વૈજ્ઞાનિકોએ લોખંડ અને સ્ટીલ કરતાં પણ વધારે ધારદાર છરી લાકડાંમાંથી બનાવી છે. આ છરી સ્ટીલ કરતાં પણ 3ગણી વધારે ધારદાર છે. લાકડાંને ખાસ રીતે કોમ્પ્રેસ કરી તેને ડેવલપ કરવામાં આવી છે. આ છરી અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બનાવી છે. સંશોધકોનો દાવો છે કે આ લાકડાંની છરીથી નોનવેજ પણ માખણની જેમ કાપી શકાશે.
આ રીતે ડેવલપ થયું ચાકુ
આ ચાકુ બનાવવા માટે પહેલાં એક લાકડાંનો ટુકડો લેવામાં આવ્યો. તેને એક ખાસ કેમિકલમાં રાખ્યા બાદ કોમ્પ્રેસ કરવામાં આવે છે. આમ કર્યા બાદ પાણી અને ભેજ ગાયબ થઈ ગયા બાદ તે સખત બની જાય છે. આ લાકડાંમાંથી ચાકુ તૈયાર કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રીતે તૈયાર થતું લાકડું સામાન્ય લાકડાં કરતાં 23 ગણું વધારે મજબૂત છે. આ લાકડું પર્યાવરણને કોઈ પણ જાતનું નુક્સાન પહોંચાડતું નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલ સ્ટીલ અથવા સિરામિકમાંથી ચાકુ તૈયાર કરવામાં આવે છે. લાકડાંમાંથી પણ ચાકુ બની રહ્યાં છે જોકે તે એટલા મજબૂત નથી હોતા. નવી ટેક્નિકથી તૈયાર થયેલું આ ચાકુ ક્યારે માર્કેટમાં અવેલેબલ હશે તેના પર હજુ સસ્પેન્સ જ છે.
સંશોધક તેંગ લી જણાવે છે કે, લાકડાંમાં સેલ્યુલોઝ નામનું તત્વ જોવા મળે છે. લાકડું મજબૂત થવા પાછળનું કારણ આ સેલ્યુલોઝ જ હોય છે. તેને સિરામિક અને ધાતુની સરખામણીએ વધારે મજબૂત બનાવી શકાય છે, પરંતુ અત્યાર સુધી લાકડાંની આ ખાસિયતોનો ઉપયોગ કરાયો નથી.
લી જણાવે છે કે, લાકડાંમાં 40થી 50% સુધી સેલ્યુલોઝ હોય છે. અન્ય ભાગમાં હેમીસેલ્યુલોઝ અને લિગ્નિન હોય છે. આ તત્ત્વો ખુબ ઓછા સમયમાં નાશ પામે છે. લાકડાંના આવા નબળાં તત્ત્વોને દૂર કરવામાં આવ્યા અને સેલ્યુલોઝ સાથે ચેડાં કર્યા વગર તેને મજબૂત કરવામાં આવ્યું.
ડસ્ટ રેઝિસ્ટન્ટ
જર્નલ મેટરમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે આ ચાકુ ફક્ત ધારદાર જ નથી તે ડસ્ટ રેઝિસ્ટન્સ પણ છે. અર્થાત તેના ઉપર ધૂળ ચોંટતી નથી. તેથી ખાવાની વસ્તુ કાપતા સમયે સંક્રમણનું રિસ્ક ઓછું થાય છે. સામાન્ય છરીની જેમ તેની ધાર પણ શાર્પ બનાવી શકાય છે.
અત્યાર સુધી ચાકુ બનાવવા માટે માનવ નિર્મિત વસ્તુનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે કુદરતી રીતે મળતા લાકડાંમાંથી ચાકુ બનશે. તે નોનવેજ ફૂડ માટે ઉપયોગી સ્ટીક નાઈફની જેમ કામ કરે છે. તેના ઉપયોગ બાદ તેને ધોઈ પણ શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.