ઘરમાં પ્રાણીઓ અને પક્ષીઓ પાળવાનો શોખ એ કંઈ નવી વાત નથી, પરંતુ એક મહિલાએ પ્રાણીઓ સાથે વાત કરવા માટે પોતાની 60 લાખની નોકરી છોડી દીધી છે, જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો પણ આ હકીકત છે. અમેરિકાની એક યુવતીએ પ્રાણીઓ સાથે વાત કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. તેના માટે તે 1 કલાકના લગભગ 30 હજાર રૂપિયા લે છે અને પહેલા કરતાં વધારે કમાય છે.
પ્રાણીઓ પ્રત્યેના પ્રેમના કારણે નોકરી છોડી
અમેરિકાના ફિલાડેલ્ફિયાની રહેવાસી 33 વર્ષની નિક્કી વાસ્કોનેજો આ પહેલા એક ફૂલ ટાઈમ પ્રોપર્ટી લોયર હતી, પરંતુ તે કામમાં તેણે મજા નહોતી આવી રહી. તેથી તેણે પોતાની ડ્રીમ કરિયર animal psychic માટે જૂની નોકરી છોડી દીધી અને પ્રાણીઓ સાથે વાત કરવાની રીત શીખવા લાગી. તેના પછી પોતાની સર્વિસ વિશે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કર્યો. ટૂંક સમયમાં તેને એક જ વારમાં એક મહિનાનું બુકિંગ મળી ગયું.
પ્રાણીઓના ફોટો જોઈ વાતો કરે છે
નિક્કી, પ્રાણીઓના ફોટો જોઈ અને તેમને ટેલિપેથિક રીતે સવાલ પૂછી તેમની સાથે વાત કરવાનો દાવો કરે છે. જેના પછી તે પ્રાણીના માલિકને ફોન પર સંપૂર્ણ વાતચીત જણાવે છે. નિક્કીને પાલતુ પ્રાણીનું નામ, જેન્ડર અને ઘરના સભ્યોના નામ પહેલાથી જ આપવાના હોય છે. નિક્કી, હવે બીજા લોકોને પણ પોતાનું પેશન ફોલો કરવાની સલાહ આપે છે. તેનું કહેવું છે કે- હું એ કામ કરી રહી છું જે મને સૌથી વધુ પસંદ છે...અને આનાથી વધુ ખુશી મને ક્યારેય નહીં મળે.
વકીલાતથી પરેશાન થઈને લીધો નિર્ણય
નિક્કીએ એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું કે,- પહેલા (પ્રોપર્ટી લોયર)ના કામથી હું ઘણી પરેશાન રહેતી હતી. મારી નવી નોકરી વિશે મેં ઘણા ટોણા સાંભળ્યા છે. શરૂઆતના સમયમાં હું ફેમિલી અને મિત્રોના પાલતુ પ્રાણીઓ પર પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ જેવું મેં સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યું, મારા ફોલોવર્સ વધવા લાગ્યા. ટૂંક સમયમાં મને રિક્વેસ્ટ પણ આવવા લાગી.
નિક્કી પ્રાણીઓની પર્સનાલિટીના આધાર પર તેમની સાથે વાતચીત કરે છે. તેનો દાવો છે કે તે મૃત પ્રાણીઓ સાથે વાત કરે છે. નિક્કીને તેના કામ માટે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો સંપર્ક કરે છે. તેમજ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેની મજાક પણ ઉડાવે છે અને લોકો તેને ફ્રોડ કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.