પાકિસ્તાનમાં ટ્રાન્સવુમનને પ્રેમીએ જ ગોળી મારી:ઉધારના 8 લાખ માગ્યા તો હત્યા કરી નાખી, એકતરફી પ્રેમમાં કેટલીયે ટ્રાન્સજેન્ડરોની હત્યા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં ટ્રાન્સજેન્ડરને નોર્મલાઇઝ કરતી હિન્દી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’એ ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ ફિલ્મ કરતાં વાસ્તવિકતા કઈ હદે અલગ અને વરવી હોય છે, તેનો ચિતાર પાકિસ્તાનથી મળી રહ્યો છે. પાકિસ્તાનના પખ્તુન્ખ્વા પ્રાંતમાં એક ટ્રાન્સ મહિલાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. માનો નામની આ ટ્રાન્સવુમન પોતાની આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતી. તેના માટે પૈસા કમાવાનો એકમાત્ર રસ્તો હતો, લગ્ન. પ્રોબ્લેમ એ હતો કે રમજાન મહિનામાં લગનગાળો હોતો નથી, અને તેમાં શગુન તરીકે આ ટ્રાન્સવુમનને કિન્નર તરીકે પૈસા મળતા બંધ થઈ ગયેલા.

આ ટ્રાન્સવુમને 8 લાખ રૂપિયા ઉધાર આપેલા
આ ટ્રાન્સવુમનને એક પ્રેમી હતો, જેને એણે 8 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ઉધાર આપી હતી. હવે તે પૈસા પરત આપવા માટે તેનો પ્રેમી ગલ્લાં તલ્લાં કરી રહ્યો હતો. માનોની આર્થિક સ્થિતિ ખરેખર બગડી ત્યારે તે પોતાના પૈસા પાછા માગવા માટે મોહલ્લા જંગી વિસ્તારમાં આવેલા પ્રેમીના પ્રિન્ટિંગ પ્રેસ પર પહોંચી. પરંતુ તેના સનાઉલ્લાહ નામના તેના પ્રેમીએ પૈસા આપવાની ઘસીને ના પાડી દીધી. પરંતુ માનોએ જિદ્દ પકડી કે જ્યાં સુધી પૈસા નહીં મળે, ત્યાં સુધી તે ત્યાંથી ખસવાની નથી. વાત એવી વણસી કે તેના પ્રેમીએ માનોની છાતીમાં પિસ્તોલથી ગોળી ધરબી દીધી અને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો.

પરિવારે મૃતદેહ લેવાની ના પાડી દીધી
ટ્રાન્સજેન્ડર મહિલા માનોનો પરિવાર ત્યાંના મલકંદના બટખેલા વિસ્તારમાં રહે છે. આ સમાચાર મળ્યા પછી તેમણે પોતાના જ સંતાનનો મૃતદેહ લેવાની ના પાડી દીધી. તેના અંતિમસંસ્કારની જવાબદારી પણ ત્યાંના ટ્રાન્સજેન્ડર સમુદાય પર આવી પડી. તે સમુદાયના અધ્યક્ષ આરઝૂ ખાને પાકિસ્તાનના એક અખબારને જણાવ્યું કે માનોના પરિવારે તો તેના અંતિમસંસ્કારનો પણ બહિષ્કાર કરેલો. એમણે ચોખ્ખું કહી દીધું કે એ જીવે કે મરે એમને તેનાથી કશો જ ફરક પડતો નથી.

મચ્છરની જેમ મરે છે ટ્રાન્સજેન્ડરો
ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં ટ્રાન્સજેન્ડરોની હત્યાના સમાચારો છાશવારે આવતા રહે છે. આંકડા કહે છે કે 2015થી અત્યાર સુધીમાં 70થી વધુ ટ્રાન્સજેન્ડરોની હત્યા થઈ ગઈ છે. માનોની હત્યા થઈ એ જ અઠવાડિયામાં ત્રણ ટ્રાન્સજેન્ડરોનાં મર્ડર થયાં હતાં. 17 માર્ચે મર્દન વિસ્તારમાં ચાંદ નામની અન્ય એક ટ્રાન્સ મહિલાની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તેમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ પણ થયેલો. આ હત્યાનો આરોપી ઓસામા નામનો એક શખ્સ હતો.

અન્ય સમાચારો પણ છે...