અનોખા લગ્ન:દુલ્હા-દુલ્હન પાણીના ટેન્કર પર બેસીને આવ્યા, કહ્યું કે, જ્યાં સુધી પાણીની સમસ્યાથી છુટકારો નહીં મળે ત્યાં સુધી હનીમૂનમાં નહીં જાય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આખા વિશ્વમાં પીવાના પાણીનું સંકટ વધી રહ્યું છે. તો સરકાર દ્વારા પણ પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સંભવ બધા જ પ્રયત્ન કરે છે. ભારતમાં ઘણા શહેર અને ગામ છે જ્યાં આજે પણ લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક દંપતીએ જળ સંકટની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે ખૂબ જ અનોખી અને અલગ રીત અપનાવી છે. કોલ્હાપુરના ઘણા વિસ્તારોમાં પાણીની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં એક કપલની જાન ઘોડા પર સવાર થઈને નહીં, પરંતુ પાણીના ટેન્કર પર સવાર થઈ છે. આ કપલનો ઉદ્દેશ એ છે કે, આ લગ્ન થકી સરકાર અહીં પાણીની સમસ્યાનું નિરાકરણ કરી શકે.

વાસ્તવમાં કપલનો ઈરાદો કોઈ પબ્લિસિટી માટે ન હતો. પરંતુ તેમનો ઈરાદો પ્રશાસન અને લોકોનું ધ્યાન આ વિસ્તારમાં પાણીની અછત તરફ દોરવાનો હતો.

વરરાજા એક ખાનગી કંપનીમાં કરે છે નોકરી એક ખાનગી કંપનીમાં કામ કરતા વિશાલ કોલેકરે જણાવ્યું હતું કે, 'અમારે અહીં પ્રિન્સ ક્લબ નામનું એક સામાજિક જૂથ છે. જેના દ્વારા અમે મંગળવાર પેઠના કેટલાક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠા વિશે વહીવટીતંત્રને જાણ કરી રહ્યા છીએ. પરંતુ, અમે શક્ય તેટલા પ્રયત્નો કરવા છતાં આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી.'

જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યારે હનીમૂન પર નહીં જાય તમને જણાવી દઈએ કે, ગત મંગળવારે એટલે કે 5 જુલાઈના રોજ વિશાલ અને અપર્ણાના લગ્ન થયા હતા. વરરાજા વિશાલ કોલેકર અને કન્યા અપર્ણા સાલુન્કેએ પરસ્પર સંમતિથી પાણીના ટેન્કર ઉપર જાનને લઈને જવાની એક અનોખી રીત અપનાવી હતી.

આ કપલે ટેન્કર પર બેનર પણ લગાવ્યું હતું કે જ્યાં સુધી ખાસબાગ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ હનીમૂન પર નહીં જાય. હવે આ જાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.