પ્રાણીઓ પ્રત્યે સંવેદના હોવી એ સારી બાબત છે પરંતુ આ સંવદેના ક્યારેક મોટા ઝઘડાંનું કારણ બની જતી હોય છે. અમેરિકાની એક મહિલા સાથે આવું જ બન્યું છે. એક પાર્કિંગમાં જેનિફર નામની મહિલાને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કારમાં બંધ શ્વાનને જોઈ દયા આવી. શ્વાનને વધુ તકલીફ ન પડે તેથી જેનિફરે અજાણી વ્યક્તિના કારનો દરવાજો ખોલી દીધો. શ્વાન અને કાર માલિકે આ જોઈને તેના પર ચડાઈ કરી દીધી.
જેનિફરે જોયું કે પાર્કિંગમાં પડેલી કારમાં એક શ્વાન છે. વેન્ટિલેશન માટે કાર માલિકે 2 ઈંચ જેટલી બારી ખુલ્લી રાખી હતી પરંતુ ગ્રોસરી સ્ટોરની બહાર 20 મિનિટથી વધારે માલિકની રાહ જોયા બાદ જેનિફરને શ્વાન પર દયા આવી. તેણે કંઈ પણ વિચાર્યા વગર અજાણી વ્યક્તિની કારનો દરવાજો ખોલી દીધો. તે સમયે શ્વાન ગભરાયેલું હતું અને ધ્રૂજી રહ્યું હતું.
થોડી વારમાં ત્યાં શ્વાન અને કારની માલિકણ આવી પહોંચી. પોતાનો કારનો દરવાજો ખુલ્લો જોઈને તે જેનિફર પર ભડકી ઉઠી. જેનિફરે મહિલાને સમજાવ્યું કે શ્વાનને ગભરાયેલું જોઈ તેણે કારનો દરવાજો ખોલવાનો નિર્ણય કર્યો પરંતુ મહિલા ટસની મસ ન થઈ અને જાહેરમાં જેનિફરને મનફાવે તેમ ઉશ્કેરાઈને બોલવા લાગી.
બંને વચ્ચે એટલી મગજમારી થઈ કે તેઓ એકબીજાને પોલીસ બોલાવાની ધમકી આપવા લાગ્યા. આ સમગ્ર ઘટના ત્યાં હાજર એક અન્ય મહિલા જોશુઆએ તેના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કરી. શ્વાન પ્રત્યે 2 મહિલાનો સંવદેના જણાવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.