રવિન્દ્રનાથ ટાગોર જયંતી 2022:'બાર્ડ ઓફ બેંગાલ'ના આ 10 મૂલ્યવાન વિચારો બદલી નાખશે તમારું જીવન

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજે 7 મેના રોજ ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે. વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર, તત્ત્વચિંતક અને ભારતીય સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા છે, જેમણે બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાં તેમનો અતુલ્ય ફાળો આપ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર ઘણાં નામોથી પ્રખ્યાત છે - ગુરુદેવ, કબીગુરુ, બિસ્વકબિ (વિશ્વકવિ) અને ઘણીવાર 'બાર્ડ ઓફ બંગાલ' તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 7 મે, 1861ના રોજ કોલકાતામાં તેમના માતા-પિતા દેવેન્દ્રનાથ ટાગોર અને શારદા દેવીને ત્યાં થયો હતો.

રવિન્દ્રનાથ તેમનાં માતા-પિતાનું તેરમું સંતાન હતા. 8 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા લખી હતી, 16 વર્ષની ઉંમરે તેમણે વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું હતું. ટાગોરને પ્રકૃતિની નિકટતા ગમતી હતી. તેમનું માનવું હતું કે, વિદ્યાર્થીઓને પ્રકૃતિની હાજરીમાં શિક્ષણ મળવું જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે શાંતિનિકેતનની સ્થાપના કરી. વર્ષ 1913માં ગીતાંજલિ માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર ટાગોર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા.

રવિન્દ્રનાથ ટાગોરની 161મી જન્મ જયંતિ પર તેમના કેટલાક અમૂલ્ય વિચારો જાણીએ કે, જે તમારું જીવન બદલી શકે છે

 • તમે નદીની સામે ઉભા રહીને કે પછી તેને તાકતા રહો તો તેને પાર કરી શકતા નથી.
 • જો તમે બધી જ ભૂલોનાં દ્વાર બંધ કરી દેશો તો સત્ય સામે આવતું આપોઆપ બંધ થઈ જશે.
 • મિત્રતાની ઊંડાઈનો આધાર તેના પરિચયની લંબાઈ પર નથી હોતો.
 • હકીકતો તો ઘણી છે પણ સત્ય એક જ છે.
 • જે સ્પષ્ટ રીતે મનની પીડા કહી શકતો નથી તે વધુ ગુસ્સે થાય છે.
 • જેમ માળો સૂતેલા પક્ષીને આશ્રય આપે છે, તેવી જ રીતે મૌન રહેવું તમારા અવાજને આશ્રય આપે છે.
 • વિશ્વવિદ્યાલયો મહાપુરુષોના નિર્માણ માટેનાં કારખાનાં છે અને શિક્ષકો જ તે મહાપુરુષોનું નિર્માણ કરનાર કારીગરો છે.
 • ખુશ થવું ખૂબ જ સરળ છે, પરંતુ સરળ હોવું ખૂબ જ મુશ્કેલ છે.
 • ઉપદેશ આપવો સરળ છે, પરંતુ તેનો ઉપાય જણાવવો મુશ્કેલ છે.
 • પ્રેમ અધિકારનો દાવો નથી કરતો, પરંતુ સ્વતંત્રતા આપે છે.