કપરી મહેનત કરીને ગુજરાન ચલાવતું સ્કોટિશ ફેમિલી લોટરી જીતતા રાતોરાત કરોડપતિ બની ગયું. વેસ્ટ લોથિયાનમાં રહેતા કપલે થોડા દિવસ પહેલાં લોટરી ટિકિટ ખરીદી હતી. 28 જુલાઈએ તેમને ખબર પડી કે તેઓ 5,162,779 યુરો એટલે કે આશરે 53 કરોડ રૂપિયા જીતી ગયા છે. લોટરીના રૂપિયામાંથી આ કપલ તેમના દીકરા સાથે ન્યૂ યોર્ક અને ફ્લોરિડા જવાના પ્લાન બનાવી રહ્યા છે. આ કપલે ધ નેશનલ લોટરીમાંથી ટિકિટ ખરીદી હતી.
આ કપલે ટિકિટ લીધી ત્યારે તેમને કોઈ આશા નહોતી કે તેઓ વિનર બનશે
47 વર્ષીય પોલ ડ્રેક સુપર માર્કેટમાં કામ કરે છે અને તેની 47 વર્ષીય પત્ની લુઇસ નર્સ તરીકે ફરજ બજાવે છે. પોલ સવારે 4:30 વાગ્યે કામ પર જઈ રહ્યો હતો ત્યારે તેણે કારમાં તેની ટિકિટના નંબર ચેક કર્યા અને જોતાની સાથે તે ખુશ થઈ ગયો, તેણે લુઈસને ઉઠાડીને ગુડ ન્યૂઝ કહ્યા. આ કપલે ટિકિટ લીધી ત્યારે તેમને કોઈ આશા નહોતી કે તેઓ વિનર બનશે. નવાઈની વાત તો એ છે કે, કરોડો રૂપિયા મળ્યા હોવા છતાં લુઇસ તેનું નર્સ તરીકેનું કામ નહીં છોડે. તેઓ આ રૂપિયા બાળકોને ફરવા અને અભ્યાસ માટે વાપરશે. પોલને લક્ઝરી કારનો ઘણો શોખ છે. તે પોતાના માટે કાર લેવાનું વિચારી રહ્યો છે.
લોટરીએ મિડલ ક્લાસ પરિવારની લાઈફ બદલી દીધી
આ કપલે ઘર માટે લોન લીધી હતી. તેઓ લોટરીના રૂપિયામાંથી બધી લોન ચૂકવશે. 11 અને 15 વર્ષના દીકરાને ફરવાનો શોખ હોવાથી તેઓ અમેરિકા ફરવા જશે. હાલ લુઇસ નર્સનું કામ ચાલુ જ રાખશે ભવિષ્યમાં તેઓ ફરવા જશે. સવારે 4:30 વાગ્યે પોલને બૂમો પાડતા જોઇને લુઇસ ડરી ગઈ હતી. આ લોટરીએ મિડલ ક્લાસ ફેમિલીની લાઈફ ચેન્જ કરી દીધી.
પોલ ડ્રેકે કહ્યું, હું ઈમોશનલ વ્યક્તિ નથી પણ લોટરીની ખુશીમાં મારી આંખોમાંથી આંસુ છલકાય ગયા. હું કાર મૂકીને ઘરે ગયો અને લુઇસને ગુડ ન્યૂઝ આપ્યા. અમને બંનેને આ સપના જેવું લાગતું હતું પણ આ જ હકીકત હતી.
પતિ-પત્નીએ ગુજરાન ચલાવવા ખૂબ મહેનત કરી
છેલ્લા 18 મહિનાથી પોલ અને લુઇસ હાર્ડ વર્ક કરી રહ્યા છે. પોલે કહ્યું, મેં અને મારી પત્નીએ અત્યાર સુધી ઘણી મહેનત કરી. અમારા પેરેન્ટ્સે પણ ખૂબ મહેનત કરી હતી. આ રૂપિયાએ લાઈફ બદલી દીધી. હવે અમારે ગુજરાન ચલાવવા માટે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.