તાજેતરમાં વેચાયેલા એક દુર્લભ ડાયમંડે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીનો રેકોર્ડ બનાવ્યો છે.15.81 કેરેટનો દુર્લભ પર્પલ પિંક ડાયમંડ હોંગકોંગમાં 29.3 મિલિયન ડોલર (લગભગ 218 કરોડ રૂપિયા)માં વેચાયો છે. આ પર્પલ-પિંક ડાયમંડનું નામ 'ધ સકુરા' છે. તેની હરાજી ક્રિસ્ટીઝ જ્વેલરી ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી હતી. તે ઉપરાંત આ ડાયમંડ એટલા માટે પણ ખાસ છે કેમ કે, તે અત્યાર સુધીનો સૌથી મોટો પર્પલ પિંક ડાયમંડ છે.
પ્લેટિનમ અને સોનાની રિંગમાં ફિટ કરીને હરાજી કરવામાં આવી
ડેઈલી મેઈલના અનુસાર, ક્રિસ્ટીઝ જ્વેલરી ડિપાર્ટમેન્ટના વિકી સેફે કહ્યું કે, અમે આજે જ્વેલરીની હરાજીના ઈતિહાસમાં એક વધુ મહત્ત્વપૂર્ણ અધ્યાય લખવાને લઈને ઘણા ઉત્સાહિત છીએ. આ ડાયમંડની હરાજી પ્લેટિનમ અને સોનાની રિંગમાં ફિટ કરીને કરવામાં આવી હતી. વિકી સેફના જણાવ્યા પ્રમાણે, હરાજી દરમિયાન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.
ધ સ્પિરિટ ઓફ રોઝનો રેકોર્ડ તોડ્યો
એક રિપોર્ટના અનુસાર, ગયા વર્ષે 196 કરોડ રૂપિયામાં 14.8 કેરેટના પર્પલ પિંક ડાયમંડ 'ધ સ્પિરિટ ઓફ રોઝ'ની હરાજી થઈ હતી, ત્યાર બાદ ધ સકુરા ડાયમંડના વજન અને હરાજીની કિંમતે તેનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિસ્ટીઝ જ્વેલરી ડિપાર્ટમેન્ટના અનુસાર, 'ધ સકુરા'ને એક એશિયાઈ ગ્રાહકે મોંઘી બોલી લગાવીને ખરીદ્યો છે. જો કે, ડાયમંડ ખરીદનાર અંગે વધુ માહિતી આપવામાં નથી આવી.
હીરામાં કોઈ ખામી નથી
ડાયમંડના કલર અને તેમાં કોઈ ખામી ન હોવાને કારણે તેને 'ફેન્સી વિવિડ' કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે, એવો ડાયમંડ જેની અંદર જો કોઈપણ ખામી હોય તો તેને માત્ર એક શક્તિશાળી માઈક્રોસ્કોપથી જોઈ શકાય છે. વિશ્વમાં માત્ર 1% ગુલાબી હીરા જ 10 કેરેટથી મોટા હોય છે અને તેમાંથી માત્ર 4%ને ફેન્સી વિવિડ ગ્રેડ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.