અંતરિક્ષમાં શાનદાર નજારાની સાથે સાથે હોટલની સુવિધાનો પણ આનંદ ઉઠાવવો એ સપનાંથી ઓછું નથી. અમેરિકન સ્પેસ કન્સ્ટ્રક્શન કંપની ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશન આ સપનાને સાકાર કરવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે 2025માં દુનિયાની પહેલી સ્પેસ હોટલ ખોલશે, એનું નામ પાયોનિયર સ્ટેશન રાખવામાં આવશે.
સ્પેસ હોટલ બનાવવાનો પ્રસ્તાવ સૌપ્રથમવાર વર્ષ 2019માં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોના અનુસાર, આ હોટલ એક ફરતા ટાયરના આકારની હશે, જે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવશે.
બીજી એક સ્પેસ હોટલ 2027માં ખૂલશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, પાયોનિયર સ્ટેશન સિવાય વોયેજર સ્ટેશન નામની પણ એક સ્પેસ હોટલ 2027માં ખોલવામાં આવશે. પાયોનિયરમાં 28 લોકો એકસાથે 2 અઠવાડિયાં માટે રહી શકે છે તેમજ વોયેજરની ક્ષમતા 400 લોકોની હશે.
હોટલમાં લક્ઝરી સુવિધા હશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, બંને સ્પેસ હોટલ લક્ઝરી હશે. અહીં મુસાફરોની સુવિધા માટે આર્ટિફિશિયલ ગ્રેવિટી પણ હશે, એટલે કે લોકો પૃથ્વીની જેમ સ્નાન, બેસવાનું, ચાલવું અને ખાવા જેવી નોર્મલ પ્રવૃતિ કરી શકશે. અત્યારે આ ટેક્નોલોજી અંતરિક્ષના કોઈપણ સ્પેસ સ્ટેશનમાં હાજર નથી.
ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશનના COO ટિમ અલ્ટોરેના જણાવ્યા પ્રમાણે, સ્પેસ ફેન્સ માટે આ એક સાયન્સ ફિક્શનના સપનાથી ઓછું નહીં હોય. સ્પેસ હોટલનું ઈન્ટીરિયર પૃથ્વીની લક્ઝરી હોટલ જેવું જ હશે. સ્પેસ હોટલમાં બાસ્કેટબોલ કોર્ટ, આલીશાન રૂમ, રેસ્ટોરાં અને બાર જેવી સુવિધાઓ આપવામાં આવશે.
સ્પેસ હોટલ માત્ર અમીર લોકો માટે જ નથી
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પેસ ટૂરિઝ્મ એક હોટ ટોપિક બની ગયો છે. અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન, રિચર્ડ બ્રેનસનની કંપની વર્જિન ગેલેક્ટિક અને ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ પહેલાંથી જ સામાન્ય લોકોને અંતરિક્ષની મુસાફરી કરાવી રહી છે. જોકે આ બધું તગડી કિંમતે થઈ રહ્યું છે.
અલ્ટોર કહે છે કે તેમનો પ્રયાસ સ્પેસ હોટલને સસ્તી બનાવવાનો રહેશે. અત્યારે અહીં રહેવાનો ખર્ચ કેટલો હશે, આ વિશે કંપનીએ કોઈ જાણકારી નથી આપી.
કંપનીનો હેતુ સ્પેસમાં બિઝનેસ પાર્ક બનાવવાનો
ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશનનો હેતુ અંતરિક્ષમાં બિઝનેસ પાર્ક બનાવવાનો છે. અહીં ઘરથી માંડી ઓફિસ હશે, સાથે જ પર્યટક પણ સ્પેસના નજારાનો આનંદ ઉઠાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.