સ્ટીવ જોબ્સની વિદાયનો એક દાયકો:‘કાશ, સ્ટીવ આ જોઈ શક્યા હોત’, ટિમ કૂકે એપલના સ્ટાફને લાગણીસભર પત્ર મોકલ્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીવ જોબ્સની દસમી વરસી નિમિત્તે એપલે પોતાનું હોમપેજ સ્ટીવ જોબ્સને અર્પણ કર્યું

5 ઓક્ટોબર, 2021ના રોજ સ્ટીવ જોબ્સના અવસાનને એક દાયકો પૂરો થયો. આ નિમિત્તે એપલના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ કૂકે પોતાના કર્મચારીઓને એક સ્પેશિયલ લેટર લખીને કહ્યું કે જો આજે સ્ટીવ જોબ્સ હયાત હોત તો તેઓ એ જાણવા માટે આતુર હોત કે કંપની હવે આગળ શું ડેવલપ કરવા જઇ રહી છે.

‘બ્લૂમબર્ગ ન્યૂઝ’એ આ ઇન્ટર્નલ મેમો મેળવ્યો અને તેને પ્રગટ કર્યો. એ દિવસે એપલ કંપનીએ પોતાની વેબસાઇટનું હોમપેજ સ્ટીવ જોબ્સને અર્પણ કર્યું અને જોબ્સના પરિવાર પાસેથી મળેલો એક પત્ર પણ પ્રકાશિત કર્યો. ટિમ કૂકે સ્ટીવ જોબ્સનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

ટિમ કૂકે એપલના સ્ટાફને મોકલેલો પત્રઃ

હેલ્લો ટીમ,

સ્ટીવ જોબ્સના અવસાનને 10 વર્ષ થયાં. આ ક્ષણ તેમના જીવનને સેલિબ્રેટ કરવાની અને તેઓ જે અદ્વિતીય વારસો છોડીને ગયા છે તેના પર નજર નાખવાની છે.

સ્ટીવ હંમેશાં માનતા કે, ‘પૅશનથી તરબતર લોકો આ દુનિયાને પોઝિટિવ બદલાવ લાવી શકે છે.’ આ જ ફિલોસોફીએ તેમને એપલનું સર્જન કરવા માટે પ્રેરિત કર્યા. આ ફિલોસોફી આજે પણ આપણી વચ્ચે જીવંત છે.

સ્ટીવ એકસાથે ઘણું બધું હતોઃ બ્રિલિયન્ટ, આનંદી, બુદ્ધિશાળી, એક પતિ, એક પિતા, એક મિત્ર અને અફ કોર્સ, દૂરદૃષ્ટા. દુનિયા કેવી છે એ નહીં, પરંતુ દુનિયા કેવી હોવી જોઇએ તે દિશામાં તેમણે આપણને જોતા કર્યા. એવી શક્તિ આપણા સૌમાં ખીલે તે માટે તેમણે સતત પ્રયાસો કર્યા. હું પણ તેમાંનો એક છું. એમનો વિચાર ન આવે એવો એક પણ દિવસ પસાર થતો નથી.

આપણે બનાવેલી પ્રોડક્ટોએ દુનિયા પર કેવી ગાઢ અસર કરી છે તેની યાદી આપતું આ વધુ એક વર્ષ છે. લોકોને એકબીજા સાથે જોડતાં, તેમને અલગ રીતે વિચારતાં અને તેમને આ યુનિવર્સમાં પોતાની એક અલગ છાપ છોડવા માટેની પ્રેરણા આપતી પ્રોડક્ટનું નિર્માણ કરવામાં આપણે દિવસોના દિવસો પસાર કરીએ છીએ તે જોઇને હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજું છું. આ વિચારસણી સ્ટીવે આપણને આપેલી અનેક ગિફ્ટ પૈકીની એક છે.

કાશ તમારા સૌનું અદભુત કામ અને એમનો સ્પિરિટ આજે પણ તમારા સૌમાં એકબંધ રીતે જીવંત છે તે જોવા માટે સ્ટીવ અહીં હાજર હોત. અને સૌથી અગત્યનું, આપણે હવે આગળ શું કરવા જઈ રહ્યા છીએ તે સ્ટીવ જોઈ શક્યા હોત. સ્ટીવે એકવાર કહેલું કે એની સૌથી ગૌરવશાળી સિદ્ધિ તો હજી હવે આવનાર છે. અન્ય કોઇને દેખાતું નહોતું તેવું ભવિષ્ય જોવા માટે અને પોતાના વિઝનને સાકાર કરવા માટે તેઓ રોજેરોજ કાર્યરત રહેતા.

સ્ટીવે આપણને સૌને અનેરી ઊંચાઈઓ સર કરતાં શીખવ્યું. હું તેમને મિસ કરું છું, અને કાયમ એમની સ્મૃતિઓને વાગોળતો રહીશ.

ટિમ

સ્ટીવ જોબ્સ 5 ઓક્ટોબર 2011ના રોજ પેન્ક્રિયાટિક કેન્સરને કારણે 56 વર્ષની વયે અવસાન પામ્યા હતા. તેના બે જ મહિના પહેલાં તેમણે ટિમ કૂકને પોતાના સ્થાને બેસાડીને CEO પદ છોડ્યું હતું.

અત્યારે 60 વર્ષના થયેલા ટિમ કૂક પોતાની વર્તમાન પોસ્ટ પર 2026 સુધી બરકરાર રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...