સુંદરતાનો લોહિયાળ મોહ:ઉંમર ઘટાડવા માટે ચહેરામાં લોહીનાં ઈન્જેક્શન લગાવવાનો ટ્રેન્ડ, પીરિયડ્સનાં લોહીનો પણ ઉપયોગ થાય છે

20 દિવસ પહેલા

આજકાલ તો સેલેબ્સ અને માર્કેટિંગ ઈન્ફ્લુએન્સનો જમાનો છે. તે જે કહી દે તે ચાહકો માટે ‘પથ્થરની લકીર’, તે જે કહે તે જ ફેશનનું સ્ટેટમેન્ટ. આજે એક એવા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ કે, જેનો જવાબ લગભગ દરેક મહિલા શોધતી હશે કે, એવું તો શું કરું કે મારો ચહેરો એકદમ રુપાળો અને પરફેક્ટ દેખાય? એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે, મહિલાઓ સુંદર દેખાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ભલે ચહેરા પર ગમે તેટલી દર્દનાક બ્યૂટી ટ્રીટમેન્ટ સહન કરવી પડે કે પછી પોતાના જ પીરિયડ્સનું લોહી ચહેરા પર કલાકો સુધી લગાવવું પડે. સુંદર દેખાવવાનાં મોહમાં મહિલાઓ કંઈપણ કરવા માટે તૈયાર થઈ જાય છે.

હાલ વેમ્પાયર ફેશિયલ નામની એક ટ્રીટમેન્ટ મહિલાઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે. છેલ્લા અમુક વર્ષોથી આ ટ્રીટમેન્ટનાં કારણે મળતી સુંદરતાની ચર્ચા આખા વિશ્વમાં છે. આ ટ્રીટમેન્ટને પ્લેટલેટ-રિચ-પ્લાઝમા (PRP) એટલે કે માઈક્રોનીડલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પીરિયડ્સ બ્લડનાં માસ્કનો હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો
છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક વિચિત્ર હેશટેગ #MenstrualMasking ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં મહિલાઓ પીરિયડ્સનાં લોહીને ચહેરા પર માસ્કની જેમ લગાવતી નજરે પડી. આ મહિલાઓનો દાવો છે કે, પીરિયડ્સનું લોહી ચહેરા પર લગાવવાથી સ્કિનનો ગ્લો એકાએક વધી જાય છે.

સેન્ટ્રલ અમેરિકા અને ફિલીપાઈન્સની બ્લોગરે સપોર્ટ કર્યો
સેન્ટ્રલ અમેરિકાની કોસ્ટારિકાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ડાયા ડેરયાએ #MenstrualMasking ને સપોર્ટ કર્યો. તેઓનું માનવું હતું કે, ચહેરા પર પીરિયડ્સનાં લોહીનો ઉપયોગ કરવામાં કોઈ જ વાંધો નથી કારણ કે, આ જ પીરિયડ્સનાં લોહીની વચ્ચે માતાનાં ગર્ભમાં બાળક ઉછરે છે. તેમાં સ્ટેમ સેલ્સ સહિત અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે, જે સ્કિન માટે લાભદાયી છે. ડેરયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો અને ટિકટોક પર તેઓને આ વીડિયોમાં હજારો વ્યૂઝ મળ્યા.

ફિલીપાઈન્સની સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર જિનટોંગ બથાલાએ ચહેરા પર પીરીયડ્સનું લોહી લગાવીને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો અને તેને યોગ્ય ગણાવ્યું. તેઓએ પોતાની ફોટો સાથે કેપ્શન લખ્યું કે, ‘સ્કિન કેર, વોમ્બ કેર, વુમન કેર, Ancestral Care’.

પીરિયડ્સનાં લોહીને ચહેરા પર લગાવવું કેટલું યોગ્ય અને સુરક્ષિત?
કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન ડૉ. પરાગ તેલંગ કહે છે કે, પીરિયડ્સનું લોહી ચહેરા પર લગાવવું હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી સ્કિનને કશો ફાયદો તો થતો જ નથી પરંતુ, તેનાથી તમારી સ્કિન ડેમેજ થઈ શકે છે અને સ્કિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

આ કોઈ સાયન્ટિફિક પ્રોસેસ નથી પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો ટ્રેન્ડ છે, જેના કારણે મોટાભાગનો યુવાવર્ગ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. મેન્સ્ટ્રુઅલ બ્લડ હાઈજેનિક હોતું નથી અને તેમાં કોઈ રિજનરેટિવ સેલ્સ પણ જોવા મળતા નથી. તેમાં સ્કિન લાઈનિંગનાં શેડ્સ અને ડેડ સેલ્સ હોય છે કે, જે સ્કિનને કોઈ જ ફાયદો પહોંચાડતા નથી.

વેમ્પાયર ફેશિયલ માટે લોહી શુદ્ધ હોવું જરુરી છે. આ ટ્રિટમેન્ટમાં શુદ્ધ લોહીને સ્કિનમાં દાખલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ ટ્રેન્ડની માફક ફક્ત સ્કિન પર લોહી લગાવવાથી કશો જ ફાયદો થતો નથી.

કિમ કાર્દશિયનની વેમ્પાયર ફેશિયલ સેલ્ફી વર્ષ 2013માં વાઈરલ થઈ
અમેરિકી મોડેલ કિમ કાર્દશિયનની વર્ષ 2013ની એક સેલ્ફી વાઈરલ થઈ, જે તેઓએ વેમ્પાયર ફેશિયલ પછી લીધી હતી. આજે 10 વર્ષ પછી પણ વેમ્પાયર ફેશિયલની લોકપ્રિયતામાં જરાપણ ઘટાડો થયો નથી.

કોસ્મેટોલોજિસ્ટ ડૉ. સીમા મલિક એ માને છે કે, વેમ્પાયર ફેશિયલથી ચહેરાનું કોલેજન લેવલ વધે છે, જેનાથી સ્કિનમાં ખેંચાણ મહેસૂસ થાય છે અને સ્કિનનો રંગ સુધરે છે. ઉંમરને કારણે થતાં હાઈપર પિગમેન્ટેશનને પણ સુધારે છે અને તમારી સ્કિન યુવાન બને છે. અહી સુધી કે, તમારી સ્કિનનાં ખીલ અને દાગ પણ દૂર થઈ જાય છે.

ટ્રીટમેન્ટની દર્દનાક રીતનાં કારણે નામ પડ્યું ‘વેમ્પાયર ફેશિયલ’
વેમ્પાયર ફેશિયલને સમજવા માટે માઈક્રોનીડલિંગની પ્રક્રિયાને તમારે યોગ્ય રીતે સમજવી પડશે. આ પ્રક્રિયામાં સ્કિનમાં બારિક નીડલ્સની મદદથી ‘માઈક્રો ઈન્જરીઝ’ કરવામાં આવે છે. સાંભળવામાં આ દર્દનાક લાગતી ટ્રિટમેન્ટ જ્યારે પૂરી થાય છે ત્યારે તે તમને અદ્દભૂત સૌંદર્યનાં માલિક બનાવે છે.

આ પ્રક્રિયામાં સ્કિનમાં બારીક ઘા પાડવામાં આવે છે, જે સ્કિનને ફાયદો પહોંચાડે છે. આ ઈજાઓ શરીરના ઘા રૂઝવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેના કારણે નવા કોલેજનનું ઉત્પાદન વધે છે અને તેના કારણે ત્વચાની સુંદરતા વધે છે.

વેમ્પાયર ફેશિયલ ચહેરાની સ્કિનનું કોલેજન વધારે છે
વેમ્પાયર ફેશિયલમાં ચહેરાની સ્કિનમાં પંચર પાડવામાં આવે છે. તે પછી તમારા શરીરમાંથી લોહી લેવામાં આવે છે. તેમાં પ્રોસેસ કરીને મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા પ્લાઝ્મા અને પ્લેટલેટ્સને અલગ કરવામાં આવે છે. આ બ્લડ સેલ્સમાં નવા કોષો વધારવાની ક્ષમતા હોય છે. આ બ્લડ પ્લેટલેટ્સને ચહેરાની સ્કિનમાં પાછા મૂકવામાં આવે છે. આ પ્લેટલેટ-રીચ પ્લાઝ્માને ‘PRP ટ્રીટમેન્ટ’ કહેવામાં આવે છે. આ PRPને માઇક્રોનીડલિંગ દ્વારા સ્કિન પર રચાયેલા માઇક્રો-ઈન્જરીઝની ઉપલી સપાટી પર લગાવવામાં આવે છે, જેથી કોલેજનની પ્રક્રિયા ઝડપી બને છે. આ ‘વેમ્પાયર ફેશિયલ’ ઉર્ફે PRP માઇક્રો-નીડલિંગ ટ્રીટમેન્ટ કોલેજનનું ઉત્પાદન વધારે છે અને સ્કિનને યુવાન અને તેજસ્વી બનાવે છે, ચહેરાનાં ડાઘથી છુટકારો મળે છે અને હાયપર પિગમેન્ટેશન હળવું બને છે. સ્કિનમાં ટાઈટનેસ આવે છે.

વેમ્પાયર ફેશિયલ કર્યાનાં 1 અઠવાડિયા પછી ચહેરો ઠીક થઈ જાય છે
ચહેરાની સ્કિનને સામાન્ય થવામાં 1 અઠવાડિયાનો સમય લાગે છે. જેના કારણે સ્કિન એકદમ ચમકદાર બની જાય છે અને તમારા ચહેરા પર નમી અને ફ્રેશનેસ દેખાઈ છે પણ આ પરિણામ તમને રાતોરાત મળી શકતા નથી. ટ્રીટમેન્ટ પછી તમારો ચહેરો એકદમ લાલ થઈ જાય છે. ધીમે-ધીમે આ લાલાશ ઘટતી જાય છે અને ચહેરા પર એક ગુલાબી નિખાર આવે છે. ચહેરા પર એક અલગ જ ખેંચાણ મહેસૂસ થાય છે અને બીજા દિવસે તમારો ચહેરો એકદમ સામાન્ય દેખાવા લાગે છે.

કેટલી મોટી નીડલ્સ હતી અને કેટલું પ્રેશર? તેના પર રિકવરી આધાર રાખે છે
કોસ્મેટોલોજિસ્ટ ડૉ. સીમા મલિક કહે છે કે, અમુક દિવસો સુધી ચહેરા પર લાલાશ દેખાય છે પણ તે તુરંત જ ઠીક થઈ જાય છે. સ્કિન પર પાડવામાં આવેલા ઘા ને રુઝતા કેટલો સમય લાગે છે? તે વિશે વાત કરતાં ડૉ. સીમા કહે છે કે, તે એ વાત પર આધાર રાખે છે કે, ટ્રીટમેન્ટ સમયે ઉપયોગમાં લીધેલી નીડલ્સ કેટલી લાંબી હતી? તેનું પ્રેશર કેટલું હતું? જો સ્કિનને વધુ પડતી રિપેર કરવાની જરુરિયાત પડે તો લાંબી નીડલ્સ અને વધુ પડતા પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે.

એવામાં સ્કિનને સામાન્ય સ્થિતિમાં આવતા 5-7 દિવસનો સમય લાગી શકે છે. સ્પષ્ટ વાત કરીએ તો સ્કિનને સામાન્ય સ્થિતિમાં આવતા 1 અઠવાડિયાનો સમય લાગી શકે છે.

6 મહિનાથી 1 વર્ષ સુધી ટકે છે વેમ્પાયર ફેશિયલની અસર
વેમ્પાયર ફેશિયલ ચહેરા પર કેટલા દિવસ ટકશે? તેના પર ડૉ. પરાગ તેલંગ કહે છે કે, તેને ક્વિક ફિક્સ બ્યુટી ટ્રીટમેન્ટ તરીકે ન લો. કોલેજન સ્ટુમિલેટ થાય છે, તેનું રિમોડલિંગ થાય છે અને પોતાનાં વાસ્તવિક સ્વરુપમાં આવતા તેને 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગે છે. વાસ્તવિકતા એ છે કે, તમે તમારા શરીરને વૃદ્ધત્વથી દૂર રાખવા માગો છો અને તેના માટે સમય લાગે છે.

મહિલાની સ્કિન જોઈને જ ટ્રીટમેન્ટ નક્કી થાય છે
જો તમારી ઉંમર 30 વર્ષની આસપાસ હોય અને ચહેરા પર ખીલનાં કોઇ નિશાન ન હોય તો વર્ષમાં એક વખત ‘વેમ્પાયર ફેશિયલ’ પૂરતું છે. જો ચહેરા પર ખીલનાં ઊંડા નિશાન હોય તો દર મહિને એક એમ નિરંતર ત્રણ મહિના સુધી આ ટ્રીટમેન્ટ જરૂરી છે. ડૉ. પરાગ કહે છે કે, આ એક એવી ટ્રીટમેન્ટ છે કે, જે મહિલાની સ્કિન જોઈને જ નક્કી કરી શકાય છે.

વેમ્પાયર ફેશિયલ કર્યાનાં 48-72 કલાક સુધી સાવચેતી રાખવી જરુરી
ડૉ. સીમા કહે છે કે, માઈક્રોનીડલિંગ ટ્રીટમેન્ટ પછી સ્કિન એકદમ ખુલી જાય છે એટલા માટે ચહેરા પર 48-72 કલાક સુધી કંઈપણ ન લગાવો અને તડકામાં ન નીકળો. બહાર નીકળો છો તો સનસ્ક્રિન લગાવો. તેજ ખુશ્બુવાળી કોઈપણ મોઈશ્ચરાઈઝિંગ ક્રિમ ન લગાવો, સ્કિન પર મેકઅપ ન કરો. સ્કિન ડ્રાય લાગે તો વેસલિનની પાતળી લેયર જરુર લગાવો.

વેમ્પાયર ફેશિયલનો ખર્ચ 7-9 હજાર રૂપિયા સુધી થાય છે
કોસ્મેટિક સર્જનોના જણાવ્યા અનુસાર વેમ્પાયર ફેશિયલ સસ્તા નથી હોતા. આ સાથે જ એ પણ ધ્યાન રાખો કે, બ્યુટી ટ્રીટમેન્ટમાં મોલભાવ કરવો યોગ્ય નથી. જ્યારે શરીરનાં એક ભાગમાંથી લોહી કાઢીને બીજી જગ્યાએ દાખલ કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે, આ સારવાર ફક્ત નિષ્ણાત કોસ્મેટોલોજિસ્ટની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. જો તમને સોય લગાવવાથી ડર લાગતો હોય તો વેમ્પાયર ફેશિયલ તમારા માટે નથી. તેમાં અંદાજે 10 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે.

કરચલીઓ દૂર કરવા માટે પણ વેમ્પાયર ફેશિયલ લોકપ્રિય બન્યું
ડૉ. પરાગ કહે છે કે, વેમ્પાયર ફેશિયલ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મહિલાઓ વૃદ્ધાવસ્થામાં યુવાન દેખાવા માટે આ ફેશિયલ કરાવે છે. લોકો નિયમિત રીતે આ સારવાર લેવા માટે તેમની પાસે આવે છે. ફક્ત ફેશિયલ જ નહીં, વાળ ખરવાથી બચવા માટે પણ આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

લોકો હવે તેમના દેખાવ અને સ્કિન પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. ફક્ત મહિલાઓ જ નહીં, પુરુષો પણ વેમ્પાયર ફેશિયલ કરીને પોતાની ઉંમરથી નાની ઉંમરના દેખાવા માગે છે. આ ટેકનીકને PRP એટલે કે ‘પ્લેટલેટ રિચ પ્લાઝ્મા’ અને GFC એટલે કે ‘ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ’ કહેવામાં આવે છે.