દુર્લભ કેસ:ચેન્નાઈના 41 વર્ષનાં વ્યક્તિનું 3 વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું, હવે તે 5-5 કિડની સાથે જીવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વ્યક્તિનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ તેની 14 વર્ષની ઉંમરે 1994માં થયું હતું
  • અત્યાર સુધી 3 વખત તેનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે
  • મેડિકલ કન્ડિશનને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં અગાઉની કિડની દૂર ન કરાતાં હાલ તે 5 કિડની સાથે જીવે છે

ચેન્નાઈમાં 41 વર્ષના વ્યક્તિમાં ત્રીજી વખત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની ગંભીર બીમારીથી પીડિત આ વ્યક્તિની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ચેન્નાઈની મદ્રાસ મેડિકલ મિશન હોસ્પિટલમાં કરવામાં આવી. તાજેતરની સર્જરી બાદ દર્દીના શરીરમાં અત્યાર સુધી કુલ 5 કિડની થઈ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, આ વખતની સર્જરીમાં અનેક પડકારો હતા કારણ કે દર્દી હાઈ બ્લેડ પ્રેશરથી પીડિત હતો અને અગાઉની કિડની દૂર કર્યા વગર નવી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

દર્દીમાં અલગ અલગ 3 કિડની કેમ ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી, સર્જરી કેટલી મુશ્કેલ હતી અને પહેલાંથી શરીરમાં રહેલી કિડની કેમ દૂર ન કરવામાં આવી. આવો આ સવાલોના જવાબ જાણીએ...

14 વર્ષની ઉંમરે પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ
દર્દીનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ 14 વર્ષની ઉંમરે 1994માં થયું હતું. 2005માં ફરી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ વખતે કિડની 12 વર્ષ સુધી ચાલી. ત્યારબાદ 2016થી કિડની ફરી ખરાબ થવા લાગી. સ્થિતિ એટલી વણસી કે દર્દીનું અઠવાડિયાંમાં 3 વખત ડાયાલિસિસ કરવું પડ્યું. છેલ્લા 4 વર્ષમાં દર્દી આ રીતે ડાયાલિસિસ પર જીવ્યો અને હવે તેનું ત્રીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

શા માટે વારંવાર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી
સર્જરી કરનાર ડૉ. એસ. સર્વાનનું કહેવું છે કે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી પ્રથમ અને બીજી કિડની ફેલ થઈ ગઈ. તેનું કારણ હાઈ બ્લડ પ્રેશર છે. તેથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કર્યા પહેલાં માર્ચ મહિનામાં ટ્રિપલ બાયબાસ સર્જરીની મદદથી હૃદયનું બ્લોકેજ દૂર કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરવામાં આવી.

નવી કિડની ક્યાં લગાવવામાં આવી?
પાંચમી કિડની એબ્ડોમિનલ કેવિટી ઉપર લગાવવામાં આવી છે. ડૉક્ટર્સ કહે છે કે, આવી સર્જરી દુર્લભ હોય છે. કિડની ફેલ થવી ખતરનાક છે કારણ કે તે શરીર માટે એક ફિલ્ટરનું કામ કરે છે. કિડની ફેલ થવા પર શરીરમાંથી વેસ્ટ મટિરિયલ અને યુરિનનો નિકાલ કરવામાં સમસ્યા થાય છે.

સર્જરીમાં કેવા પડકારો આવ્યા

  • પ્રથમ: બ્લડ પ્રેશર કન્ટ્રોલ નહોતું રહેતું. દર્દી ધમનીઓથી જોડાયેલી બીમારી કોરોનરી આર્ટરી ડિસીઝથી પીડિત હતો. તેથી ટ્રિપલ બાયપાસ સર્જરી કરવી પડી.
  • બીજો: દર્દીમાં પહેલાંથી ટ્રાન્સપ્લાન્ટ થયેલી 2 કિડની ફેલ થઈ ગઈ. તેવામાં જૂની કિડની દૂર કર્યા વગર તે જગ્યામાં વધુ એક કિડની લગાવવી મુશ્કેલ હતી.
  • ત્રીજો: કિડની અને મૂત્રાશયને જોડનાર રક્તવાહિનીની પહોળાઈ ઓછી હોવાને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સમસ્યા આવી.

ફેલ થયેલી કિડની કેમ દૂર ન કરી?
ડૉક્ટર્સનું કહેવું છે કે, દર્દીમાં પહેલાંથી જ ફેલ થયેલી કિડની દૂર કરવામાં ન આવી તેનું મોટું કારણ છે. તેને દૂર કરવામાં વધારે બ્લીડિંગ થાત તેથી દર્દીને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડતું. બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવા પર જોખમ હતું કે શરીર નવી કિડનીને રિજેક્ટ કરી શકે છે. નવી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ શરીરમાં હવે 5 કિડની થઈ ગઈ છે. 2 જન્મજાત અને 3 ટ્રાન્સપ્લાન્ટ દ્વારા લગાવવામાં આવેલી.

અન્ય સમાચારો પણ છે...