ઘણા લોકોને રાતે ઊંઘમાં દાંત પીસવાની ટેવ હોય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો આ કોઈ આદત નથી, પરંતુ બીમારી છે, જેને મેડિકલની ભાષામાં બ્રુક્સિઝમ કહેવામાં આવે છે. દાંત પીસવાનું સૌથી મોટું કારણ છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. આ બીમારીથી વિશ્વના 5 પૈકી 1 લોકો પીડાઈ રહ્યા છે. ઓર્થોપેડિક ડૉક્ટર અજય સિંહ જણાવે છે કે આ બીમારીને કારણે ઊંઘ પર અસર થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને દાંતની એકબીજા સાથે ટક્કર થવાને કારણે દાંતના દુખાવા અને સેન્સિટિવિટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
તો આ બીમારી પાછળનું મુખ્ય કારણ વધુ પડતી ચા-કોફી છે. આ સિવાય તણાવ, થાક, પૂરતી ઊંઘ ન થવી અને ગુસ્સો પણ બ્રુક્સિઝમનું કારણ બની શકે છે.
બ્રુક્સિઝમનાં લક્ષણો
બ્રુક્સિઝમને કારણે મોંના સ્નાયુઓ અને પેઢામાં દુખાવો થાય છે. સવારે તમે જાગતાંની સાથે જ માથામાં પણ થોડો દુખાવો થાય છે. જડબાં ચોંટેલા લાગે છે, દાંત સંવેદનશીલ બની જાય છે, જેને કારણે ઘણા લોકોને તણાવ, થાક, ગુસ્સો જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
દિવસમાં 7થી 8 કલાક ઊંઘ જરૂરી છે
બ્રુક્સિઝમથી બચવા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઊંઘ પૂરી કરવી જોઈએ. દિવસની 7થી 8 કલાકની ઊંઘ ફરજિયાત કરો, જેનાથી જડબાંના સ્નાયુઓને આરામ મળશે. બ્રુક્સિઝમ ધરાવતા દર્દીઓએ સૂતી વખતે ટીવી અથવા મોબાઇલનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તો જે લોકોને વધુ ચા અને કોફી પીવાની આદત હોય તો તેમણે કંટ્રોલ કરવું જોઈએ. જો શક્ય હોય તો માઉથ ગાર્ડ અથવા બાઇટ ગાર્ડનો ઉપયોગ કરો અને ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.
જો વધુ દુખાવો થતો હોય તો મેગ્નેશિયમ સ્પ્રે અથવા લોશન સીધાં પેઢાં પર લગાવો અથવા મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ લો. એવોકાડો, કેળાં, ડાર્ક ચોકલેટ, ટોફુ, ડ્રાયફ્રૂટ્સમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમે ઇચ્છો એને ડાયટમાં સામેલ કરી શકો છો.
જો તમે બ્રુક્સિઝમથી પીડાતા હોવ તો હીટિંગ પેડનો ઉપયોગ રહેશે બેસ્ટ
જો તમે તમારી ઊંઘમાં દાંત પીસવાથી પરેશાન છો, તો હીટિંગ પેડનો ઉપયોગ કરો. બેડ પર આરામથી સૂઈ જાઓ અને ચહેરાની બંને બાજુએ હીટિંગ પેડને 10થી 15 મિનિટ સુધી પકડી રાખો, જે તમારા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરશે અને સ્નાયુઓને આરામ આપશે. હીટિંગ પેડ લગાવવાથી દાંત પીસવાની પ્રક્રિયામાં ઘટાડો થાય છે.
હળદરનું દૂધ અને હર્બલ ચા પીવો
હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેઢાંમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. હર્બલ ચા અથવા કેમોલી ચાનું સેવન કરવાથી તણાવ ઘટે છે, એથી સૂતાં પહેલાં રાત્રે 1 કપ હર્બલ અથવા ગ્રીન ટી જરૂર પીઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.