30 દિવસ 30 વાનગી:ઘરમાં આ રીતે બનાવો ભગવાન જગન્નાથનો ભોગ દાલમા, સ્ટેપ ટુ સ્ટેપ રેસિપી
તહેવારોમાં પૂજા-પાઠની સાથે-સાથે પકવાનોનું પણ વિશેષ મહત્ત્વ છે. આજથી શારદાકીય નવરાત્રિની સાથે-સાથે તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. આજથી 30 દિવસ સુધી દરરોજ તમને એક ભારતીય વાનગીની રેસિપી જણાવવામાં આવશે. આ માટે અલગ-અલગ રાજ્યોના જાણીતા શેફની એક ટીમ બનાવી છે, જેમાં '30 દિવસ 30 વાનગી'ની સિરીઝ અનુસાર આ જ અમે વાત ઓડિશાની ટ્રેડિશનલ ડિશ 'દાલમા'ની વાત કરીશું.
આવો... જાણીએ... આ વાનગી કેમ વિશિષ્ટ છે...
ઓડિશાના પુરીમન જગન્નાથ મંદિરનો છપનભોગ દેશ-વિદેશમાં જાણીતો છે.
ફૂડ એક્સપર્ટ પુષ્પેશ પંત જણાવે છે, હકીકતમાં આ ભોગની સંખ્યા છપ્પન કરતાં અનેક ગણી વધારે છે, કારણ કે તે ઋતુચક્ર અને તહેવારો પ્રમાણે વાનગીઓ બદલાય છે. સાત્ત્વિક અને પૌષ્ટિક વાનગીઓની પ્રકૃતિ લગભગ એક હજાર વર્ષથી બદલાઈ નથી. દાલમાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાળમાં ઉમેરવામાં આવતી મોસમી શાકભાજી અને ફળો એને વધારે સદાબહાર બનાવે છે અને એ ભગવાનને સમર્પિત આહારનો અભિન્ન ભાગ બની રહે છે.
ઓડિશાના ભુવનેશ્વરના કન્સલ્ટિંગ શેફ અપૂરબા રથ 'દાલમા' બનાવતા શીખવશે.
દાલમા બનાવવા માટે આ સામગ્રી જોઈશે...
- અડદ/ તુવેર દાળ- 1 કપ
- સુધારેલી શાકભાજી
- જિમી કંદ : 1/2 કપ
- કદ્દુ : 1/2 કપ
- કાચાં કેળાં : 1/2 કપ
- પરવળ/ દૂધી : 1/2 કપ
- રીંગણાં : 1/2 કપ
- સરગવો : 1/2 કપ
- કઠોળ : 1/2 કપ
- તમાલપત્ર : 2
- હળદર પાવડર : 1 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- છીણેલું નારિયેળ સ્વાદ માટે - 1/4 કપ
- પાણી - 4 કપ
- સૂકાં લાલ મરચાં : 4
- જીરું : 1 મોટો ચમચો
વઘાર માટે
- પંચ ફોરાન : 1 મોટો ચમચો
- ઘી : 2 મોટા ચમચા
- હિંગ : 1 ચપટી
- છીણેલું આદુ
ગાર્નિશિંગ માટે
લીલી કોથમીર
આ રહી બનાવવાની રીત
- દાળને ધોઈને ઓછામાં ઓછી 45 મિનિટ સુધી પલાળો.
- પછી બધી શાકભાજીને ધોઈને છોલી લો અને ક્યુબ્સમાં કાપી લો.
- શાકભાજીને મીઠું અને હળદરના પાણીમાં પલાળી રાખો.
- એક પેન ગરમ કરો, એમાં જીરું, 2 લાલ મરચાં નાખીને સૂકાં શેકી લો.
- મસાલો શેકાઈ જાય પછી એને ઠંડો થવા દો, પછી એને પીસીને બારીક પાઉડર બનાવી લો. હવે એને બાજુ પર રાખો.
- પ્રેશરકૂકરમાં દાળ, તમાલપત્ર, હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો. જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ તાપ પર પકાવો.
- કૂકર ઠંડું થાય પછી જ એને ખોલો.
- દાળ બરાબર રાંધેલી હોવી જોઈએ, પરંતુ શાકભાજી બહુ ન બફાઈ જાય એનું ધ્યાન રાખો.
- જો તમને લાગે કે મિશ્રણ ખૂબ સૂકું અથવા ઘટ્ટ છે, તો પાણી ઉમેરો.
- દાલમાના વાસણમાં તાજું છીણેલું નારિયેળ નાખો.
- પછી દાલમા પર તૈયાર શેકેલું જીરું અને લાલ મરચું પાઉડર નાખો
- એને ઢાંકીને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ઉકળવા દો.
- હવે વઘાર કરો. આ માટે ઘી, ઝીણું સમારેલું આદુ અને પંચ ફોરન ઉમેરો.
- પંચ ફોરનને સાંતળીને બાકીનાં લાલ મરચાં ઉમેરો અને એક ચપટી હિંગ ઉમેરો. આ વઘારને લગભગ 30 સેકન્ડ અથવા સુગંધ આવે ત્યાં સુધી પાકવા દો.
- બાફેલી દાળ અને શાકભાજીના મિશ્રણમાં ઘીનો વઘાર નાખો.
- દાળમાં સ્વાદ ઉમેરવા માટે તેને 3-4 મિનિટ ઢાંકીને રાખો.
- દાલમાને સમારેલી લીલી કોથમીરથી ગાર્નિશ કરો.
તો તૈયાર છે દાલમા
નોંધ: પંચ ફોરન આ 5 મસાલાનું મિશ્રણ છે. આ સામાન્ય રીતે ઉત્તર ભારતની રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જીરું, સરસવનાં બીજ, વરિયાળી, મેથી દાણા અને ડુંગળીનાં બીજ નાખવામાં આવે છે.