ફેશનના નામે દરરોજ કંઈના કંઈ નવું જોવા મળે છે. હવે લક્ઝરી ફેશન બ્રાન્ડ બાલેન્સિયાગાએ એક એવા શૂઝ માર્કેટમાં લોન્ચ કર્યા છે, જે ફાટેલા અને જૂના લાગે છે. તેની કિંમત એટલી છે કે લોકો એટલી કિંમતમાં તો કાર ખરીદી લે. બાલેન્સિયાગાના આ કલેક્શનને ‘પેરિસ સ્નીકર’નામ આપવામાં આવ્યું છે. બાલેન્સિયાગાના નવા સુપર ડિસ્ટ્રેસ્ડ શૂઝને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ 100 જોડી શૂઝ જ માર્કેટમાં લોન્ચ કર્યા છે, જે સંપૂર્ણ રીતે ફાટેલા છે. ફાટેલા બાલેન્સિયાગા શૂઝની કિંમત 1,850 ડોલર (લગભગ 1.43 લાખ રૂપિયા) છે.
ફાટેલા શૂઝની કિંમત
ફાટેલા શૂઝ સમગ્ર વિશ્વમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તે વિવિધ કલરમાં ઉપલબ્ધ છે. જો કોઈ આ શૂઝ ખરીદવા માગે છે તો તેને આ ફાટેલા શૂઝ માટે 1.43 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ શૂઝના કેનવાસથી માંડી તેના રબર રિપ્સ પણ ફાટેલા છે. શૂઝના આગળના ભાગમાં બાલેન્સિયાગાનો લોગો લગાવવામાં આવ્યો છે.
આખરે કંપનીએ કેમ તૈયાર કર્યા આવા શૂઝ?
બલેન્સિયાગાએ શૂઝ બનાવવા પાછળનો હેતુ જણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ શૂઝની ક્લાસિક ડિઝાઈન છે, જે મધ્યકાલિન એથ્લેટિકિઝમને પ્રતિબિંબિત કરે છે. આ શૂઝ કાળા, સફેદ, અને લાલ કલરમાં ઉપલબ્ધ છે, જેમાં સફેદ રબર લાગેલા છે અને પગની આંગળીઓનો ભાગ દેખાશે. આ શૂઝને જોઈને એવું પણ લાગે છે કે આ શૂઝ પહેલા કોઈએ પહેર્યા છે. આ કલેક્શન લેશ-અપ સ્ટાઇલમાં આવે છે, કાં તો હાઇ-ટોપ અથવા બેકલેસ, અને તેનો અર્થ આજીવન પહેરવામાં આવતા શૂઝ.
ક્યાં ક્યાં મળી રહ્યા છે ફાટેલા જૂના શૂઝ
બલેન્સિયાગાની સત્તાવાર વેબસાઈટના અનુસાર, બલેન્સિયાગાના આ સ્નીકર્સ તેની વેબસાઈટ દ્વારા દુનિયાભરમાં ઉપલબ્ધ થશે. તે યુરોપના માર્કેટમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. અમેરિકા અને મિડલ ઈસ્ટના સ્ટોરમાં 16મે અને જાપાનમાં 23મેના રોજ ઉપલબ્ધ થશે.
યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું
કંપની દ્વારા જેવા આ જૂતા ઓનલાઈન સેલ માટે મૂકવામાં આવ્યા કે તરત સોશિયલ મીડિયા પર ઈન્ટરનેટ યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઘણા યુઝર્સે કહ્યું કે ‘બલેન્સિયાગાએ આ નવા શૂઝ રિલિઝ કરીને લોકોને ટ્રોલ કર્યા છે.’આ સાથે જ કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે ‘તે બેઘર લોકોના શૂઝ કરતા પણ ખરાબ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.