સોનાનો વડાપાંવ:દુબઈના આ રેસ્ટોરાંમાં 2000 રૂપિયામાં ‘ગોલ્ડ વડાપાંવ’ મળે છે, વડા પર 22 કેરેટના સોનાનો વરખ ચઢાવી પીરસાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો આ વડાપાંવ માત્ર રેસ્ટોરાંની અંદર જ ખાઈ શકે છે
  • વડાપાંવને સ્ટાઈલિસ્ટ વુડન બોક્સમાં સર્વ કરવામાં આવે છે

દુબઇમાં ‘ઓ'પાવ’ નામના રેસ્ટોરાંએ અત્યાર સુધી કોઈએ વિચાર્યા કે ખાધા ના હોય તેવા ગોલ્ડ વડાપાંવ બનાવ્યા છે. તેની કિંમત 2 હજાર રૂપિયા રાખી છે. રસપ્રદ વાત તો એ છે કે, ગ્રાહકો આ વડાપાંવ માત્ર રેસ્ટોરાંની અંદર જ ખાઈ શકે છે, બહાર લઇ જવાની અનુમતિ નથી. આ વડાપાંવને સ્ટાઈલિસ્ટ વુડન બોક્સમાં સર્વ કરવામાં આવે છે. બોક્સમાં ગોલ્ડ વડાપાંવ સાથે પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ અને મિંટ લેમોનેડ પણ આપવામાં આવે છે. વડાપાંવને હોમમેડ મિંટ મેયોનિઝ ડિપ સાથે સર્વ કરતા તેના ટેસ્ટમાં વધારો થઇ જાય છે.

વડા પર સોનાનો વરખ દેખાય છે
ગોલ્ડ વડાપાંવ બનાવવા માટે વડામાં ટ્રફલ બટર અને ચીઝનું મિશ્રણ ઉમેરવામાં આવે છે. એ પછી વડાને લિક્વિડ ગોલ્ડ અને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં તળવામાં આવે છે. તળાઈ ગયા પછી વડા પર સોનાનો વરખ દેખાય છે અને તેને પાવ વચ્ચે મૂકીને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે.

દુનિયાનું પ્રથમ 22 કેરેટનું ઓ'ગોલ્ડ વડાપાંવ
આ રેસ્ટોરાં અલગ-અલગ વડાપાંવ બનાવવા માટે ફેમસ છે. રેસ્ટોરાંએ સોશિયલ મીડિયા પર 1 સપ્ટેમ્બરના રોજ 22 કેરેટના વડાપાંવની પોસ્ટ શેર કરી હતી. કેપ્શનમાં લખ્યું, અમે દુનિયાનું પ્રથમ 22 કેરેટનું ઓ'ગોલ્ડ વડાપાંવ લોન્ચ કર્યું છે. કિંમત: 2000 રૂપિયા.

ડિશ વધારે આકર્ષક દેખાય તે માટે વુડન બોક્સમાં નાઇટ્રોજનનો ઉપયોગ કર્યો છે. આની પહેલાં પણ દુબઇમાં ઘણી ડિશમાં ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 24 કેરેટ ગોલ્ડના બર્ગર, આઈસ્ક્રીમ, બિરયાની, ફ્રેન્ચ ટોસ્ટ માર્કેટમાં આવી ચૂક્યા છે. રેસ્ટોરાંને આશા છે કે, તેમના ગોલ્ડ વડાપાંવ ગ્રાહકોને ચોક્કસથી ગમશે. સોનાના વડાપાંવનો વીડિયો જોઈને યુઝર્સે કમેન્ટનો ઢગલો કરી લીધો. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, આ વીડિયો જોઈને સોનાનાં વડાપાંવ ખાવાનું મન થઇ ગયું.

અન્ય સમાચારો પણ છે...