છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે બાળકોને ઘરમાં જ રાખવામાં આવ્યા છે. ઘરમાં રહીને બાળકોનો સ્વભાવ બદલાઈ ગયો છે. શહેરમાં રહેતા બાળકો પર લોકડાઉનની સૌથી વધુ અસર પડી છે. લોકડાઉનને કારણે બાળકોના વલણમાં આઘાતજનક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેના કારણે વાલીઓ પણ ચિંતિત છે. બાળકો વિચિત્ર હરકતો કરે છે. બાળકને આકાશ પડવાનો ભય લાગી રહ્યો છે તો ઘણાં બાળકો ખુલ્લું મેદાન જોઈને દોડી આવે છે.
વાલીઓ તેના વ્હાલસોયા બાળકોને ઘરની ચાર દીવાલની અંદર રહીને બધી જ સુવિધા આપે છે. પરંતુ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. વારાણસીમાં રહેતા 8 વર્ષના ફહમની માતા સબિકા જ્યારે પણ તેને બહાર લઈ જાય છે ત્યારે તે બેકાબૂ બનીને રસ્તા પર દોડવા લાગે છે. પુત્રને આ રીતે દોડતો જોઈને માતા પરેશાન થઇ જાય છે. સબિકા કહે છે કે પુત્ર અચાનક રસ્તા પર દોડે છે ત્યારે તેને આજુબાજુનું કોઈ ધ્યાન હોતું નથી. રસ્તાઓ પર ગાંડાની જેમ દોડવા લાગે છે.
નાગપુરના 7 વર્ષના આદ્વિક શ્રીવાસ્તવની વાત કરવામાં આવે તો તે એક દિવસ તેની માતા પર અચાનક જ રાડો પાડવા લાગ્યો હતો. પુત્રનું આ રૂપ જોઈને તેની માતા દિપાલી પણ ગભરાઈ ગઈ હતી. તે વખતે માતાએ પુત્રના આવાં વર્તન વિશે પૂછ્યું હતું પરંતુ આદ્વિક કોઈ જવાબ આપ્યો ના હતો. બાદમાં પુત્ર સાથે વાત કરીને તેની તકલીફનું કારણ જાણ્યું હતું.
રિએક્શન જોઈને હેરાન થઇ ગઈ માતા
દિલ્લીમાં રહેતી 5 વર્ષની ઈબ્રા નકવીની માતા એક દિવસ તેને અગાસી પર લઇ ગઈ હતી. તો ઈબ્રાનું રિએક્શન જોઈને હેરાન થઇ ગઈ હતી. બાળકી જેવી જ અગાસી પર પહોંચી ત્યારે તેની માતા પર જોર-શોરથી રાડો પાડવા લાગી હતી કે, નીચે જઈએ, મારા પર આકાશ પડશે. ઈબ્રાની માતા જણાવે છે કે, લોકડાઉન પહેલાં મારી દીકરી નિડર અને ચંચળ સ્વભાવની હતી. પરંતુ લોકડાઉન બાદ છેલ્લા ઘણાં સમયથી વલણ બદલાઈ ગયું છે.
ગુડગાંવમાં રહેતી નેહાને 2 વર્ષનો પુત્ર અથર્વ છે. લોકડાઉન પૂરું થયા બાદ એક દિવસ નેહા તેના પુત્રને લઈને સોસાયટીના પાર્કમાં ગઈ હતી. અથર્વની એક્ટિવિટી જોઈને હેરાન થઇ ગઈ હતી. નેહા કહે છે કે, અથર્વ માણસોને જોઈને ડરી રહ્યો હતો. મારી પાછળ છુપાઈ ગયો હતો.
કોરોનાને કારણે બદલી હાલત
ખરેખર આ સમસ્યા ફહમ, આદ્વિક, ઈબ્રા કે અથર્વની જ નથી. લોકડાઉનને કારણે શાળાઓ અને પાર્ક લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. લાખો બાળકોને તેમના ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. ઓનલાઈન અભ્યાસ અને તેનાથી ઉદભવતા તણાવને કારણે બાળકોને તકલીફ પડી હતી. આ કારણે તેમના વર્તનમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો હતો.
બાળકો આસપાસના માહોલમાંથી શીખે છે
હ્યુમન બિહેવિયર એન્ડ અલાઇડ સાયન્સ દિલ્હીના પ્રોફેસર ડૉ. ઓમ પ્રકાશ કહે છે કે, 7 વર્ષથી નીચેનાં બાળકો આસપાસના વાતાવરણમાંથી શીખે છે. કોરોનાના સમયગાળા દરમિયાન 2થી 5 વર્ષનાં બાળકોને કંઈપણ શીખવાની તક મળી ન હતી. બાળકો ઘરોમાં પુરાયેલા હતાં. આ કારણે તેઓ ધીરે ધીરે અંતર્મુખ બની ગયાં હતા. બાળકો કુદરતી રીતે શીખેલી વસ્તુઓથી વંચિત હતાં. આ જ કારણ છે કે ખુલ્લું આકાશ, મોટાં ખેતરો જોઈને તેઓ વિચલિત થઇ જાય છે.
ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, એક તો બાળકો સામાજિક પ્રક્રિયાનો હિસ્સો ન હોવાને કારણે બહાર નીકળી શકતાં નથી અને અંતર્મુખી બની ગયાં હતા. પરંતુ બધાં બાળકો અંતર્મુખી નથી હોતાં. કેટલાક બાળકોમાં પોઝિટિવ ફેરફારો પણ જોવા મળ્યા છે. 8-12 વર્ષના મોટા ભાગના બાળકોમાં શાર્પનેસ જોવા મળે છે.આ સમયગાળા દરમિયાન ઘણા બાળકોએ પોતાનામાં કૌશલ્ય પણ વિકસાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.