કેરળમાં કૂતરાના કરડવાના વધતા જતા કિસ્સાઓ અને રસી લીધા પછી પણ રેબીઝ(હડકવા)ના કારણે મોત થવા પર રાજ્ય સરકારની તરફથી કેન્દ્રને એક ચિઠ્ઠી લખવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકોમાં રસી પ્રત્યે ડર ફેલાઈ રહ્યો છે એટલે એન્ટી રેબિઝ વેક્સિનની ફરીથી તપાસ કરવામાં આવે. આ ચિઠ્ઠી પછી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ પણ કરવામાં આવી અને કહ્યું કે, રેબીઝની વેક્સિનમાં કોઈ જ વાંધો નથી, તે અસરકારક છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આ બેવડા વલણમાં લોકો મૂંઝાયા છે અને સમજી શકતા નથી કે, શું કરવું?
કેન્દ્રની ટીમ કેરળ ગઈ, વેક્સિનની તપાસ થઈ
રાજ્ય સરકારના આગ્રહ પર કેન્દ્રથી ત્રણ લોકોની ટીમ તપાસ માટે કેરળ પહોચી અને કૂતરો કરડ્યા પછી મૃત પામેલા તમામ લોકોનું તબીબી મૂલ્યાંકન કર્યું. આ મૂલ્યાંકન પછી ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે, કેરળમાં રેબીઝથી બચવા માટે ઉપયોગમાં લેવાતી વેક્સિનની સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં ફરીથી તપાસ કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે અસરકારક છે. વેક્સિનની નિષ્ફ્ળતાને કારણે દર્દીઓના મોત થયા નથી.
મોડી સારવાર એ મૃત્યુનું મુખ્ય કારણ છે
ટીમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કૂતરા કરડ્યા બાદ સારવારની પ્રક્રિયામાં મોડુ થવાના કારણે દર્દીઓનાં મોત થયા હતા. કેરળમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના માત્ર 30 ટકા કેન્દ્રોમાં રેબીઝ વિરોધી ઇન્જેક્શનો મળી આવ્યા હતા. વર્ષ 2022માં, સપ્ટેમ્બર સુધીમાં રેબીઝથી મૃત્યુ પામેલા 21 લોકોમાંથી 15 લોકોને વેક્સિન આપવામાં આવી ન હતી. જ્યારે રસી લીધા બાદ પણ મૃત્યુ પામેલા 6 લોકોમાંથી 4ને વેક્સિન આપવામાં આવી હતી અને 2 લોકોને રસીનો આંશિક ડોઝ આપવામાં આવ્યો હતો. અમુક દર્દીઓના મૃત્યુનું કારણ મોડી સારવાર હોવાનું જણાવવામાં આવ્યું હતું, જ્યારે અમુક મૃતકોના રેકોર્ડ જ ઉપલબ્ધ નથી. અમુક મૃતકોના પરિવારોને યાદ નથી કે, મૃતક રેબિઝના સંપર્કમાં આવ્યા હતા કે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.