અત્યારના સમયે ભલે માણસો એકબીજાને વફાદાર ના હોય પણ પ્રાણીઓ અંતિમ શ્વાસ સુધી તેના માલિકને વફાદાર બનીને રહે છે. માલિક અને તેના પાલતું પશુના અનેક કિસ્સા આપણી સામે આવતા રહે છે. ઉત્તર પ્રદેશમાં બે પાલતું શ્વાને તેના માલિકના પરિવારને સાપથી બચાવવા માટે પોતાનું જીવન ખોઈ બેઠા. પરિવારે કહ્યું, અમે તેમનું બલિદાન ક્યારેય નહીં ભૂલીએ.
સાપ બંને શ્વાનને ડંખ મારતો હતો
રવિવારે જયરામપુર ગામમાં આ ઘટના બની હતી, જેના ફોટો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. વોચમેન ગુડ્ડુએ આ ઘટના જણાવતા કહ્યું કે, શેરુ અને કોકોએ મુખ્ય દરવાજા પર એક કાળા રંગના સાપને વીંટળાયેલો જોયો હતો. સાપ જોતાની સાથે બંને સતત ભસી રહ્યા હતા અને બીજી બાજુ સાપ પણ બંનેને ડંખ મારી રહ્યો હતો.
સાપનાં બે કટકા કર્યા
શેરુ-કોકો અને સાપ વચ્ચેની લડાઈ આશરે 2 કલાક સુધી ચાલુ રહી. બંને શ્વાને સાપના બે કટકા કરી દીધા. પણ લડાઈ વખતે સાપે શેરુ અને કોકોને ઘણા ડંખ માર્યા હતા આથી થોડીવાર પછી બંને પાલતું શ્વાન મૃત્યુ પામ્યા.
‘શેરુ અને કોકોની હંમેશાં યાદ આવશે’
ડૉ. રાજન અને તેના પરિવાર સાથે વર્ષોથી શેરુ અને કોકો રહેતા હતા. બંને શ્વાને તેના માલિક અને પરિવારનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો. ડૉ. રાજને કહ્યું, શેરુ અને કોકો અમારી સાથે નથી એ વાતનો હજુ પણ વિશ્વાસ થતો નથી. અમને બચાવવા માટે બંનેએ તેમના જીવ હોમી દીધા. અમે તેમનું બલિદાન ક્યારેય નહીં ભૂલીએ. અશ્રુભીની આંખે પરિવારે શેરુ અને કોકોને અંતિમ વિદાય સોમવારે આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.