પગથી માથા સુધીની બીમારી લેમનગ્રાસથી દૂર થાય:આ ઘાસથી દૂર થશે અનેક બીમારીઓ, પરંતુ જો ધ્યાન રાખવામાં ન આવે તો નુકસાન થઈ શકે છે

13 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
 • કૉપી લિંક

લેમનગ્રાસનું નામ સાંભળતાં જ મગજમાં સૌથી પહેલા 'ઘાસ' શબ્દ આવી જાય છે, તમને એક મિનિટ માટે વિચાર આવ્યો જ હશે કે ઘાસ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે? તો એનો જવાબ છે હા, લેમનગ્રાસથી માથાથી લઈને પગ સુધીની અનેક બીમારીથી છુટકારો મળે છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો. આર.પી. પરાશર પાસેથી જાણીએ લેમનગ્રાસ શું છે અને એનાથી કયા કયા ફાયદાઓ થાય છે?

લેમનગ્રાસ શું છે?
લેમનગ્રાસ એક ઔષધીય છોડ છે, જે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ જોવા મળે છે. આ એક ઘાસ જેવું જ હોય છે, ફક્ત એની લંબાઈ સામાન્ય ઘાસ કરતાં વધુ હોય છે અને એમાંથી લીંબુ જેવી સુગંધ આવે છે અને લેમનગ્રાસનો ઉપયોગ મોટે ભાગે ચામાં આદુની જેમ કરવામાં આવે છે. આ ઉપરાંત લેમનગ્રાસ તેલનો ઉપયોગ પણ સદીઓથી દવા તરીકે કરવામાં આવે છે. એમાં લગભગ 75 ટકા સિટ્રલ જોવા મળે છે, જેને કારણે એની સુગંધ પણ લીંબુ જેવી હોય છે. લેમનગ્રાસ તેલનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ્સ અને પીણાંમાં પણ થાય છે.

લેમન ગ્રાસ છે મેડિકલ પ્રોપટી
લેમનગ્રાસમાં ઘણા ઔષધીય ગુણો છે, જેને કારણે એનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઈલાજ માટે કરવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, એમાં બેક્ટેરિયા સામે રક્ષણ આપવા માટે એન્ટી-બેક્ટેરિયલ, સોજો દૂર કરવા માટે એન્ટી- ઇન્ફ્લેમેટરી અને ફૂગથી રાહત આપવા માટે એન્ટી-ફંગલ ગુણ હોય છે. લેમનગ્રાસમાં જોવા મળતા આ તમામ ગુણોથી અનેક રોગ અને ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે.

આ રહ્યા લેમનગ્રાસના ફાયદાઓ

કોલેસ્ટેરોલ કંટ્રોલ કરે
જે લોકોને કોલેસ્ટેરોલની બીમારી છે તેમના માટે લેમનગ્રાસ રામબાણ ઈલાજ છે. આ અંગે બે અલગ અલગ સંશોધનો દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, લેમનગ્રાસના અર્કમાં હાઇપોકોલેસ્ટ્રોલેમિક અસર હોય છે, જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. એ જ સમયે આ સંદર્ભમાં NCBIની વેબસાઇટ પર પ્રકાશિત એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે લેમનગ્રાસ ઓઈલનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટેરોલને ઘટાડી શકાય છે.
પાચનની સમસ્યાથી મળશે છુટકારો
એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે લેમનગ્રાસનું સેવન અપચો, ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સાથે જ પાચન સુધારવામાં પણ મદદરૂપ છે. જો કોઈને પાચનની સમસ્યા હોય તો તે લેમન ગ્રાસ ટી અચૂક પી શકે છે.

કિડની માટે ફાયદાકારક
કિડનીને સ્વસ્થ રાખવા માટે લેમનગ્રાસ બહુ ફાયદાકારક છે. લેમનગ્રાસમાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે, તેથી લેમનગ્રાસનું સેવન કરવામાં આવે તો વારંવાર પેશાબ થઈ શકે છે, જે કિડની માટે બેસ્ટ માનવામાં આવે છે, જેને કારણે શરીરનાં ઝેરી તત્ત્વો પેશાબ દ્વારા બહાર આવી શકે છે, જે કિડની માટે ફાયદાકારક ગણાય છે. આ ઉપરાંત પથરીની દવાઓમાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે, જે કિડનીમાંની પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છે
લેમનગ્રાસ અને લેમનગ્રાસ ઓઈલમાં એન્ટી-કાર્સિનોજેનિક ગુણ હોય છે, જે કેન્સરના કોષોને મારીને કેન્સરનું જોખમ ઘટાડે છે. આ સિવાય લેમનગ્રાસ ટી કેન્સરના કોષોને ખતમ કરવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે કેન્સર એક અસાધ્ય રોગ છે, જેની ચોક્કસ સારવાર હજુ સુધી શોધાઈ નથી. આવી સ્થિતિમાં કેન્સરની સમસ્યામાં લેમનગ્રાસનો ઉપયોગ કરવા માટે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી સારવાર કરવી જોઈએ.

વજન ઓછું કરવા માટે પણ ફાયદાકારક
લેમનગ્રાસથી શરીર ડિટોક્સિફાય થાય છે અને પેશાબ દ્વારા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે. ડિટોક્સિફિકેશન વજન ઘટાડવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે
લેમનગ્રાસને લઈને કરવામાં આવેલા એક રિસર્ચમાં ખબર પડી છે કે લેમનગ્રાસમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન એ, બી અને સી હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. તો અન્ય એક સંશોધન અનુસાર, લેમનગ્રાસમાં રહેલાં એન્ટીઑકિસડન્ટ અસર રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. આ રીતે લેમનગ્રાસ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.

ઊંઘની સમસ્યા થશે દૂર
જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય અથવા બરાબર રીતે ઊંઘ ન આવતી હોય તો લેમનગ્રાસના તેલનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. જો તમે ઈચ્છો તો ડિફ્યુઝરમાં લેમનગ્રાસ ઓઈલના થોડાં ટીપાં નાખીને એરોમાથેરાપી પણ લઈ શકો છો.

સાંધાના દુખાવો કરશે દૂર
30થી 60 વર્ષની વયમાં સાંધાના દુખાવાની સમસ્યા થવી સામાન્ય છે. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં લેમનગ્રાસના તેલને આર્થરાઈટિસની સમસ્યામાં રાહત આપવા માટે ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. આ માટે લેમન ગ્રાસ તેલનાં થોડાં ટીપાંથી જે જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ લગાવો.

ડિપ્રેશન માટે પણ બેસ્ટ
ડિપ્રેશન સામે લડવામાં પણ લેમનગ્રાસના ફાયદા જોવા મળ્યા છે. લેમનગ્રાસમાં એન્ટી-ડિપ્રેસન્ટ એટલે કે ડિપ્રેશન ઘટાડવાના ગુણ હોય છે, જેને દૂર કરવાનું કામ કરે છે. આ સ્થિતિમાં જે લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા છે તેમણે લેમનગ્રાસ ટીનું સેવન કરવું જોઈએ.

આ સિવાય અનેક રીતે લેમનગ્રાસ ફાયદાકારક છે.
આવો... જાણીએ લેમનગ્રાસનો ઉપયોગ કેવી રીતે કરી શકાય

લેમનગ્રાસનો ઉપયોગ
લેમનગ્રાસની માત્ર સુગંધ જ નહીં, પણ એનો સ્વાદ પણ લીંબુ જેવો જ હોય છે. લેમનગ્રાસનો થાઈ અને કોન્ટિનેન્ટલ રસોઈમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. લેમનગ્રાસનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે, જેમ કે:

આ રીતે કરો ઉપયોગ

 • લેમનગ્રાસ ટીના ફાયદા માટે તમે એની ગ્રીન ટી જેવી ચા બનાવી શકો છો. એનો ઉપયોગ ચામાં આદુ/એલચીની જેમ પણ કરી શકાય છે.
 • ચિકન બનાવતી વખતે તમે થોડું લેમન ગ્રાસ ઉમેરી શકો છો.
 • ટોમેટો સૂપમાં પણ લેમનગ્રાસનો ઉપયોગ કરી શકાય છે.
 • તમે લેમનગ્રાસની પેસ્ટ બનાવીને એનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે કરી શકો છો.
 • જમવામાં લીંબુની છાલને બદલે લેમનગ્રાસનો ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગ કરવા માટે આ છે બેસ્ટ સમય

 • લેમનગ્રાસ ટી સવારે અને સાંજે પી શકાય છે.
 • એનો ઉપયોગ લંચ કે ડિનરમાં પણ કરી શકાય છે.

કેટલો ઉપયોગ કરવો જોઈએ

 • ચાને કડક બનાવવા માટે તમારી જરૂરિયાત અનુસાર, એક કે બે પાન લેમનગ્રાસના નાખી શકાય છે.
 • તમે રસોઈમાં સ્વાદ અનુસાર લેમન ગ્રાસનાં 8-10 પાંદડાં પણ ઉમેરી શકો છો, પરંતુ એનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ કરો.
 • ઉપયોગ કરતાં પહેલાં દાંડીના તળિયે રહેલા સૂકાં પાંદડાં દૂર કરો. લેમનગ્રાસનાં પાનનો ઉપયોગ ચા બનાવવા માટે અને અંદરનો પીળો ભાગ રસોઈમાં વાપરી શકાય છે.

તો આ થાય છે નુકસાન
જો થોડા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક છે, પરંતુ જો એનો વધુપડતો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન પણ થઇ શકે છે. સેન્સેટિવ લોકોને લેમનગ્રાસથી એલર્જી પણ થઇ શકે છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.