બ્રિટનનાં મહારાણીને શાસન સંભાળતાં 70 વર્ષ પૂરા થઈ ગયાં. આ પ્રસંગે આખા બ્રિટનમાં ચાર દિવસનો પ્લેટિનમ જ્યુબિલી સમારોહ સેલિબ્રેટ કરવામાં આવશે. લોકોએ પોતપોતાની રીતે મહારાણી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું. આ દરમિયાન એક માઈક્રો આર્ટિસ્ટે મહારાણીની એક મિલીમીટરની સાઇઝની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ એટલા નાના કદની છે, કે તે સોયના નાકામાં પણ આવી જાય છે!
માઈક્રો આર્ટિસ્ટ ડેવિડ લિન્ડને મહારાણી એલિઝાબેથ દ્વિતીયની 0.6 મિમી પહોળી અને 1 મિમી લાંબી મૂર્તિ બનાવી છે. તાજ પહેરેલી રાણીની આ નાની મૂર્તિ પ્લેટિનમના સળિયાની ટોચ પર બનાવવામાં આવી છે. બ્રિટનની મહારાણીની આ મૂર્તિ એટલી નાની છે કે તેને સોયની મદદથી કાઢી શકાય છે.
મૂર્તિની કોતરણીમાં ત્રણ મહિનાનો સમય લાગ્યો
ડેવિડ જણાવે છે કે, તાજ પહેરેલી રાણીની આ પ્રતિમાને કોતરવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગ્યો હતો. મૂર્તિને કોતરતા સમયે ઘણી સાવધાની રાખવી પડી હતી. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કે, ક્યાંક છીંક કે ઊધરસ ન આવી જાય. જો કામ કરતા સમયે ભૂલથી છીંક અથવા ઊધરસ આવી જાય તો આખી મહેનત ખરાબ થઈ શકતી હતી. ઘરની બહાર પસાર થતાં વાહનોના કારણે થતી ધ્રુજારી અને અવાજથી બચવા માટે તે રાતના સમયે કામ કરતો હતો.
રિપોર્ટ અનુસાર, ડેવિડ લિન્ડન વ્યવસાયે એન્જિનિયર છે. તેણે બ્રિટિશ રક્ષા મંત્રાલય માટે એરક્રાફ્ટ સિસ્ટમ અને યુરોફાઈટર પર કામ કર્યું, પરંતુ 5 વર્ષ પહેલાં એન્જિનિયર છોડી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતા માઈક્રો આર્ટને પોતાનું જીવન બનાવી લીધું. તેના પછી તેણે સોયના નાકામાં ફિટ આવી જાય, એવી ઘણી મૂર્તિઓ બનાવી, પરંતુ ડેવિડ પોતાની આ મૂર્તિને સૌથી નાની અને સૌથી શ્રેષ્ઠ માને છે.
મૂર્તિ બનાવવી એ સમાધિમાં જવા જેવું હતું
તે જણાવે છે કે, આ કામ ઘણું ઝીણવટપૂર્વક અને પડકારોથી ભરેલું છે. શારીરિક અને માનસિક રીતે કંટાળાજનક કામ છે. તેમાં સૌથી વધારે ધીરજની જરૂર હોય છે. આ મૂર્તિને બનાવવી એ બરાબર સમાધિમાં જવા જેવું છે. હાથને કેળવવો પડે, શ્વાસની ગતિ ધીમી કરવી અને ધબકારાને નિયંત્રણમાં રાખવાના હોય છે. સંપૂર્ણ ધ્યાન માઈક્રોસ્કોપને જોવા પર જ રહે છે.
સોયના નાકામાં બનાવી યુવા મહારાણી
એક અન્ય માઈક્રો આર્ટિસ્ટ ડૉ. વિલાર્ડ વિગને મહારાનીના યુવાવસ્થા દરમિયાનની એક મૂર્તિ બનાવી છે. આ મૂર્તિમાં મહારાણી વ્હાઈટ ગાઉન પહેરીને તાજ પહેરવા માટે તૈયાર જોવા મળે છે. આ મૂર્તિ સોયના છિદ્રમાં બનાવવામાં આવી છે, જેને માઈક્રોસ્કોપથી જોઈ શકાય છે. ડૉ. વિલાર્ડ જણાવે છે કે, તેને 200 પાર્ટમાં પૂરી કરવામાં આવી છે. મહારાણીના પ્રત્યે મારું આ અત્યાર સુધીનું સૌથી મોટું સન્માન છે. વર્ષ 2007માં 65 વર્ષીય ડૉ. વિલાર્ડને કળા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપવા માટે એમબીઈ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પહેલાં તેણે મહારાણીની ડાયમંડ જ્યુબિલી માટે 24 કેરેટ સોનાનો નાનો તાજ બનાવ્યો હતો.
2 જૂન, 1953માં મહારાણી બન્યા હતા
એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ લંડનમાં થયો હતો. પિતા જ્યોર્જ VIના મૃત્યુ પછી 2 જૂન 1953માં તેઓ મહારાણી બન્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.