હોંગકોંગ:સેલ્ફીના ચક્કરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સોફિયા ચેઉંગે જીવ ગુમાવ્યો, પગ લપસી જતા દર્દનાક મોત થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા સ્ટાર 32 વર્ષીય સોફિયા ચેઉંગનું ઝરણાના કિનારે સેલ્ફી લેતી વખતે મોત થયું. - Divya Bhaskar
સોશિયલ મીડિયા સ્ટાર 32 વર્ષીય સોફિયા ચેઉંગનું ઝરણાના કિનારે સેલ્ફી લેતી વખતે મોત થયું.
  • સોફિયા શનિવાર સવારે 11 વાગે તેના ત્રણ મિત્રોની સાથે ‘હા પાક લાઈ’ પાર્ક ટ્રિપ પર ગઈ હતી
  • ઝરણાના કિનારે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તે 16 ફૂટ ઊંડા પુલમાં પડી જતા તેનું મોત થયું

સોશિયલ મીડિયાની લત અમુક વખત એટલી ભારે પડે છે કે લોકોને તેના કારણે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવું જ કંઈક હોંગકોંગની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની સાથે થયું. હોંગકોંગમાં સોશિયલ મીડિયા સ્ટાર 32 વર્ષીય સોફિયા ચેઉંગનું ઝરણાના કિનારે સેલ્ફી લેતી વખતે મોત થયું. રિપોર્ટ્સના અનુસાર, સોફિયા ત્યાંના પ્રખ્યાત પર્યટન સ્થળની પાસે ઝરણાના કિનારે તસવીર લઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ.

ધ સનના રિપોર્ટના અનુસાર, સોફિયા શનિવાર સવારે 11 વાગે તેના ત્રણ મિત્રોની સાથે ‘હા પાક લાઈ’ પાર્ક ટ્રિપ પર ગઈ હતી. આ દરમિયાન પાર્કમાં સૂર્યાસ્ત માટે પ્રખ્યાત પાઈનેએપલ માઉન્ટેન સાઈટ પર આવેલા ઝરણાના કિનારે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તે 16 ફૂટ ઊંડા પુલમાં પડી હતી. આ ઘટના બાદ તરત તેના મિત્રોએ પોલીસને બોલાવી લીધી હતી અને ત્યારબાદ તેને હોંગકોંગના ચાઈ વાન જિલ્લાની પામેલા યૂડે નેથરોલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર સોફિયાના લગભગ 25,000 જેટલા ફોલોઅર્સ છે અને તે પોતાની નેચરલ ફોટોગ્રાફી અને સુંદર ફોટોને કારણે લોકોની વચ્ચે લોકપ્રિય હતી. સોફિયા ચેઉંગના મોતના સમાચાર સાંભળી તેના ફેન્સ ઘણા દુઃખી છે. તેઓ તેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગયા શનિવારે આવી જ દુ:ખદ ઘટનામાં 23 વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર અને મેક્સિકોની મોડલનું ઝરણાની નીચે પડી જવાથી મોત થયું હતું. 12 કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળ્યો હતો.

સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 8 જુલાઈએ કરી હતી જેમાં લખ્યું હતું કે સારાં દિવસો આવી રહ્યાં છે, જેને શનિવાર અને રવિવાર કહે છે. તેની આ પોસ્ટ પર લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. જો કે સોફિયા ચેઉંગ પહેલા પણ ઘણા સોશિયલ મીડિયા સ્ટાર્સ એડવેન્ચર્સ સેલ્ફીના મામલે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ભારતમાં જાન્યુઆરીમાં સેલ્ફી લેવાના પ્રયાસમાં નદીમાં પડી જવાથી એક મહિવાનું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગે 22 કલાક સુધી શોધખોળ કરી ત્યારે 400 મીટર દૂર તેનો મૃતદેહ મળ્યો હતો.