રેલવેએ 'બેબી બર્થ'ની શરૂઆત કરી:ટ્રેનમાં નાનકડાં બાળકોને સૂવા માટે સીટ હશે, પડવાનો ભય નહીં રહે

9 દિવસ પહેલા

જ્યારે માતા તેનાં નાનાં બાળકોને લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનની સીટ એક માણસ માટે બરાબર હોય છે, પરંતુ જ્યારે માતા તેના બાળકને બાજુમાં સૂવડાવે છે ત્યારે ટ્રેનની સીટમાં જગ્યા રહેતી નથી. તો આ સાથે જ બાળકને કોર્નર પર સુવડાવાથી પડી જવાનું પણ જોખમ રહે છે. આ સ્થિતિમાં માતાઓએ જાગવું પડે છે.

હાલમાં ઇન્ડિયન રેલવે દ્વારા માતાઓની આ સમસ્યાને દૂર કરવા માટે 'બેબી બર્થ'ની શરૂઆત કરી છે. 'બેબી બર્થ' સીટ એટલે કે સીટની બહાર બાજુ એક નાની સીટ હશે, જેમાં બાળકોને સૂવડાવી શકાય.

દુનિયામાં બીજે ક્યાંય ના હોય, લોકો વખાણ કરે છે
અત્રે ઉલ્લેખનીય છે કે નાનાં બાળકો માટે માતાની બર્થ સાથે જોડાયેલા અલગ બર્થનો કોન્સેપ્ટ તદ્દન નવો છે. વિશ્વમાં આ પ્રકારની બેબી બર્થ બીજે ક્યાંય નથી. શરૂઆતમાં રેલવેએ ટેસ્ટિંગ તરીકે શરૂઆત કરી છે. જો તેને સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં તેને વધુ ટ્રેનોમાં લાવવામાં આવશે. બેબી બર્થને લોઅર બર્થમાં જોડવામાં આવશે.

રેલવેએ 'મધર્સ ડે'ના દિવસે આપી આ ગિફ્ટ, DRMએ ટ્વીટ કરીને આપી જાણકારી

રેલવેએ આ વિશેષ સુવિધા 'મધર્સ ડે'ના ખાસ દિવસે શરૂ કરી છે. ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનના DRMએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શરૂઆતમાં દિલ્હીથી લખનઉ જતી ટ્રેન લખનઉ મેલમાં આ સુવિધા આપવામાં આવી છે. 'બેબી બર્થ'માં સ્ટોપર પણ લગાવવામાં આવી છે, જેથી બાળકોને પડતા બચાવી શકાય. આ સીટને ઉપર-નીચે પણ કરી શકાય છે.

મહિલાઓ કહે છે, સાઈડમાં બાળકને સુવડાવવાથી ચોરી થવાનો રહે છે ભય
રેલવેના આ નિર્ણયને ઘણી મહિલાઓએ સારો ગણાવ્યો છે તો ઘણી મહિલાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એક યુઝરે લખ્યું હતું કે 'સામાન્ય રીતે મહિલાઓ તેમના બાળકને દીવાલ બાજુ સૂવડાવે છે. કોર્નર પર બાળકને સુવડાવવાથી ચોરાઈ જવાનો ભય રહેશે.'