તેલંગાણાની એક હોસ્પિટલમાં થયેલી સર્જરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ડૉક્ટર્સે એક 50 વર્ષની વ્યક્તિના પેટમાંથી અધધધ 156 કિડની સ્ટોન (પથરી) બહાર કાઢ્યા છે. આટલી મોટી સર્જરી ડૉક્ટરે માત્ર લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીથી કરી કાઢી.
156 પથરી હોવા છતાં કોઈ પણ લક્ષણો નહિ
આ સર્જરી તેલંગાણાની પ્રીતિ યુરોલોજી એન્ડ કિડની હોસ્પિટલાં થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ દર્દી છેલ્લાં 2 વર્ષથી આ પથરીઓ પેટમાં લઈને ફરતો હતો નવાઈની વાત એ છે કે તેમ છતાં તે એકદમ સ્વસ્થ હતો. પથરીના દુખાવાના તેને કોઈ લક્ષણો જ નહોતા.
એક દિવસ આ દર્દીને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો. નવેમ્બર મહિનામાં થયેલાં તેના ફુલ બોડી ચેકઅપમાં બહાર આવ્યું કે આ વ્યક્તિ તેના પેટમાં 156 પથરી લઈને ફરે છે.
3 કલાક સુધી સર્જરી ચાલી
હોસ્પિટલના કુશળ ડૉક્ટરે 156 પથરી કાઢવા માટે કોઈ મોટી ચીરફાડ ન કરી. માત્ર નાનો કટ લગાવી લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીથી આ તમામ પથરી બહાર કાઢી. સર્જરી બાદ દર્દીની હાલત સ્વસ્થ છે.
દર્દી કિડનીની બીમારીથી પીડિત
રિપોર્ટ પ્રમાણે આ દર્દી કર્ણાટકના હુબલીની એક સ્કૂલમાં શિક્ષક છે. તેને એક્ટોપિક કિડનીની બીમારી છે. તેની કિડની મૂત્રાશયના માર્ગની સામાન્ય સ્થિતિને બદલે પેટ બાજુ આવેલી હતી. તેથી આ દર્દીની સર્જરી કરી પથરી કાઢવું મુશ્કેલ કામ હતું. તેમ છતાં પેટ ચીર્યા વગર આ સર્જરી સફળ રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.