નાસાના મૂન મિશનનું લોન્ચિંગ ફરી ટળ્યું:રાત્રે 11:47 વાગ્યે ઉડાન ભરવાનું હતું રોકેટ, ટેકનિકલ ખામી હજુ સુધી દૂર નથી થઈ

એક મહિનો પહેલા

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પોતાના મૂન મિશન 'આર્ટેમિસ-1'નું લોન્ચિંગ ફરી ટાળી દીધું છે. રોકેટને આજે એટલે કે 3 સપ્ટેમ્બરે રાત્રે 11:47 મિનિટે ઉડાન ભરવાનું હતું. આ નાસાનો બીજો પ્રયાસ હતો. 29 ઓગસ્ટે રોકેટના 4માંથી ત્રણ એન્જિનમાં આવેલી ટેકનિકલ ગડબડી અને ખરાબ હવામાનને કારણે તેનું લોન્ચ ટાળી દીધું હતું. રોકેટમાં ઈંધણ પહોંચાડનાર સિસ્ટમમાં ગડબડી હતી જેને દૂર કરવાના નાસાના પ્રયાસ કર્યા પરંતુ તેઓ તેમાં સફળ ન થયા. જે બાદ તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું છે. નવી તારીખની જાહેરાત હજુ સુધી થઈ નથી.

આર્ટેમિસ-1 મૂન મિશન શું છે?
અમેરિકા પોતાના મૂન મિશન આર્ટેમિસ દ્વારા 53 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ-1 આ દિશામાં પહેલું પગલું છે. આ મોટા મિશન માટે ટેસ્ટ ફ્લાઇટ છે, જેમાં કોઇ અવકાશયાત્રીઓને મોકલવામાં નહીં આવે. આ ઉડાન સાથે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય એ જાણવાનું છે કે, અવકાશયાત્રીઓ માટે ચંદ્રની આસપાસ યોગ્ય સ્થિતિ છે કે નહીં. વળી, અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી શકશે કે નહીં.

નાસાની સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સ્યુલ ચંદ્ર પર પહોંચશે. સામાન્ય રીતે અવકાશયાત્રીઓ ક્રૂ કેપ્સ્યુલમાં રહે છે, પરંતુ આ વખતે તે ખાલી રહેશે. આ મિશન 42 દિવસ 3 કલાક અને 20 મિનિટનું છે, ત્યારબાદ તે પૃથ્વી પર પરત ફરશે. આ સ્પેસક્રાફ્ટ કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરની મુસાફરી કરશે.

દાયકાઓથી નાસાનું ‘હ્યુમન મૂન મિશન’ વિલંબિત થઈ રહ્યું છે

  • SLS રોકેટનું નિર્માણ વર્ષ 2010માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સમયે તે 'નક્ષત્ર કાર્યક્રમ' દ્વારા અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા માગતા હતા, પરંતુ મિશનમાં અનેક વિલંબ બાદ સરકારે તેને રોકવાનો નિર્ણય કર્યો હતો.
  • પરંતુ અમેરિકી કોંગ્રેસના ઇરાદા અલગ હતા. તેમણે નાસા અધિકૃતતા અધિનિયમ 2010 પસાર કર્યો. આ અંતર્ગત નાસાને SLS રોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સ્યુલનું પ્લાનિંગ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું એટલે કે, હવે એજન્સી SLSમાં નક્ષત્ર કાર્યક્રમના ભાગો અને અન્ય અવકાશયાન પ્રણાલી 'સ્પેસ શટલ' નો પણ ઉપયોગ કરી શકે છે.
  • નાસાની નવી યોજના હેઠળ આ રોકેટને વર્ષ 2016માં લોન્ચ કરવાનું હતું. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વર્ષ 2017માં આર્ટેમિસ મિશનને સત્તાવાર નામ આપ્યું હતું. આ વિલંબ બાદ વર્ષ 2019માં નાસાના તત્કાલિન એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેનસ્ટાઇનને ખબર પડી કે, રોકેટ તૈયાર કરવામાં હજુ એક વર્ષનો સમય લાગશે.
  • આ વર્ષની શરૂઆતમાં એક સરકારી રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, નાસાના મિશનમાં વિલંબને કારણે સરકારને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. જોકે, ટ્રમ્પથી લઈને જો બાઈડન સુધી, દેશના તમામ રાષ્ટ્રપતિઓએ આર્ટેમિસ મિશનને સફળ બનાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.

આર્ટેમિસ-1 મિશનનું લક્ષ્ય શું છે?
આર્ટેમિસ-1 એક માનવરહિત મિશન છે. પહેલી ફ્લાઈટ સાથે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય એ જાણવાનું છે કે અંતરિક્ષયાત્રીઓ માટે ચંદ્ર પર અનૂકુળ વાતાવરણ છે કે નહીં અને સાથે જ શું ચંદ્ર પર ગયા પછી અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરી શકશે કે નહીં. નાસા મુજબ નવું સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ-કેપ્સ્યૂલ ચંદ્ર પર પહોચશે. સામાન્ય રીતે ક્રૂ-કેપ્સ્યૂલમાં અવકાશયાત્રીઓ રહે છે પણ આ વખતે એ ખાલી રહેશે. આ મિશન 6 અઠવાડિયાંનું છે, જે પછી 10 ઓક્ટોબરના રોજ કેપ્સ્યૂલ ધરતી પર પાછુ આવશે.

ત્રણ પોઈન્ટ્સમાં આખું આર્ટેમિસ મિશન સમજો...
1.
યુનિવર્સિટી ઑફ કોલોરાડો બોલ્ડરના પ્રોફેસર અને વૈજ્ઞાનિક જેક બર્ન્સનું કહેવું છે કે આર્ટેમિસ-1નું રોકેટ ‘હેવી લિફ્ટ’ છે અને એમાં અત્યારસુધીના રોકેટ્સની સાપેક્ષમાં શક્તિશાળી એન્જિન લગાવવામાં આવ્યું છે. એ ચંદ્ર સુધી જશે, અમુક નાના સેટેલાઈટ્સને એની ઓર્બિટમાં (કક્ષા)માં છોડશે અને પછી તે પણ ઓર્બિટમાં ગોઠવાઈ જશે
2. આ લોન્ચિંગના થોડા સમય પછી આર્ટેમિસ-2ને લોન્ચ કરવાનું આયોજન છે. એમાં અમુક અંતરિક્ષયાત્રીઓ પણ જશે, પણ એ ચંદ્ર પર પગ મૂકશે નહિ. તે ફક્ત ઓર્બિટમાં ફરીને પાછું આવશે, જોકે એનો સમયકાળ વધારે નહિ હોય.
3. એ પછી ફાઈનલ મિશનમાં આર્ટેમિસ-3ને મોકલવામાં આવશે. એમાં જનારા અંતરીક્ષયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઊતરશે. આ મિશનને 2050ની આસપાસ લોન્ચ કરવામાં આવશે. પહેલીવાર મહિલાઓ પણ હ્યુમન ચંદ્ર મિશનનો ભાગ બનશે. બર્ન્સના મત મુજબ પર્સન ઓફ કલર (શ્વેતથી અલગ પ્રજાતિનો વ્યક્તિ) પણ ક્રૂ-મેમ્બર હશે. બધા જ લોકો સાઉથ પોલમાં જઈને પાણી અને બરફની શોધ કરશે.

અપોલો મિશન કરતાં આર્ટેમિસ અલગ કેવી રીતે પડે છે?
અપોલો મિશનની કલ્પના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેએફ કેનેડીના સોવિયેત સંઘને માત આપવા માટે કરી હતી. તેનું લક્ષ્ય ફક્ત અંતરિક્ષ યાત્રા નહોતું, પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાને વિશ્વના પહેલા સ્થાન પર સ્થાપિત કરવાનું હતું. જોકે 50 વર્ષ પછીનું હવેનું વાતાવરણ સાવ અલગ જ છે. હવે અમેરિકા આર્ટેમિસ મિશનનું લક્ષ્ય ચીન કે રશિયાને પછાડવાનું નથી પણ નાસાનો ઉદ્દેશ હવે પૃથ્વીની બહારની વસ્તુઓને સારી રીતે એક્સપ્લોર કરવાનું છે. મૂન પર જઈને વૈજ્ઞાનિક ત્યાની બરફ અને માટીથી ઈંધણ, ભોજન અને ઈમારતો બનાવવાનો પ્રયાસ કરશે.

આર્ટેમિસ મિશનનો ખર્ચ કેટલો છે?
નાસાની ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલના ઓડિટ અનુસાર, આ પ્રોજેક્ટ માટે 2012 થી 2025 સુધીમાં 93 અબજ ડોલર (7,434 અબજ રૂપિયા) નો ખર્ચ થશે. આ સાથે જ દરેક ફ્લાઇટની કિંમત 4.1 બિલિયન ડોલર એટલે કે 327 અબજ રૂપિયા હશે. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 37 અબજ ડોલર એટલે કે 2,949 અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.