મગજમાં રોબોટની એન્ટ્રી:સાઈઝ એટલી નાની છે કે ઈન્જેક્શન દ્વારા શરીરમાં પહોંચશે, માનસિક રોગોની સારવાર કરશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનસિક બીમારીઓના ઈલાજ માટે માનવીના મગજમાં રોબોટ મોકલવા એ કોઈ સાયન્સ ફિક્શન મૂવીની વાર્તા જેવું લાગે છે, પરંતુ USAના કેલિફોર્નિયામાં સ્થિત બાયોનૉટ લેબ્સ આ દ્રશ્યને વાસ્તવિક બનાવવા માટે કામ કરી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આગામી બે વર્ષમાં આ ટેક્નોલોજીનો લોકો પર ક્લિનિકલ ટ્રાયલ પણ કરવામાં આવશે.

ઈન્જેક્શન દ્વારા રોબોટ મોકલવામાં આવશે
આ માઇક્રોરોબોટ્સ બુલેટ જેવાં આકારના નાનકડાં એવાં ધાતુના સિલિન્ડરો છે, જે પહેલેથી નિશ્ચિત કરેલા પ્રોગ્રામને અનુસરે છે. બાયોનૉટ લેબ્સના CEO માઈકલ શ્પિગેલમેકરના જણાવ્યા મુજબ આ રોબોટ એટલાં નાના છે કે, તેને ઈન્જેક્શનની મદદથી માનવ શરીરમાં દાખલ કરી શકાય છે. આ પછી તેને ચુંબકની મદદથી મગજ તરફ માર્ગદર્શન આપી શકાય છે. માઈકલ કહે છે કે, માઈક્રોરોબોટ્સનું શ્રેષ્ઠ ઉદાહરણ 1966ની ફિલ્મ ફેન્ટાસ્ટિક વોયેજ છે, જેમાં મગજની અંદરના ભાગમાં જામી ગયેલાં લોહીને ફરી કાર્યરત કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ માઇક્રોસ્કોપિક સ્પેસશીપમાં પ્રવાસ કરે છે.

માઇક્રોરોબોટ્સ કેવી રીતે કામ કરે છે?
બાયોનૉટ લેબ્સે જર્મનીની મેક્સ પ્લાન્ક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આ રોબોટ્સ તૈયાર કર્યા છે. રોબોટ્સને મગજમાં મોકલવા માટે તેમણે અલ્ટ્રાસોનિક અથવા ઓપ્ટિકલ ઊર્જાને બદલે ચુંબકીય ઊર્જાનો ઉપયોગ કર્યો, કારણકે તે શરીરને નુકસાન કરતું નથી. આ મૅગ્નેટિક કોઈલ દર્દીના માથા પર મુકવામાં આવી હતી અને તેને કોમ્પ્યુટર સાથે જોડવામાં આવી હતી.તેની મદદથી રોબોટ્સને યોગ્ય દિશામાં ખસેડી શકાય છે અને મગજના અસરગ્રસ્ત ભાગને ઠીક કરી શકાય છે.આ આખું ડીવાઈસ સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તે MRI સ્કેન કરતાં 10 થી 100 ગણી ઓછી વીજળી વાપરે છે.

માઈક્રોરોબોટ જટિલ બીમારીઓનો ઈલાજ કરશે
ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ મુજબ માઈક્રોરોબોટ્સ ડેન્ડી-વોકર સિન્ડ્રોમનો ઈલાજ કરી શકશે. આ એક જન્મજાત રોગ છે, જેના કારણે મગજની અંદર પ્રવાહી ભરાવા લાગે છે અને ગોલ્ફ બોલના કદ સુધીના સિસ્ટ્સ પણ વધવા લાગે છે. આના કારણે મગજ પર દબાણ વધે છે અને મન અને શરીર વચ્ચે સંતુલન નથી બેસી શકતું. માઈક્રોરોબોટ્સનો ઉપયોગ મગજમાં કેન્સરની ગાંઠો, એપીલેપ્સી, પાર્કિન્સન રોગ અને સ્ટ્રોકની સારવાર માટે પણ થઈ શકે છે.

પ્રાણીઓ પર ટ્રાયલ
માઈકલનું કહેવું છે કે, તેમની કંપનીએ આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘેટાં અને ડુક્કર જેવા મોટા પ્રાણીઓ પર કર્યો છે.ટ્રાયલ પરિણામો દર્શાવે છે કે, આ ટેક્નોલોજી મનુષ્યો માટે પણ સલામત છે. બાયોનૉટ લેબ્સને ગયા વર્ષે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી મંજૂરી મળી હતી.