂપિયા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવાનું શરૂ કરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
લોટરી જીત્યા પછી પીટરને વિશ્વાસ નહોતો આવતો. તેણે લોટરીની એપ ડિલીટ કરીને ફરીથી ડાઉનલોડ કરી. પીટર એક જ ઝટકે 8,96,511 ડોલર એટલે કે 6.6 કરોડ રૂપિયા જીત્યો. તેને લોટરી જીતવાની ખુશી તો થઇ પણ પીટરે વિચાર્યું કે, મારે આટલા બધા રૂપિયાની કોઈ જરૂર નથી.
મદદ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો
પીટરે તેની લોટરીની રકમ ડોનેટ કરવાનું વિચાર્યું. તેણે ફેમિલી અને મિત્રોને મદદ કરી. આ ઉપરાંત પીટરે મદદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો. વિનરે એક પોસ્ટમાં લખ્યું, ‘જો તમને રૂપિયાની જરૂર હોય તો મને તમારી બેંક ડિટેલ્સ મોકલો. હું તમને મદદ કરીશ.’ જોતજોતામાં અનેક જરૂરિયાત મંદ લોકોના મેસેજ આવવા લાગ્યા અને પીટર ખુશી-ખુશી રૂપિયા દાન કરવા લાગ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.