'મારી નાનકડી પ્રિયાંશી 10-12 વર્ષની હતી ત્યારે અવારનવાર બીમાર પડતી હતી. એ સમયે તો અમે દવા લાવીએ અને બીજા દિવસે તે એકદમ સાજી થઈ જતી હતી, પરંતુ એકવાર તે એવી બીમાર પડી કે ડૉક્ટર પાસેથી દવા લાવ્યા, સાંજે સાજી થઈ અને સવારે ફરી પાછી બીમાર પડી ગઈ. તેને ચાલવાના હોશ પણ રહ્યા નહીં. ડૉક્ટર્સે મલેરિયા, ટાઇફોઇડના રિપોર્ટ્સ કરાવ્યા અને એ તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા, પરંતુ લેબમાંથી બપોરે ફોન આવ્યો અને હું કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં રહ્યો નહીં ને મારું મન સ્તબ્ધ થઈ ગયું હતું....મને સ્વપ્નમાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે દીકરીને આવું કંઈક હશે.'
આ વેદનાસભર શબ્દો છે પ્રિયાંશી વાઘેલાના પપ્પા જિતેન્દ્રભાઈ વાઘેલાના. તેમની દીકરીને 10-12 વર્ષની ઉંમરમાં ટાઇપ 1 ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી. તેમના માટે આ વાત પચાવવી ઘણી મુશ્કેલ રહી હતી. આજે (14 નવેમ્બર) વર્લ્ડ ડાયાબિટીસ ડે છે, ત્યારે આપણે અમદાવાદમાં છેલ્લાં દસેક વર્ષથી ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતી દીકરીની બીમારીના પડકાર સામે બાથ ભીડીને મક્કમતાથી આ પરિવાર જીવી રહ્યો છે.
વાંચો દીકરીની બીમારી સામેનો સંઘર્ષ પિતા જિતેન્દ્ર વાઘેલાના શબ્દોમાં...
ડાયાબિટીસ હોવાની જાણ કેવી રીતે થઈ?
જિતેન્દ્ર વાઘેલાએ વાત કરતાં કહ્યું, 'દીકરીની બીમારી કેમેય કરીને પકડાતી નહોતી. અમે જે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવતા હતા ત્યાં મારા ફોઈના દીકરા જ કામ કરતા હતા. તેમણે કોઈને પૂછ્યા વગર જ સીધો દીકરીનો ડાયાબિટીસનો ટેસ્ટ કર્યો હતો. એ સમયે પ્રિયાંશીનું વજન થોડુંક વધી ગયું હતું, એટલે કદાચ ભાઈના મનમાં આશંકા ગઈ હશે અને તેમણે આ ટેસ્ટ કર્યો હશે. બરોબર એક વાગે તેમનો મારી પર ફોન આવ્યો કે દીકરીને તો ડાયાબિટીસ છે.'
આંખોમાં ઝળઝળિયાં સાથે જિતેન્દ્રભાઈએ કહ્યું હતું, 'ડાયાબિટીસ સાંભળીને પહેલા તો હું કંઈ જ ના બોલી શક્યો. હું એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. દીકરીને નાનોઅમથો ઘસરકો પડે તોપણ આપણે સહન ના કરી શકીએ અને આ તો ડાયાબિટીસ જેવો રાજરોગ હતો. મારી આવી હાલતનો અંદાજો ભાઈને આવી ગયો હશે, એટલે તેમણે ફોનમાં એવું કહ્યું કે રિપોર્ટ ખોટો છે, તો તમે બીજીવાર બ્લડ ટેસ્ટ કરાવો. બીજા દિવસે માત્ર ડાયાબિટીસનો રિપોર્ટ કરાવ્યો. અમે સવારનો (ફાસ્ટિંગ) અને PPBS (પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડશુગર) એમ બે જાતના ટેસ્ટ કરાવ્યા હતા. ફાસ્ટિંગ રિપોર્ટમાં 370 જેટલો ડાયાબિટીસ આવ્યો હતો. હવે તો દીકરીને ડાયાબિટીસ છે એ વાત સ્વીકાર્યા વગર કોઈ છૂટકો જ નહોતો.'
જિતેન્દ્રભાઈએ વાત આગળ કરતાં કહ્યું, 'અમને એટલી તો ખબર જ હતી કે 350થી વધુનો ડાયાબિટીસ હોય તો કંઈપણ થઈ શકે છે. અમે તાત્કાલિક ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે દીકરીને તપાસીને દવા લખી આપી હતી. અમે એ સમયે કલોલ રહેતા અને મારી ઓફિસ અમદાવાદમાં છે. મેં દીકરીને ડાયાબિટીસ થયો એ વાત કોઈનાથી છુપાવી નહોતી. મેં પહેલા દિવસથી જ આસપાસ તથા મિત્રો-સંબંધીઓને વાત કરી હતી. ઓફિસમાં પણ મેં આ વાત કહી હતી. ત્યાર બાદ અમે ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળ્યા હતા. તેમણે તાત્કાલિક ગોળી બંધ કરાવી અને કહ્યું કે પહેલા ડાયાબિટીસ કયા પ્રકારનો છે એ જાણવું જરૂરી છે. ઘણીવાર રિપોર્ટમાં શુગર આવી જતી હોય છે, આથી તેમણે એક રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. આ રિપોર્ટમાં 75 ગ્રામ ગ્લુકોઝ પાણીમાં ઓગાળીને પી જવાનું હતું અને પછી ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવાનો હતો. આ ટેસ્ટમાં ડાયાબિટીસ હોવાનું કન્ફર્મ થઈ ગયું હતું. જોકે, કુદરતે અમારી પરીક્ષા લેવાનું જ નક્કી કર્યું હતું. દીકરીને ડાયાબિટીસ છે એ વાતની હજી કળ વળે એ પહેલાં જ અમને બીજો ધ્રાસકો એ પડ્યો કે દીકરીને ટાઇપ વન ડાયાબિટીસ છે.'
હેલ્મેટમાં મોં છુપાવીને રડતો
જિતેન્દ્રભાઈ એ સમયને યાદ કરીને દુઃખી થઈ ગયા હતા અને તેમણે ગળગળા સાદે કહ્યું હતું, 'આ બધામાં અમે એ વાત તો સમજી ચૂક્યા હતા કે ટાઇપ 1 ડાયાબિટીસમાં તો ઇન્સ્યુલિન આપ્યા વગર છૂટકો જ નથી. અત્યારે ઇન્સ્યુલિનથી સહજતાથી ટેવાઈ ગયા છીએ, પરંતુ જ્યારે પહેલીવાર જાણ થઈ કે દીકરીને રોજ ત્રણ ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન આપવાનાં છે, ત્યારે શરીરમાંથી ધ્રુજારી નીકળી ગઈ હતી. આ વાતની કલ્પના માત્રથી ડર લાગી જતો કે નાનકડી મારી ઢીંગલીને હું કેવી રીતે ત્રણ-ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન આપી શકીશ. પુરુષ હોવાને કારણે હું મારા પરિવારની સામે તો ક્યારેય રડી શકું જ નહીં, પરંતુ દીકરીને ડાયાબિટીસ થયો હોવાની જાણ થતાં જ મારું મન રડવા લાગ્યું હતું. હું ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ જતો ત્યારે હેલ્મેટમાં મોં છુપાવીને રડી લેતો અને આવું ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું. ડૉક્ટર પણ અમને હિંમત આપતા. અમારા મનમાં એવું હતું કે ઇન્સ્યુલિન આપવાથી દીકરીની લાઇફ નોર્મલ થઈ જશે. અમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ નથી. ડૉક્ટર પણ અમને ધીમે ધીમે ડાયાબિટીસ અંગે સજાગ કરતા.'
દિવ્ય ભાસ્કરે પ્રિયાંશી વાઘેલા સાથે વાત કરી તો તો એવું જરા પણ ન લાગ્યું કે તે ડાયાબિટીસના કારણે નિરાશ થઈ છે. હસતા મુખે જવાબ આપતાં બોલી, 'હું જ્યારે 10-12 વર્ષની હતી ત્યારે અવાર-નવાર બીમાર પડતી હતી.' વાતને આગળ વધારતાં જિતેન્દ્રભાઈએ કહ્યું, 'શરૂઆતમાં દીકરી બીમાર પડે તો દવા લાવીએ અને તે સાજી થઈ જતી. એકવાર તો એવું બન્યું કે તે સ્કૂલ બસમાંથી ઊતરી પણ તેને ચાલવાના હોશ રહ્યા નહોતા. તેના નાનકડા ખભા પર સ્કૂલબેગનું પણ વજન ઊંચકાતું નહોતું. તે આખી તાવથી ધગધગતી હતી. અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. અહીં ડૉક્ટર્સે તેને દવા ને ઇન્જેક્શન આપ્યા, પરંતુ સવારે ફરી પાછી બીમાર પડી ગઈ હતી. ડૉક્ટર્સે પછી મલેરિયા, ટાઇફૉઇડ સહિતના જાત-ભાતના ટેસ્ટ કર્યા હતા, પરંતુ ત્યારે સ્વપ્નમાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે દીકરીને આવું કંઈક થયું હશે. રિપોર્ટ્સમાં પણ કંઈ જ આવે નહીં અને બીમારી કેમેય કરીને પકડાતી નહોતી. અંતે ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી.'
જ્યારે લેબવાળાએ બ્રેવ ગર્લ કહીને પીઠ થાબડી
પ્રિયાંશીએ બ્લડ ટેસ્ટ આપ્યો એ વાત યાદ કરીને કહ્યું હતું, 'જ્યારે બ્લડ રિપોર્ટ કઢાવવાનો હતો ત્યારે મેં આંખ બંધ કરી નહોતી. લેબવાળા ભાઈ મારા હાથમાંથી લોહી લેતા હતા, એ સમયે પણ હું તેમને જોતી હતી. મારું આ પ્રકારનું વર્તન જોઈને લેબવાળા ભાઈએ મારી પીઠ થાબડીને કહ્યું હતું, 'તું બહુ જ બ્રેવ ગર્લ છે.'
પ્રિયાંશીને ડાયાબિટીસ હોવાની જાણ કેવી રીતે થઈ?
પ્રિયાંશીએ વાતચીતમાં કહ્યું હતું કે 'મને તો પપ્પાએ ફોન કરીને બપોરના સમયે ડાયાબિટીસ હોવાની જાણ કરી હતી. મારા પપ્પા એકદમ રડવા જેવા થઈ ગયા હતા. તો મેં તેમને સાંત્વના આપીને ઘણી જ સહજતાથી કહ્યું હતું, 'થઈ જશે બધું ઠીક'. એકાદ વર્ષ પછી સમજણ આવી ગઈ હતી કે આ બીમારી હવે આખું જીવન સાથે જ રહેવાની છે અને તેની સાથે જ જીવવાનું છે.'
દીકરીને ઇન્સ્યુલિન આપતાં પહેલાં હું રડી પડ્યો
'જ્યારે દીકરીને પહેલી જ વાર ઇન્સ્યુલિન આપવાનું થયું ત્યારે મનમાં રડી પડાયું હતું. ઇન્જેક્શનનું નામ સાંભળતા જ આપણે ડરી જતાં હોઈએ છીએ. આ તો રોજ આપવાના હતા અને એ પણ જાતે અને ત્રણ-ત્રણ ટાઇમ આપવાના હતાં. હૃદય રડી પડ્યું હતું. દીકરીને જેટલી પીડા થઈ હશે એના કરતાં અનેકગણી પીડા એક પિતા તરીકે મને થઈ હતી. પહેલી વાર ઇન્સ્યુલિન હાથમાં પકડ્યું ત્યારે હાથ કંપી ઊઠ્યો હતો. દીકરી પણ દિવસમાં 3-3 વાર ઇન્સ્યુલિન લેવાના હોવાથી રડી પડતી હતી. શરૂઆતમાં જ્યારે દીકરીને હાથમાં ઇન્સ્યુલિન આપતા તો તેને હાથમાં ગઠ્ઠો થઈ જતો, ઘણીવાર તે જગ્યાની આસપાસ સોજો પણ આવી જતો. અમે તો લાડલીની આવી હાલત જોઈ પણ શકતા નહોતા. અમને એવું લાગ્યું કે અમારે બીજી જ દવા કરાવી પડશે, આ રીતે તો દીકરીને હેરાન થવા દેવાય નહીં.'
'મેં આ વાત કોઈનાથી છુપાવી નહોતી, એટલે અનેક લોકો સલાહ આપતા. ઘણાં કહેતા કે લીમડાનો રસ પીવડાવો, કારેલાનો રસ પીવડાવો તો ઘણાં વિવિધ જાતના ઉકાળા પીવડાવાનું કહેતા. અમે દીકરીને આ બધું આપીએ તે પહેલાં તો અમે તે પીતા અને પછી જ તેને આપતા. અમને આ નહોતું ભાવતું તો અમારી દીકરી આ કેમની પી જતી હતી. આ વિચાર માત્રથી આપોઆપ આંખમાંથી પાણી વહેવા લાગતું. દીકરીને કોઈ પણ જાતની સ્વીટ, આઇસક્રીમ, જંકફૂડ, ભાત, ખીચડી, વેફર્સ, બટાટાનું શાક, કેરી સહિતના ફ્રૂટ્સ આપવાના બંધ કરી દીધા. મારી ઢીંગલી જે ના ખાય તે વસ્તુઓ અમારા ઘરમાં લાવવાની પણ સદંતર બંધ કરી દીધી હતી. અમે તો મોટા હતા તો સમજી જઈએ, પરંતુ મારી લાડકવાયી તો નાની હતી. તેનાં તો આમ પણ વેફર્સ, વડાપાઉં, ચોકલેટ તો એકદમ ફેવરિટ હતા. આ ખાવા માટે તે ગમે તેવી જિદ્દ કરતી હતી, પરંતુ ડાયાબિટીસ થયા બાદ અમે તરત જ આ બધું બંધ કરાવી દીધું હતું.'
દાદી બધાથી છુપાઈને વેફર્સ ખવડાવતા
'અમે તો તાત્કાલિક ધોરણે દીકરીને એકદમ બધુ બંધ કરાવી દીધું હતું. નાની હોવાને કારણે તેને બધું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પણ એ વાત સારી હતી કે તે મારી આગળ ક્યારેય કંઈ ખાવાની જિદ્દ કરતી નહોતી. તેને બાળ સહજ મનમાં એ વાત સમજાઈ ગઈ હતી કે મને ડાયાબિટીસ થયો છે અને તેની અસર પપ્પા પર ઘણી જ થઈ છે. પપ્પા આ વાતને કારણે દુઃખી છે. પિયુને વેફર બહુ જ ભાવતી હતી. એટલે અમને કોઈને ખબર ના પડે તે રીતે તેના દાદી તેને વેફર આપતા અને તે ખાતી.'
ખાવાનું મન થતું
પ્રિયાંશીએ ખાવા-પીવાનું અચાનક બંધ થતાં તેના મનમાં કેવી ગડમથલ ચાલી તે વિશે કહ્યું હતું, 'ખાવા-પીવાની વાત છે તો મને બહારનું બહુ ભાવતું અને અચાનક જ બધું બંધ થઈ ગયું હતું. આ બધાનું એડજસ્ટમેન્ટ કરતાં મને થોડો સમય લાગ્યો હતો. ક્યારેક મનમાં એવું થઈ જતું કે કેમ મને જ ડાયાબિટીસ છે. પછી ડૉક્ટર્સે સમજાવી હતી કે તારાથી નાની ઉંમરના બાળકોને પણ છે.'
કલાકમાં દોઢ લાખનો ખર્ચ કર્યો
'આ દરમિયાન લોકોએ અવનવા ઈલાજો પણ બતાવ્યા હતા. અમારા મિત્ર વર્તુળમાંથી કોઈકે એવું કહ્યું કે આયુર્વેદ પંચક્રમ કરાવવામાં આવે તો ડાયાબિટીસ મટી જાય છે. અમે આ માટે છેક મુંબઈ સુધી લાંબા થયા હતા. અહીંયા એક જગ્યાએ પંચક્રમ થેરપી કરાવી હતી. કલાકના અમે દોઢ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા, પરંતુ અફસોસ કે તેનાથી કોઈ લાભ થયો નહીં.'
દીકરી ઘણી જ સમજદાર હતી
પોતાની દીકરી પર ગર્વ હોવાની લાગણી સાથે પિતાએ કહ્યું હતું, 'એક વાત તો હતી કે પ્રિયાંશીમાં એક અલગ જ શક્તિ છે. અમારા કરતાં આ પરિસ્થિતિને દીકરીએ ઘણી જ સહજતાથી જ લીધી હતી. તેનામાં સહનશક્તિ ને મેનેજ કરવાનો પવાર કુદરતી રીતે જ અમારા કરતાં વધારે છે.'
પ્રિયાંશીને ડાયાબિટીસ હોવાની સમજણ કેવી રીતે આવી?
આ અંગે વાત કરતાં જીતેન્દ્રભાઈ કહ્યું હતું, 'દીકરી એટલી નાની હતી કે એને ડાયાબિટીસ એટલું શું, તે વાત જ ખબર નહોતી. ડાયાબિટીસ સાથે જ હવે જીવવાનું છે, તે વાત તો કદાચ તેને ડાયાબિટીસ થયો તેના છએક મહિના બાદ ખબર પડી હશે. અમે તેને એમ સજાવતા કે તને ડાયાબિટીસ છે અને તેથી તારે આ રીતે ઇન્જેક્શન લેવાના છે. તે ઇન્સ્યુલિન પણ એ આશાથી લેતી કે તે આવું કરશે તો તેને ડાયાબિટીસ મટી જશે. સમય રહેતા ડૉક્ટરે જ તેને સમજાવી દીધી હતી કે આ ડાયાબિટીસ છે અને આની સાથે જ જીવવાનું છે અને આ રીતે રોજ ઇન્સ્યુલિન લેવાના છે.'
સ્કૂલમાં ઘણી તકલીફ પડી
'શારૂઆતમાં સ્કૂલમાં ઘણી જ તકલીફ પડી હતી. પહેલાં એ ઊઠે ત્યારે ઇન્સ્યુલિન આપતા, પછી સ્કૂલેથી ઘરે આવે એટલે આપતા અને છેલ્લું ઇન્સ્યુલિન રાત્રે જમતાં પહેલાં આપતા. શરૂઆતમાં ત્રણ ઇન્સ્યુલિન આપવના હતા. ઇન્સ્યુલિનને કારણે ગમે ત્યારે બ્લડશુગર ડાઉન થઈ જતું. બ્લડશુગર ઓછું થાય એટલે બાળક બેભાન થઈ જાય અથવા તો એને ચક્કર આવે, ગભરામણ થાય એવું થાય અને આવું પિયુ સાથે પણ થતું. સ્કૂલમાંથી 8-10 દિવસે એકવાર અચૂક ફોન આવે કે તમારી દીકરીની તબિયત સારી નથી તો તેને લઈ જાવ અથવા તો કોઈક એને ઘરે મૂકવા આવે. ઇમર્જન્સીની વાત કરીએ તો એકવાર તો દીકરીનું બ્લડશુગર લેવલ 35 થઈ ગયું હતું. શરૂઆતમાં અમે દીકરીને મહિનામાં ઇન્સ્યુલિનના ચાર કાર્ટિજ આપતા હતા અને એક કાર્ટિજ અંદાજે 300-350ની આવતા હતા. અત્યારે તો 700-800 રૂપિયા થઈ ગયા છે અને હવે મહિનામાં સાતેક જેવી કાર્ટિજ આપીએ છીએ.'
સ્કૂલની વાત કરતાં પ્રિયાંશી જણાવે છે, 'સ્કૂલની વાત કરું તો ફ્રેન્ડ્સનો ઘણો જ સાથ મળ્યો. મારી એક ફ્રેન્ડ હંમેશાં મારા માટે પ્રોટેક્ટિવ રહેતી. તે મને કંઈ જ એવું ખાવા દેતી નહીં, જો હું ભૂલથી ટિફિનમાં લઈને આવું તો પણ તે મને ખાવા દેતી નહીં. ધોરણ 10-12માં મને ભણવાની બહુ જ ચિંતા રહેતી. આ સ્ટ્રેસને કારણે મારો ડાયાબિટીસ ઘણો જ વધી જતો અને તેને કારણે ઇન્સ્યુલિનની માત્રા ઘણીવાર વધારવી પડતી હતી.'
'સમયની સાથે જેમ જેમ દીકરી મોટી થતી ગઈ અને બેનપણીઓ સાથે ફરતી થઈ, તો ઘણીવાર એવું બનતું કે કોઈનો બર્થડે હોય તો તેનાથી કેક-ચોકલેટ ના ખાઈ શકાય, આ વાત પિયુને મનમાં મનમાં ઘણી જ લાગી આવતી. તેને મનમાં થતું કે મારી બેનપણી કેવા જલસાથી રહે છે, બધું ખાય પીએ છે અને ફરે છે. મારે આ બધું કેમ નહીં કરવાનું. આ વાત તેના મગજમાં હાવી થઈ ગયેલી. આ કારણે તે બે-ત્રણ મહિને બીમાર પડી જતી અને અમારે તેને દાખલ કરવી પડતી. સતત આ પ્રકારના વિચારોને કારણે તેને ગભરામણ પણ થતી, પરંતુ આ બધી સમસ્યા ડાયાબિટીસને કારણે થતી નહોતી. આ બધું છ-બાર મહિના સુધી ચાલ્યું હતું. જોકે, પછી ધીમે ધીમે દીકરીએ જ આ વાત સ્વીકારી લીધી હતી. હવે તો દીકરી જાતે જ પોતાની રીતે જ ઇન્સ્યુલિન લે છે અને પોતાની કૅર કરે છે.'
બહાર જતી વખતે ખાસ સાવચેતી રાખવી પડે
બહાર કે કોઈ પ્રસંગમાં જવાનું હોય દીકરી માટે કેવી સાવચેતી રાખવી પડે તે અંગે સમજાવતા જિતેન્દ્રભાઈએ કહ્યું હતું, 'અમે આઇસપેડ અચૂક સાથે રાખતા. આઇસપેડની વચ્ચે ઇન્સ્યુલિન મૂકતા અને જ્યાં જવાનું હોય ત્યાં તાત્કાલિક પહોંચી જતા. રસ્તામાં ક્યાંય ઊભા રહેતા નહોતા, કારણ કે ગરમીને કારણે ઇન્સ્યુલિન તરત જ ખરાબ થઈ જાય. ક્યારેક એવું પણ બનતું કે ઇન્સ્યુલિન ગરમીને કારણે ખરાબ થઈ ગયા તો ત્યાંથી તાત્કાલિક પહેલા દીકરી માટે નવા ઇન્સ્યુલિન લેતા.'
ધીમે ધીમે ઇન્સ્યુલિન લેવાની માત્રા વધી
'દસમા ધોરણમાં દીકરીનું વજન બહુ નહોતું, એટલે ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન લેવા પડતા. પછી 11-12માં એ મોટી થઈ તેમ વજન વધે અને વજન પ્રમાણે ઇન્સ્યુલિનની માત્રા નક્કી થતી હોય છે. પછી તેને દિવસમાં પાંચવાર ઇન્સ્યુલિન આપવા પડતા. ધોરણ 10 પછી દીકરીએ સાયન્સમાં એડમિશન લીધું હતું. 12 સાયન્સમાં સૌથી મોટી તકલીફ એ પડી કે તેને ભણવાનો સ્ટ્રેસ થાય એટલે ડાયાબિટીસ સીધો 500 થઈ જતો. ભણવાનો સ્ટ્રેસ જેવો વધે એટલે ડાયાબિટીસ તરત જ વધી જતો. દીકરીની આ હાલત જોઈને ત્યારે જ નક્કી કર્યું કે હવે દીકરીને આગળ ભણાવવી નથી. બાર સાયન્સ પછી અમે પાર્લરનો કોર્સ કરાવ્યો, હેર કટિંગથી લઈ મેકઅપ સહિતનું બધું દીકરીએ શીખી લીધું છે. તેણે જ્યાંથી કોર્સ કર્યો હતો ત્યાં જ તેને શરૂઆતમાં નોકરી મળી ગઈ હતી. હવે તો દીકરી જાતે જ ઘરે પાર્લર ચલાવે છે અને એકદમ નોર્મલ લાઇફ જીવે છે.'
ભવિષ્યમાં મેકઅપ આર્ટિસ્ટ બનવું છે
પ્રિયાંશીએ પોતાના ભવિષ્યની વાત કરતાં કહ્યું હતું, 'બારમા ધોરણના વેકેશનમાં એવું થતું કે શું કરું? આ દરમિયાન પપ્પાએ બ્યૂટિપાર્લરના કોર્સમાં એડમિશન લઈ આપ્યું હતું. ભવિષ્યમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવું છે.
બ્લડશુગર પ્રમાણે હું તમામ વસ્તુઓ ખાઉં છું
ટાઇપ 1ના દર્દીઓને સલાહ આપતાં પ્રિયાંશીએ કહ્યું હતું, 'ટાઇપ 1ના દર્દીઓએ ઘરમાં ગ્લુકોમીટર (ડાયાબિટીસ ચેક કરવાનું મશીન) ફરજિયાત રાખવું જ અને તેમણે સમય સમય પર ડાયાબિટીસ ચેક કરતા રહેવું જરૂરી છે. બ્લડશુગર કેટલી છે એના આધારે ઇન્સ્યુલિન લેવું જોઈએ. હું તમામ વસ્તુઓ લઉં છું. બસ શુગર ચેક કરી લઉં કે એ કેટલી છે અને એ પ્રમાણે હું સ્વીટ્સ ને બીજું બધું પણ ખાતી રહેતી હોઉં છું.'
હવે આપણે ગુજરાતના જાણીતા ડાયાબિટોલોજિસ્ટ ડૉક્ટર તિવેન મારવાહ પાસેથી ટાઇપ 1 ડાયાબિટીસ અંગે વિગતવાર જાણીએ. ડૉ. તિવેન મારવાહનો પરિવાર મૂળ પંજાબનો છે પણ તેમનો જન્મ અહીં અમદાવાદમાં થયો છે. તેમણે MBBS, MD અમદાવાદની NHLમાંથી કર્યું છે અને તેઓ છેલ્લાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે.
ડૉ. તિવેન મારવાહે ડાયાબિટીસના પ્રકાર અંગે કહ્યું હતું, 'ડાયાબિટીસના બે પ્રકાર હોય છે., ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ. ટાઇપ 1 ડાયાબિટીસ મોટા ભાગે બાળકોને થતો હોય છે. 15 વર્ષથી નાનાં બાળકોને ટાઇપ 1 ડાયાબિટીસ થાય છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં અચાનક જ ઇન્સ્યુલિન ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે. શુગર ઘણી જ વધી જાય છે. આ માટે ઇન્સ્યુલિન આપવું પડે છે. જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ મોટી ઉંમરની વ્યક્તિઓને થાય છે અને એ દવાઓથી કંટ્રોલમાં રાખી શકાય છે.'
ટાઇપ 1 થવાનું મુખ્ય કારણ?
ડૉ. મારવાહે કહ્યું હતું, 'ટાઇપ 1 થવાનું મુખ્ય કારણ ઓટોઇમ્યુન ડિસીઝ માનવામાં આવે છે. ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષો જેને આપણે બીટા સેલ્સ કહીએ છીએ. આ કોષો ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ થવાને કારણે અચાનક જ 10-15 દિવસમાં નાશ પામે છે. આ કારણે બીટા સેલ્સ કામ કરતા બંધ થાય છે અને ટાઇપ 1 ડાયાબિટીસ થાય છે. એન્વાયર્નમેન્ટલ પોલ્યુશન, જિનેટિક ફેક્ટરને કારણે પણ ટાઇપ 1 ડાયાબિટીસ થતો હોવાનું માનવામાં આવે છે.'
પ્રેગ્નન્સીમાં માતાને ડાયાબિટીસ થાય છે તેને ડૉક્ટરની ભાષામાં અમે જસ્ટિશનલ (gestational Diabetes) ડાયાબિટીસ કહીએ છીએ. આ ટાઇપ 2 પ્રકારનો ડાયાબિટીસ છે. પ્રેગ્નન્ટ મહિલાને ડાયાબિટીસ હોય તો બાળકને આવે એવું જરૂરી નથી. બાળકને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે.
ટાઇપ 1 ડાયાબિટીસ ક્યારેય મટતો નથી
ડૉ. મારવાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ટાઇપ 1ની ઇન્સ્યુલિન સિવાય કોઈ સારવાર નથી. ઘણીવાર પેરેન્ટ્સ એવા ભ્રમમાં રહે છે કે ડાયાબિટીસ મટી જાય છે અને તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવતા હોય છે. ઇન્સ્યુલિન બંધ કરી દેતા હોય છે. આ કારણે અચાનક જ શરીરમાં એસિટોન વધી જતું હોય છે અને ઘણીવાર દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. સૌથી અગત્યની વાત એ છે કે ટાઇપ 1 ડાયાબિટીસ મટતો નથી અને તેની સારવાર વૈજ્ઞાનિક ઢબે કરાવવી જરૂરી છે. ટાઇપ 1 ડાયાબિટીસની સારવાર પાછળ અનેક સંશોધનો થઈ રહ્યાં છે અને ક્યારેક એવો સમય આવશે કે એ મટી જશે. ત્યાં સુધી ઇન્સ્યુલિન આપણા માટે સંજીવની છે. ડાયાબિટીસથી શરમાશો નહીં અને એને છુપાવીને રાખશો નહીં.
22-23 વર્ષની મહિલાનું મૃત્યુ થયું
એક કિસ્સાને યાદ કરતાં ડૉ. તિવેન મારવાહે કહ્યું હતું, 'વીએસમાં એક 22-23 વર્ષની યુવતીને એડમિટ કરવામાં આવી હતી. આ યુવતીને છ-સાત વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ હતો. તેના લગ્ન થયા હતા. લગ્ન તૂટી જવાની બીકે પરિવારે સામા પક્ષને દીકરીને ડાયાબિટીસ હોવાની વાત છુપાવીને રાખી હતી. લગ્નની દોડધામમાં દીકરીએ પણ ઇન્સ્યુલિન લીધું નહોતું. ઉપરાંત લગ્નનું જમવાને કારણે તેનામાં ઓસિટન પુષ્કળ માત્રામાં વધી ગયું હતું. લગ્નના બીજા દિવસે તેને વીએસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. પહેલા તો ડૉક્ટરને ખ્યાલ જ નહોતો કે આ યુવતીને શું થયું છે. લગ્નના બીજા જ દિવસે આ ઘટના બની હોવાને કારણે ડૉક્ટરને એમ જ હતું કે આ સુસાઇડનો કેસ છે. જ્યારે ખબર પડી ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. ત્રણ-ચાર કલાક પછી યુવતીના પેરેન્ટ્સ ઇન્સ્યુલિન લઈને આવ્યા હતા અને ડાયાબિટીસ હોવાની જાણ કરી હતી, પરંતુ લગ્નને કારણે યુવતીએ 3 દિવસ સુધી ઇન્સ્યુલિન લીધું નહોતું અને તે કોમામાં જતી રહી હતી અને અંતે તેનું મૃત્યુ થયું હતું. જો યુવતી અને તેના પરિવારે ડાયાબિટીસ હોવાની જાણ કરી હોત અને ઇન્સ્યુલિન લેવાનું ચાલુ રાખ્યું હોત તો આમ ક્યારેય બનત નહીં.'
અન્ય એક કિસ્સાની વાત કરું તો એ એવો છે, 'એક પેરેન્ટ્સના બાળકને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. તેઓ એકદમ ગભરાઈ ગયા હતા. બાળક ઘણો જ હોંશિયાર હતો. પેરેન્ટ્સે દીકરાની યોગ્ય સારવાર ચાલુ રાખી. આ બાળક IIT, IIMમાં ભણીને આજે એક મોટી કંપનીમાં CEO છે. ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો જીવનમાં બધું જ કરી શકે છે. ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓએ નોબેલ પ્રાઇઝ જીત્યું છે. વર્લ્ડકપમાં ફૂટબોલ રમે છે. તેઓ તમામ બબાતો કરી શકે છે. ફક્ત ને ફક્ત યોગ્ય સારવાર લેવાની જરૂર છે. ઇન્સ્યુલિન સમયસર લેવા જોઈએ. આમ કરવાથી બાળક નોર્મલ ને પ્રોડક્ટિવ જીવન જીવી શકે છે.'
લાઇફસ્ટાઇલને કારણે ટાઇપ 2ના દર્દીઓ વધ્યા
ડૉક્ટરે કહ્યું હતું, 'લાઇફસ્ટાઇલને કારણે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ વધ્યા છે. ટાઇપ 1 ડાયાબિટીસ લાઇફસ્ટાઇલને કારણે થતો હોય એમ લાગતું નથી, પરંતુ એન્વાયર્નમેન્ટલ પોલ્યુશનને કારણે બીટા સેલ્સ પર અસર થવાને કારણે કદાચ ટાઇપ 1 ડાયાબિટીસ વધ્યો હોય એમ શક્ય છે. ટાઇપ 1 ડાયાબિટીસ થયા પછી એક્સર્સાઇઝનો અભાવ, ફાસ્ટફૂડ ખાવું અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં ના આવે તો અનેક કોમ્પલિકેશન થવાની શક્યતા રહેલી છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.