• Gujarati News
  • Lifestyle
  • This Gujarati Woman Candidate Has More Gold Than Rivaba Dheliben, Know Who Has How Much Gold And How Much Wealth?

ભાસ્કર રિસર્ચકઈ મહિલા છે સૌથી વધુ પૈસાદાર:રીવાબા-ઢેલીબેન કરતાં પણ આ ગુજરાતી મહિલા ઉમેદવાર પાસે છે સૌથી વધુ સોનું, જાણો કોની પાસે કેટલું સોનું ને કેટલી સંપત્તિ?

અમદાવાદ9 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરબહારમાં જામી છે. ઉમેદવારો તન-મન-ધનથી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક પરથી મુખ્ય ત્રણ પાર્ટી ભાજપ, કોંગ્રેસ તથા આપના ઉમેદવારે ફોર્મ ભરી દીધા છે. ત્રણેય પાર્ટી થઈને 37 મહિલા ઉમેદવાર થાય છે, જેમાં ભાજપની 17, કોંગ્રેસની 14 તથા આપની 6 મહિલાનો સમાવેશ થાય છે. મહિલા ઉમેદવાર પાસે પોતાનું તથા પરિવારનું થઈને કુલ કેટલું સોનું છે, કઈ લક્ઝુરિયસ કાર છે અને તેમની સંપત્તિ કેટલી છે, એ અંગે દિવ્ય ભાસ્કરે માઇક્રો એનાલિસિસ કર્યું છે.

ગુજરાતની કઈ મહિલા ઉમેદવાર પાસે સૌથી વધુ સોનું?
મહિલાઓને સૌથી વધુ પ્રિય સોનું હોય છે. આ વાત એફિડેવિટમાં પણ નજરે પડી હતી. સૌથી વધુ સોનું ધરાવતાં ટોપ 5 મહિલા ઉમેદવારમાં એક કોંગ્રેસનાં તથા ચાર ભાજપનાં છે. સૌથી વધારે સોનાની વાત કરીએ તો કોંગ્રેસના વડદોરા શહેરના સંયાજીગંજનાં મહિલા ઉમેદવાર અમી રાવત પાસે 230 તોલા સોનું છે. અમી રાવત 2017માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હવે ફરી એકવાર અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના પતિ નરેન્દ્ર રાવત પણ કોંગ્રેસી નેતા છે. રીવાબા જાડેજા માત્ર ગુજરાત નહીં, પરંતુ ભારતમાં પણ જાણીતા છે. રીવાબાના પતિ રવીન્દ્ર જાડેજા ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરફથી રમતા હોવાને કારણે રીવાબા દેશભરમાં લોકપ્રિય છે. રીવાબા પાસે 200 તોલા સોનું છે. રીવાબા જામનગર ઉત્તરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

ગાંધીનગર ઉત્તરનાં ભાજપનાં ઉમેદવાર રીટાબેન પટેલ ગાંધીનગરનાં પૂર્વ મેયર રહી ચૂક્યાં છે. રીટાબેન પાસે 101.34 તોલા સોનું છે. કુતિયાણા બેઠક પરથી ઢેલીબેન ઓડેદરા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઢેલીબેન પાસે 82 તોલા સોનું છે. કુતિયાણા નગરપાલિકાનાં 28 વર્ષથી પ્રમુખ રહેલાં ઢેલીબેન ઓડેદરાના પતિ માલ દે રામા કોન્ટ્રેક્ટનો ધંધો કરે છે. ડૉ. રાજુલબેન દેસાઈ પાટણથી ધારાસભ્યની ચૂંટણી ભાજપની ટિકિટ પરથી લડી રહ્યા છે. તેઓ બનાસકાંઠાની સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. 1978માં જન્મેલા ડૉ. રાજુલ દેસાઈએ લૉ વુમન ડેવલપમેન્ટ એન્ડ જેન્ડર ઇનઇક્વાલિટી સબ્જેક્ટ પર PhD કર્યું છે. રાજુલબેન પાસે 70 તોલા સોનું છે.

ભાજપ, કોંગ્રેસ તથા આપની 37 મહિલા ઉમેદવાર પાસે રહેલા કુલ સોનાનું ટોટલ મારવામાં આવે તો તે 1505.34 તોલા જેટલું થાય છે, જેમાં ભાજપની તમામ મહિલા ઉમેદવાર પાસે રહેલા સોનાનું ટોટલ મારવામાં આવે તો 810.34 તોલા થાય છે. એ જ રીતે કોંગ્રેસ પાસે 601 તથા આપ પાસે 94.5 તોલા છે. સૌથી ઓછું સોનું આપ તથા સૌથી વધારે ભાજપ પાસે છે. જો 1505.34 તોલા સોનાનો ભાવ ગણીએ તો એ 7,52,67000 (1505.34*50,000) રૂપિયા થવા જેટલું થાય છે.

કઈ મહિલા ઉમેદવાર પાસે કેટલું સોનું છે?

માત્ર રીવાબા પાસે જ ડાયમંડ જ્વેલરી
37 મહિલા ઉમેદવારમાંથી ડાયમંડ જ્વેલરીની વાત કરવામાં આવે તો માત્ર જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપની ચૂંટણી લડતા રીવાબા જાડેજા પાસે જ છે. તેમની પાસે 14,80,000 રૂપિયાની ડાયમંડ જ્વેલરી છે.

કોઈની પાસે આઠ લાખની તો કોઈની પાસે 3 લાખની ચાંદી

મહિલા ઉમેદવારમાંથી કઈ મહિલા ઉમેદવાર પાસે મોંઘી કાર?
વાત હવે જો કારની કરવામાં આવે તો કુલ 37 મહિલા ઉમેદવારમાંથી 16 મહિલા ઉમેદવાર (ભાજપની 7, કોંગ્રેસની 6 તથા આપની 3) પાસે પોતાની કાર નથી. લક્ઝુરિયસ કારની વાત કરીએ તો વડોદરાના માંજલપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડતાં ડૉ. તસ્વીન સિંહ પાસે મર્સિડીઝ છે. નવાઈની વાત એ છે કે 37 મહિલા ઉમેદવારમાંથી માત્ર ડૉ. તસ્વીન સિંહ એકમાત્ર મર્સિડીઝ ધરાવતાં મહિલા ઉમેદવાર છે. આ કારની કિંમત 33 લાખ રૂપિયા છે. તસ્વીન સિંહ NCP છોડીને હજી થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયાં છે. ભાજપની ટિકિટ પરથી સુરતની લિંબાયત બેઠક પરથી ચૂંટણી લડતાં સંગીતાબેન પાટીલ પાસે 27 લાખ 20 હજારની ઇનોવા ક્રિસ્ટા છે. સંગીતાબેન આ બેઠક પરથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યાં છે. અગાઉ 2012 તથા 2017માં તેઓ વિજેતા બન્યાં હતાં.

ભાજપના જ ગાંધીધામનાં મહિલા ઉમેદવાર માલતી મહેશ્વરી પાસે 24 લાખ 50 હજારની ઇનોવા છે. માલતીબેન 2012થી ભાજપનાં સક્રિય સભ્ય છે અને તેઓ આ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડી રહ્યાં છે. પાટણનાં ભાજપનાં મહિલા ઉમેદવાર ડૉ.રાજુલબેન પાસે 23 લાખ રૂપિયાની સફારી કાર છે. કોંગ્રેસની ટિકિટ પરથી સુરતના મહુઆમાં ચૂંટણી લડતા હેમાંગિનીબેન ગરાસિયા પાસે ફોર્ચ્યુનર છે.

કઈ મહિલા ઉમેદવાર પાસે કઈ કાર છે?

આ મહિલા ઉમેદવાર પાસે ટ્રક ને ટ્રેક્ટર છે

કોની પાસે સૌથી વધુ સંપત્તિ?
કુલ સંપત્તિની વાત કરીએ તો રીવાબા જાડેજા 97 કરોડ 35 લાખ સાથે ટોપ પર છે. ત્યાર બાદ મહુવા (સુરત)ના કોંગ્રેસનાં ઉમેદવાર હેમાંગિની ગરાસિયા 30 કરોડ 67 લાખ સાથે બીજા સ્થાને છે. LLB થયેલાં હેમાંગિનીબેન 2012માં અપક્ષ તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં. દેડિયાપાડાનાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે જેરમાબેન વસાવાની સંપત્તિ 67 કરોડ 21 લાખ રૂપિયા છે. આદિવાસી વિસ્તાર દેડિયાપાડામાં કોઈ મહિલા ઉમેદવારને કોંગ્રેસે પહેલી જ વાર વિધાનસભાની ટિકિટ આપી છે. ભાજપનાં રીટાબેન 20 કરોડ 74 લાખની સંપત્તિનાં માલિક છે. કોંગ્રેસના નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડતાં સોનલ પટેલે 9 લાખની જ્વેલરી સહિત 8.24 કરોડની મિલકત જાહેર કરી છે, જ્યારે સંયુક્ત કુટુંબ સાથે 10 કરોડની કુલ સંપત્તિ દર્શાવી છે. મહિલા ઉમેદવારના પરિવાર તથા તેમની પોતાની સ્થાવર તથા જંગમ સંપત્તિને એકસાથે ગણવામાં આવી છે.

કઈ મહિલા ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ?

નોંધઃ તમામ આંકડાકીય માહિતી ઍફિડેવિટ પ્રમાણે લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...