જો વર્ષની શરુઆત સારી થાય તો આખુ વર્ષ સારુ જાય છે, એવું માનવામાં આવે છે. એટલા માટે મોટાભાગનાં લોકો નવા વર્ષનાં પહેલા દિવસે મંદિરે જવાનું કે પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ અમુક પાર્ટીનાં શોખીન લોકો વર્ષની શરુઆત વિચિત્ર રીતે કરે છે. 31 ડિસેમ્બરની લેટ નાઈટ પાર્ટી પછી તેની શરુઆત મધહોશીમાં થાય.
એવું આ વર્ષે પણ થયું. નવા વર્ષનાં અવસર પર દેશનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ક્રાઈમની ખબરો સામે આવી. દિલ્હીનાં એક વ્યક્તિને નશામાં સ્લીપર સેલવાળી ફિલ્મનો એક સીન યાદ આવ્યો તો તેણે પોલીસને કોલ લગાવ્યો. ગ્રેટર નોઈડામાં યુવતીઓ સાથે બળજબરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા યુવકોએ માર ખાઈને નવા વર્ષની શરુઆત કરી. બીજી તરફ ઝારખંડમાં એક યુવકને બિહારી વાનગી ખવડાવીને તેની હત્યા કરવામાં આવી.
નશામાં ફિલ્મને સમજી બેઠો હકીકત, કહ્યું-‘મોટો હુમલો થવાનો છે’
દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે દારુ પીને સ્લીપર સેલ અને આતંકી હુમલાવાળી ફિલ્મ જોઈ. નશામાં તેને ફિલ્મનો એક સીન યાદ આવી ગયો, જેમાં આતંકી દેશ રાજધાની પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા હતા. નશામાં આ વ્યક્તિ ફિલ્મી સીનને હકીકત સમજી બેઠો. તેણે તુરંત દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. ન્યૂ યર વચ્ચે આ ખબર સાંભળીને પોલીસ પણ થોડીવાર માટે ગભરાઈ ગઈ.
પરંતુ, જ્યારે પોલીસ વાસ્તવમાં ઘટનાની તપાસ માટે તે વ્યક્તિ પાસે પહોંચી તો હકીકત સામે આવી. પોલીસ કહે છે કે, ખોટી માહિતી આપવા બદલ તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહિલાઓ સાથે બળજબરીથી સેલ્ફી લઈ રહ્યા હતા, પતિઓએ ઢોર માર માર્યો
ગ્રેટર નોઈડાની એક રેસિડેન્શિયલ સોસાયટીમાં પણ નવા વર્ષમાં ઊજવણી દરમિયાન માથાકૂટ થઈ. પાર્ટી દરમિયાન અમુક યુવકો મહિલાઓ સાથે બળજબરીથી સેલ્ફી લેવાની ટ્રાય કરી રહ્યા હતા. જ્યારે મહિલાઓએ તેનો વિરોધ કર્યો તો તે ગાળો બોલવા લાગ્યા. આ મહિલાઓના પતિઓને જ્યારે આ આખી ઘટનાની જાણ થઈ તો તે પણ મેદાનમાં ઊતરી પડ્યા અને આ મવાલીઓને ઢોર માર માર્યો. જે પછી ઘટનાસ્થળે પોલીસ બોલાવવી પડી. આ મારપીટમાં 4 લોકો ઘાયલ પણ થયા. પોલીસ વીડિયો ફૂટેજનાં આધારે આરોપીઓની ઓળખ કરશે.
નવા વર્ષે બિહારી વાનગી ચખાડી, ઝઘડો થયો તો ચાકૂ મારીને હત્યા કરી
ઝારખંડથી પણ નવા વર્ષની પાર્ટી દરમિયાન ઝઘડાના સમાચાર સાંભળવા મળ્યા. અહીં એક યુવકની ચાકૂ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બોકારોમાં નવા વર્ષની ઊજવણી માટે અમુક યુવકોએ બિહારી વાનગી (લિટ્ટી-ચોખા) ખાવાનો પ્રોગ્રામ કર્યો હતો. આ સમય દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ બાબતને લઈને બોલચાલ થઈ ગઈ, જે પછી મારપીટનો સિલસિલો શરુ થયો. આ મારપીટ વચ્ચે શક્તિ કુમાર ઠાકોરની ચાકૂ મારીને હત્યા કરી નાખવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.